જામનગરના રણજીતસાગર રોડ પર બે શખ્સો શંકાસ્પદ હિલચાલ કરતા હોવાની બાતમી પરથી ગઈકાલે પોલીસે ગોઠવેલી વોચમાં આ શખ્સો ત્રણ ચોરાઉ મોટરસાયકલ સાથે મળી આવ્યા છે તે શખ્સોએ આ વાહનની જુદા-જુદા સ્થળેથી ઉઠાંતરી કર્યાની કબૂલાત આપી છે.
જામનગરના રણજીતસાગર રોડ પર આવેલી મારૃકંસારા વાડી નજીક બાવળની કાટમાં બે ચોરાઉ બાઈક રાખી બે શખ્સો શંકાસ્પદ હિલચાલ કરી રહ્યા હોવાતી બાતમી સિટી-એ ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફના પો.કો. રવિ એન. બુજડને મળતા તેઓએ પીએસઆઈ એસ.કે. મહેતાને તેનાથી વાકેફ કર્યા પછી પીઆઈ કે.આર. સકસેનાની સૂચનાથી સ્ટાફને સાથે રાખી વોચ ગોઠવી હતી.
તે દરમ્યાન આ વાડીની બાજુમાં બાવળના ઝાખરામાંથી નગરના વાંઝાવાસમાં રહેતો સલીમ કાસમ કુરેશી તથા પોટરીવાળી ગલી પાસે રહેતો સુરેશ ચંદુભાઈ જાડેજા ઉર્ફે કારો નામના બે શખ્સો ચોરાઉ લાગતા ત્રણ મોટરસાયકલ સાથે મળી આવ્યા હતા. પોલીસે બન્ને શખ્સોની અટકાયત કરી પૂછપરછ કરતા તેઓએ નગરના ત્રણ સ્થળેથી ઉપરોકત બાઈકની ચોરી કર્યાની કબૂલાત આપી છે. આથી પોલીસે રૃા.૬પ હજારની કિંમતના ત્રણ મોટરસાયકલ કબજે કરી બન્ને શખ્સોની વાહન ચોરીના ગુન્હામાં ધરપકડ કરી છે અને ઘનિષ્ઠ પૂછપરછ આરંભી છે. આ કાર્યવાહીમાં સ્ટાફના અલ્તાફ સફિયા, શિવભદ્રસિંહ, ફિરોઝ ખફી, સંજય પરમાર, પ્રજ્ઞરાજસિંહ જાડેજા સાથે રહ્યા હતા.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com