ગાંધીનગરમાં થનગનાટ કલ્ચરલ ફાઉન્ડેશન આયોજીત ત્રિદિવસીય એજયુકેશન એક્ષ્પોનો મુખ્યમંત્રી વિજયભાઇ રુંપાણીના હસ્તે પ્રારંભ.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ડેમોગ્રાફીક ડીવીડન્ડ સમાન યુવાશકિતને આધુનિક સમયાનુકુલ શિક્ષણના આયુધથી સજ્જ કરી રાષ્ટ્ર ઘડતર-રાષ્ટ્રનિર્માણમાં જોડવા એજ્યુકેશન એક્ષ્પોને સક્ષમ માધ્યમ ગણાવ્યા છે.
મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં થનગનાટ કલ્ચરલ ફાઉન્ડેશન આયોજીત ત્રિદિવસીય એજ્યુકેશન એક્ષ્પો-ર૦૧૮નો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે કહ્યું કે, ભારત વિશ્વનો સૌથી યુવા દેશ છે તેવે સમયે યુવાશકિતને યોગ્ય દિશાદર્શન-માર્ગદર્શન મળે તો યુવાશકિત ભવિષ્યના પડકારોને તકમાં પલટાવવા સક્ષમ છે.
મુખ્યમંત્રીએ આ સંદર્ભમાં સ્પષ્ટપણે જણાવ્યું કે, કારકીર્દી ઘડતરના ઉંબરે ડગ માંડતા વિદ્યાર્થીઓ-યુવાઓને આવા એજ્યુકેશન એક્ષ્પો દ્વારા વિશ્વકક્ષાના અભ્યાસક્રમો, કેરિયર ઓરિએન્ટેડ એજ્યુકેશન વગેરેની માહિતી-જ્ઞાન ઘેર બેઠાં મળી રહે છે.
વિજયભાઇ રૂપાણીએ ઉમેર્યુ કે, ગુજરાતનો યુવાન વિશ્વ સાથે આંખમાં આંખ મિલાવી સ્પર્ધા કરી શકે તેવો સામર્થ્યવાન બનાવવા, ભારત નિર્માણમાં તેનું યોગદાન પ્રેરિત કરવા મરિન યુનિવર્સિટી, ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટી, પેટ્રોલિયમ યુનિવર્સિટી, રક્ષાશકિત યુનિવર્સિટી જેવી વિશ્વકક્ષાની પ૭ યુનિવર્સિટીઓ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વિઝનથી રાજ્યમાં સાકાર થઇ છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, યુવાનોના નવિનત્તમ વિચારોને ઓપ આપવા સ્ટાર્ટઅપ મિશન, આઇ-ક્રિયેટ સહિતની સંસ્થાઓ પણ સરકારે શરૂ કરી છે. ગુજરાતની યુવાશકિત પોતાની સાહસિકતાને આના સથવારે આગળ ધપાવે તેવી નેમ છે. યુવાનોને જોબ સીકર નહિ – જોબ ગીવર બનાવવા છે તેમ પણ તેમણે ઉમેર્યુ હતું.
વિજયભાઇ રૂપાણીએ ધોરણ-૧ર પછી કારકીર્દી ઘડતરની અહેમિયત ઓળખીને આવા એજ્યુકેશન એક્ષ્પો યોજાઇ રહ્યા છે તેને અભિનંદનીય ગણાવ્યા હતા. આ એજ્યુકેશન એક્ષ્પો -ર૦૧૮ના પ્રારંભ અવસરે મુખ્ય સચિવ ડો. જે. એન. સિંહ, ફાઉન્ડેશનના સ્થાપક અધ્યક્ષ ભીખુભાઇ, રોહિતભાઇ નાયાણી તેમજ એકઝીબિટર્સ અને વિદ્યાર્થીઓ જોડાયા હતા.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,