૩૩ કરોડ ટવીટર યુઝર્સને પાસવર્ડ બદલવા સુચન.
ઈન્ટરનલ લોગમાં ઉત્પન્ન થયેલી બગની સમસ્યાથી એક પણ યુઝર્સના ડેટા પ્રભાવિત થયા ન હોવાનો ટવીટરનો દાવો.
આજના ટેકનોલોજીના યુગમાં દિન-પ્રતિદિન આધુનિક સેવાઓ વધુને વધુ વિકસતી અને વિસ્તરી રહી છે. જેથી લોકોનું જીવન પણ સરળ બન્યું છે. તેમાં પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો વિકાસ થતા વિવિધ સેવાની આપ-લે ઘર બેઠા શકય બની છે અને દુરસંચાર વ્યવહાર પણ ઝડપી વિકસ્યો છે. વોટસએપ, ફેસબુક, ટવીટર જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મના વિકાસની સાથે સાથે સાયબર હુમલાઓ પણ વધ્યા છે. જાણે સોશિયલ મીડિયાનું વાઈરલ વાયરસ બની ગયું હોય તેમ લાગે છે.
સાયબર એટેકના ભયથી ટવીટરે તમામ યુઝસર્ન સાવધાન કર્યા છે અને તેના ૩૩ કરોડ યુઝર્સને પાસવર્ડ બદલી નાખવા સુચન કર્યું છે. માઈક્રો બ્લોગિંગ સાઈટ ટવિટરે ગુરુવારે ટવીટ કરીને કહ્યું કે, ઈન્ટરનલ કોમ્પ્યુટર સિસ્ટમમાં ગડબડ નજરે આવી હતી. જેને ઠીક કરી દેવાઈ છે અને ઈન્ટરનલ કોમ્પ્યુટર સિસ્ટમમાં ગડબડથી કોઈપણ યુઝર્સના ડેટા પર અસર ઉપજી નથી. આ મુદે ખાસ ધ્યાન દોરી ટવીટરના ચીફ એકઝીકયુટીવ જેક ડોરસેએ ટવીટ કરીને કહ્યું કે, અમે હાલમાં જ એક ગડબડ શોધી કાઢી છે. જેના દ્વારા ઈન્ટરનલ લોગના પાસવર્ડનો ખુલાસો થાય છે. જોકે, અમે તુરંત પગલા ભરી ગડબડને દુર કરી લીધી છે અને યુઝર્સના ડેટા પર તેનો કોઈ પ્રભાવ પડયો નથી.
આ ઘટનાથી સચેત થઈ ટવીટરે ૩૩ કરોડ યુઝર્સને પણ સાવચેત કર્યા છે અને પોતાના ટવીટર એકાઉન્ટના પાસવર્ડ બદલવા જણાવ્યું છે કે જેથી બગના લીધે કોઈ સમસ્યા ઉભી ન થાય. આ પ્રકારે પ્રશ્ર્નો ફરી પાછા ન બને તે માટે એક પ્લાન પણ ઘડાઈ રહ્યો છે તેમ ચીફ એકઝીકયુટીવે ટવીટમાં જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં ફેસબુકના લાખો યુઝર્સોના ડેટા લીક કૌભાંડ સામે આવ્યું હતું. જેમાં ડેટાચોર કેમ્ટિજ એનાલીટીકાનું નામ ખુલ્યું હતું. ફેસબુકના કૌભાંડથી અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મની કંપનીઓ પણ સચેત થઈ ગઈ છે અને પોત-પોતાના યુઝર્સના ડેટાની પ્રાઈવેસીને લઈ કડક પગલાઓ ભરી રહી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,