ધારાસભ્ય લલીત વસોયાએ પ્રાંત અધિકારી જોષીને બેફામ ગાળો ભાંડી
વિરોધને લઇ ફરેણીમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો: પોલીસ ધાડા ઉતરી આવ્યા: ભુમાફીયાઓના ઇશારે ડે.કલેકટરએ મને આમંત્રણ આપ્યું નથી: લલીત વસોયા ફરેણી ખાતે સરકારી કાર્યક્રમ ન હતો: પ્રાંત અધિકારી તુષાર જોષી
રાજય સરકાર દ્વારા ચાલી રહેલ આવી રહેલ સુજલામ સુફલામ યોજના અંતર્ગત ધોરાજી તાલુકાના ફરેણી ગામે ધારાસભ્ય લલીતભાઇ વસોયાને કાર્યક્રમ માટે આમંત્રણ નહી મળતા કાર્યક્રમનો વિરોધ અને ભાહે હોબાળો મચ્યો હતો.
પ્રાપ્ત વિગત મુજબ સુજલામ સુફલામ યોજના અંતર્ગત લોક ભાગીદારીથી ગામોના તળાવો ઉંડા કરવા સરકાર દ્વારા યોજના ચાલી રહી છે. જેમાં આજરોજ ધોરાજી તાલુકાના ફરેણી ગામે યોજનાગત કામગીરીનું મુહુર્ત બપોરે ર કલાકે રાજયના કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાના હસ્તે થવાનું હતું. ત્યારે આ કાર્યક્રમમાં પ્રોટોકોલ પ્રમાણે ધોરાજી-ઉપલેટા મત વિસ્તારના ધારાસભ્ય લલીતભાઇ વસોયાને કોઇપણ કારણોસર કે રાગદ્રેષ સાથે આમંત્રણ નહી અપાતા ધારાસભ્ય અને તેમના સમર્થકોએ પીતો ગુમાવ્યો હતો. અને ધારાસભ્ય લલીતભાઇ વસોયા સાથે ધોરાજી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાંથી તેમના સમર્થકો ફરેણી ગામ ખાતે બપોરે ર વાગ્યે દોડી આવ્યા હતા. ધોરાજીના ધારાસભ્ય વસોયા અને સમર્થકોનો જમાવડો યોજાયો હતો. તેમજ પ્રાંત અધિકારી અને સરકારી તંત્ર દ્વારા ઘર્ષણ સર્જાવાની સંભાવનાને ઘ્યાને લઇ ફરેણીમાં ચુકત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.
બપોરે રાજયનાં કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા ફરેણી ખાતે આવી પહોચ્યા હતા. જેમની સાથે પ્રાંત અધિકારી તુષાર જોષી પોલીસ અધિકારી એમ.વી.ઝાલા અને પોલીસ સ્ટાફ સાથે કાર્યક્રમ સ્થળ તરફ આવી રહ્યા હતા. જે દરમિયાન ધારાસભ્ય લલીતભાઇ વસોયા અને તેમના સમર્થકોએ અધિકારીઓને ધેરી લીધા હતા. જયાં ધારાસભ્ય લલીતભાઇ વસોયા અને પ્રાંત અધિકારી તુષાર જોષી વચ્ચે ઉગ્ર બોલાચાલી તું તું મેં મેં અને ધારાસભ્યએ આકરી ભાષામાં સરકારી અધિકારીને તતડાવ્યા હતા. આ દરમિયાન વધુ ઉગ્રતા ન આવે તે માટે મંત્રી જયેશભાઇ રાદડીયાએુ દરમિયાનગીરી કરતા મામલો થાળે પડયો હતો. અને ત્યારબાદ ખાતમુહુતનો કાર્યક્રમ યોજાયો હતો. જો કે ધારાસભ્ય એ ખાતમુહુર્તનો કાર્યક્રમના સ્થળથી પ૦ મીટર દુર રહી નીમળ્યો હતો.
ધારાસભ્ય લલીતભાઇ વસોયાએ પ્રતિક્રિયા આપતા જણાવેલ કે સુજલામ સુફલામ યોજનાનો આ સરકારી કાર્યક્રમ હતો જેમાં પ્રોટોકોલ મુજબ મને આમંત્રણ મળવું જોઇએ. તેમ છતાં પ્રાંત અધિકારીએ ભુમાફીયા ખનીજ ખોરોના ઇશારે મને આમંત્રણ આપ્યું નથી. લોકફાળાથી આવી રહેલા આ કાર્યક્રમ માટે મે પણ અનેક દાતાઓને સુજલામ સુફલામ જળ સંચય યોજના કાર્યક્રમમાં અનુદાન અપાવ્યું છે. ફાળો અપાવ્યો છે. તેમ છતાં માત્ર ને માત્ર ઇરાદાપૂર્વક મને આમંત્રણ ન અપાતા મારા સમર્થકોમાં રોષ ફેલાયો હતો. અને જો સરકારી કાર્યક્રમ ન હોય તો મંડપ, ગોરબાપા, પ્રતિનિધિ અને ખાતમુહુર્ત શા માટે કરાયું.
પ્રાંત અધિકારી તુષાર જોષીએ જણાવ્યું કે આ સરકારી કાર્યક્રમ ન હતો. માત્ર કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાની વિઝીટ હોવાથી મારે પણ દોડી આવવું પડયું હતું. આથી ધારાસભ્ય ને આમંત્રણ નો પ્રશ્ર્ન રહેતો નથી.
જયેશભાઇ રાદડીયાએ જણાવ્યું હતું કે સુજલામ સુફલામ યોજના અંતર્ગત જળ સંચયની કામગીરીમાં મને રાજકોટ અને જુનાગઢ જીલ્લાની સરકાર તરફથી જવાબદારી મળી હોય આથી હું વીઝીટ માટે ફરેણી ખાતે આવ્યો હતો. તેમજ થયેલા વિવાદ અંગે જણાવેલ કે ફરેણી ખાતે માત્ર મારી વીઝીટ હતી અને લોક કલ્યાણકારી કાર્યક્રમોમાં વિવાદો ઉ૫સ્થ્તિ થવા ન જોઇએ.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com