વર્ષ ૨૦૧૮-૨૦૧૯ના ગ્રાન્ટની પ્રથમ હપ્તા પેટે ૧ હજાર કરોડની ફાળવણી
ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ દ્વારા આજે ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે યોજાયેલા ચેક વિતરણ સમારોહમાં રાજયની ૮ મહાનગરપાલિકા, ૮ સતામંડળ અને ૧૬૨ નગરપાલિકાઓને વર્ષ ૨૦૧૮-૨૦૧૯ની ગ્રાન્ટના પ્રથમ હપ્તા પેટે રૂ૧ હજાર કરોડની ફાળવણી કરવામાં આવી હતી. જેમાં રાજકોટ મહાનગરપાલિકાને વિકાસ કામો માટે રૂ.૫૮.૧૧ કરોડની ફાળવણી કરવામાં આવી હોવાનું મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાયે જણાવ્યું હતું.રાજયની તમામ મહાનગરપાલિકા, નગરપાલિકાઓ અને સતામંડળને વિકાસ કામો માટે રાજય સરકારના મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ દ્વારા દર વર્ષે અબજો પિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. આજે સવારે ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે યોજાયેલા ચેક વિતરણ સમારોહમાં રાજકોટ મહાનગરપાલિકાવતી મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ, શાસક પક્ષના નેતા અરવિંદ રૈયાણી અને દંડક રાજુભાઈ અઘેરા સહિત ૩૦ કોર્પોરેટરો ચેક વિતરણ સમારોહમાં હાજર રહ્યા હતા. મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ દ્વારા રાજકોટ મહાનગરપાલિકાને વિકાસકામો માટે રૂ.૫૮.૧૧ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. આ ગ્રાન્ટનો ઉપયોગ મહાપાલિકા કોઈપણ પ્રકારના વિકાસ કામો માટે ખર્ચી શકશે. વર્ષ ૨૦૧૮-૧૯ના આરંભના એક મહિનામાં મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડે ૧ હજાર કરોડની ગ્રાન્ટ રીલીઝ કરી દીધી છે. પૈસાના વાંકે એક પણ મહાપાલિકા અને નગરપાલિકાનો વિકાસ રૂધાય નહીં તેવી રાજય સરકારની નેમ છે. ૮ મહાનગરપાલિકા, ૮ સતામંડળ અને ૧૬૨ નગરપાલિકાઓને ૧ હજાર કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.