એસીબી, આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ, શહેરી વિકાસ વિભાગ સહિતના વિભાગોએ કરી જવાબદારીની ફેંકાફેંકી: ભ્રષ્ટાચારીઓને ઉગારી લેવાનો ખેલ
રાજકોટ મહાનગરપાલિકાના ત્રણ ઉચ્ચ અધિકારીઓ સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે રાજય સરકારના શહેરી વિભાગ, આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ, એસીબીમાં ફરિયાદ કરવા છતાં ભ્રષ્ટાચારીઓને ઉગારી લેવા માટે ચાલતા ખેલના વિરુઘ્ધમાં આજે કોર્પોરેશન કચેરીની બહાર બી.એલ.સોલંકી સહિતના કેટલાક લોકો ધરણા પર બેસી ગયા હતા.
મહાપાલિકાના ૩ ઉચ્ચ અધિકારીઓ સામે ભ્રષ્ટાચાર અંગે એસીબીની વડી કચેરીમાં રજુઆત કરવામાં આવી હતી પરંતુ આ ત્રણેય અધિકારીઓને ઉગારી લેવા માટે ગુજરાત સરકારમાં ચાલતા પારદર્શક ભ્રષ્ટાચાર અને કાગળ પર રમત આચરવામાં આવી છે. લાંચ શ્વત વિરોધી બ્યુરો અમદાવાદે પોતાની જવાબદારીમાંથી છટકી આ અરજી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં તબદિલ કરી હતી. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે પોતાની જવાબદારીમાંથી છટકી દડો શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગમાં ફેંકે છે. જયારે શહેરી વિકાસ પણ પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરી રાજકોટ મહાપાલિકાના કમિશનરને આ રજુઆત રવાના કરે છે. જે કામ એસીબી કરી શકયું હોત તેવું સામાન્ય કામ જવાબદારીની ફેંકાફેંકીના કારણે રાજય સરકારના મહત્વના વિભાગો પણ ન કરી શકયા પરીણામે આજે ભ્રષ્ટાચારીઓ લીલા લહેર કરી રહ્યા છે. મહાપાલિકાની કમિશનરની કચેરી તો ભ્રષ્ટાચારનું ઉદગમ સ્થાન છે તેવો આક્ષેપ બી.એલ.સોલંકીએ કર્યો છે.
તેઓએ જણાવ્યું હતું કે, અહીં બોર કૌભાંડ, બીલ કૌભાંડ, ડાયરી કૌભાંડ, ઢોલ કૌભાંડ, વાલ્વનું કૌભાંડ સહિતના કૌભાંડો ચાલી રહ્યા છે. ભ્રષ્ટાચારીઓ સામેના આક્ષેપો સાબિત ન થાય તે માટે તપાસની ફાઈલ જાણી જોઈને ગુમ કરી દેવામાં આવી છે. આજે બી.એલ.સોલંકી સહિતના કેટલાક લોકો કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરીની બહાર ધરણા પર બેસી ગયા હતા.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com