કવિવર રવિન્દ્રનાથ ટાગોરની જન્મજયંતિ અવસરે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનાં લાગણીસભર સંભારણા.
કલકતા સાથે સ્થાયી થયેલ મોટાભાઈ લાલચંદ મેઘાણીની બિમારીને કારણે ૧૯૧૮ના મે માસમાં ઝવેરચંદ મેઘાણીને ઓચિંતાનું કલકતા જવાનું થયું. કલકતા-રોકાણ લંબાયું ને ૧૯૧૮માં જીવણલાલ એન્ડ કંપની નામના એલ્યુમિનિયમનાં વાસણો બનાવતા કારખાનામાં જોડાયા.
બજારમાં ફરતા ‘સાઈનબોર્ડ’ વાંચીને બંગાળી ભાષા શીખ્યા. ફરજ બજાવતા બચે તે અંગત સમય દરમિયાન બંગાળી ભાષા-સાહિત્ય અને સંસ્કૃતિ સાથે પરિચય કેળવતા જઈ તેનો આ સ્વાદ માણવા માંડયો. પરિણામે કવિવર રવીન્દ્રનાથ ટાગોર અને તેમના સાહિત્ય પ્રત્યે સવિશેષ આદરભાવ કેળવાયો.
ટાગોરનું અતિ લોકપ્રિય કાવ્ય ‘નવવર્ષા’ કવિવરના જ સ્વમુખે ઝવેરચંદ મેઘાણીએ ૧૯૨૦માં કલકતા ખાતે સાંભળ્યું ને ખુબ સ્પર્શી ગયું. હૃદયમાં સતત ઘુંટાયા કર્યું. ૧૯૪૧માં ટાગોરના નિધન પછી છેક ૧૯૪૪માં, આ કાવ્યના અનુસર્જનરૂપે, આજે પણ લોકમુખે રમતું રહેલું અતિ લોકપ્રિય અને ઝમકદાર ગીત ‘મોર બની થનગાટ કરેલ’ (નવી વર્ષા) પ્રગટ થયું.
કુરબાનીની કથાઓ
૧૯૦૦માં પ્રગટ થયેલ ‘કથા ઉ કાહિની’ નામનો કવિવર રવીન્દ્રનાથ ટાગોરના પુસ્તકમાં શીખ, રજપુત, બૌઘ્ધ, મરાઠા, ઈત્યાદિ તવારીખોમાંથી લીધેલા સ્વાર્પણ અને ત્યાગના સુંદર ભાવના-પ્રસંગો ઓજસ્વી કથાગીતો રૂપે આલેખાયા છે. આ પૈકી અઢાર પાણીદાર ઘટનાઓને ૧૯૨૨માં પ્રગટ થયેલ પોતાની સહુપ્રથમ કૃતિ કુરબાનીની કથાઓમાં ઝવેરચંદ મેઘાણીએ ગદ્યરૂપે ઉતારી છે.
ટાગોરનું ઋણ સ્વીકારતાં ઝવેરચંદ મેઘાણી નોંધે છે: ‘આ મારું પહેલું પુસ્તક છે એટલું જ કહેવું બસ નથી. આ પુસ્તકે
મારા માટે વાચકજગતમાં અજવાળું કરી આપ્યું એ ગુણ હું કેમ ભુલી શકું ?’
ટાગોર સાથે મેળાપ
૧૯૩૩ના અંતમાં મુંબઈ આવેલા કવિવર રવીન્દ્રનાથ ટાગોરને ઝવેરચંદ મેઘાણીને મળીને ગુજરાતના લોકસાહિત્યનો આસ્વાદ માણવા ખાસ ભલામણ કરનાર હતા. અગાઉ એમને સાંભળી ચુકેલા એમના અંતરંગ સાથી અને ખ્યાતનામ ચિત્રકાર નંદલાલ બોઝ.
એ પ્રમાણે ટાગોરના ગુજરાતી શિષ્યો બચુભાઈ શુકલ અને પિનાકીન ત્રિવેદી સાથે ઝવેરચંદ મેઘાણી પૂર્વ-આયોજીત મુલાકાતના દિવસે નિર્ધારિત સમયે, સવારના ૭:૩૦ના ટકોરે, ટાગોરના ઉતારે-સર દોરાબજી તાતા પેલેસ પહોંચી ગયા. મુલાકાત માટે અડધા કલાકનો સમય ફાળવાયેલો હતો. શૌર્ય-શૃંગાર રસે છલકતા ગુજરાતના લોકસાહિત્યની રસપ્રદ વાતો ઉપરાંત લોકગીતો ઝવેરચંદ મેઘાણી પાસેથી સાંભળીને ટાગોરના મુખ પર પ્રસન્નતા છવાઈ.
ગુજરાતનાં અને બંગાળનાં લોકગીતોના ઝવેરચંદ મેઘાણીએ રજુ કરેલ તુલનાત્મક સમન્વયથી ટાગોર ઝુમી ઉઠયા. નિર્ધારિત સમય તો કયાંય રહયો-તેનાથી ત્રણ ગણો સમય ટાગોરે ઝવેરચંદ મેઘાણીને માણતાં ખુશી ખુશી સાથે વિતાવ્યો ! ના છડિયા હથિયાર ગાયું ત્યારે ટાગોર અને નંદલાલ બોઝ બન્નેએ કહ્યું કે, અમારે ત્યાં આવું નથી ! સાહિત્યના બેઉ મર્મી વચ્ચેનો રસસંવાદ સોળે કળાએ ખીલેલો હતો.
તે જ વખતે બરાબર મુલાકાત-ખંડમાં ત્રાટકયું એક વાવાઝોડુ- સરોજિની નાયડુ. સાક્ષાત આકાશની વીજળી સમા એ કવયિત્રીની ટાગોર સાથે નવ વાગે મુલાકાત અગાઉથી ગોઠવાયેલી હતી ! પરિસ્થિતિને પામી જતાં એમને, જો કે, વાર ન લાગી. ‘આવી રસભરી ગોઠડીમાં ભંગ પાડતા મારો જીવ નથી ચાલતો. મારો સમય હું મેઘાણીને ફાળવું છું.’
મહાત્મા ગાંધીએ જેમને રાષ્ટ્રીય શાયરના બિરૂદથી નવાજયા છે તેવા ઝવેરચંદ મેઘાણીનાં રાષ્ટ્રીય-ગીતો પણ સાંભળવા ગુરૂદેવને ગમશે, એટલી છેલ્લી ભલામણ કરીને કવયિત્રી પાછાં વળી ગયાં. છૂટા પડતી વેળાએ ટાગોરે હૃદય ખોલ્યું: ‘કાઠિયાવાડ ફરી આવવા દિલ તો બહુ છે:
પણ હવે તો કોણ જાણે… પણ એમ કર: તું જ શાંતિનિકેતન આવ. આપણે બેઉ ગુજરાતી અને બંગાળી લોકગીતોની મેળવણી કરીશું ને ચુંટીને અંગ્રેજી અનુવાદ સાથે પ્રગટ કરીશું. જરૂર આવ તું. પણ, હાથ શિયાળામાં આવજે. ઉનાળો અમારે ત્યાં બહુ આકરો. આ મુલાકાત પછી ટાગોરે નંદલાલ બોઝ મારફત ઝવેરચંદ મેઘાણીને શાંતિનિકેતન આવવાનું વિધિસરનું નિમંત્રણ મોકલ્યું હતું.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com