૧૩૩ કિલોમીટરનો વિસ્તાર અને ૧૬ લાખની વસ્તી ધરાવતા રાજકોટમાં વૃક્ષોની સંખ્યા માત્ર ૪ લાખ: શહેરીકરણની આંધળી દોટમાં પોતાના ભવિષ્ય સાથે ચેડા કરતા રાજકોટવાસીઓ.
સુર્યનારાયણ લાલચોળ બની આકાશમાં અગનવર્ષા કરી રહ્યા છે. કાળઝાળ ગરમીમાં સંજોગાવસાત કોઈ દિવસ બહાર જવાનું થયું હોય અને બળબળતા તાપમાં ખુલ્લામાં કોઈની રાહ જોઈને આપણે ઉભા હોય ત્યારે વૃક્ષના ઠંડા છાયડાને આપણી નજર શોધતી હોય છે. સૃષ્ટિનો એક નિયમ છે કે જેમ-જેમ વૃક્ષોનું વાવેતર વધે તેમ-તેમ ગરમીનું પ્રમાણ ઘટે પરંતુ માનવજાત પોતાના ભવિષ્ય સાથે જ ચેડા કરવાના ખતરનાક ખેલ ખેલી રહી હોય તેવું લાગી રહ્યું છે.
સ્માર્ટ સિટી બનવા તરફ જેટ ગતિએ આગળ વધી રહેલા સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટમાં દર ૪ વ્યકિતએ એક માત્ર વૃક્ષ છે. સામાન્ય રીતે કોઈપણ રહેવા લાયક સ્થિતિમાં ગ્રીનરીનો રેશીયો ૧૦ થી ૧૨ ટકા હોવો જોઈએ પરંતુ રાજકોટમાં ગીનરીનો રેશીયો ૪ ટકા જ છે હજી સમય છે જો માનવજાત પોતાની કુટેવ નહીં સુધારે તો આવનારી પેઢીને લીમડાના પાન એક કાચની બોટલમાં રાખીને બતાવવા પડશે.
વિશ્ર્વમાં સૌથી વધુ વૃક્ષો કેનેડામાં છે. કેનેડામાં વ્યકિત દિઠ વૃક્ષનું પ્રમાણ ૮,૯૫૩ છે. રશિયામાં માથાદીઠ ૪,૪૬૧, યુ.એસ.એ.માં ૭૧૬, ચાઈનામાં ૧૦૨, ભારતમાં ૨૮ અને આપણા શહેર એટલે કે રાજકોટમાં માથાદીઠ એક વૃક્ષ હોવાની વાત તો જોજનો દુર રહી ચાર વ્યકિતએ માત્ર એક જ વૃક્ષ છે. સૌરાષ્ટ્રનું પાટનગર અને મીની મુંબઈ કહેવાતા રાજકોટ ૧૩૩ ચોરસ કિલોમીટરમાં વિસ્તરેલું શહેર છે. સામાન્ય રીતે તમામ કુદરતી પરીબળોનો મકકમતાથી સામનો કરવા માટે કોઈ પણ રહેવા લાયક અને સારા સિટીમાં ગ્રીનરીનો રેશિયો ૧૦ થી ૧૨ ટકા હોવો જોઈએ.
જે સર્વસામાન્ય નિયમ છે પરંતુ ગ્રીનરીનો આ રેશિયો ૮ ટકા જેટલો પણ હોય તો ઉનાળાની સીઝનમાં હિટવેવ દરમિયાન સુર્યનારાયણના પ્રકોપનો સરળતાથી સામનો કરી શકાય છે. રાજકોટમાં ગ્રીનરીનો રેશીયો આંગળીના વેઠે ગણી શકાય એટલો માત્ર ૪ ટકા છે. ૧૬ લાખ રાજકોટવાસીઓ વચ્ચે માત્ર ૪ લાખ વૃક્ષો છે.
ફોરેસ્ટ વિભાગ દ્વારા આજથી ૧૦ વર્ષ પૂર્વે જયારે શહેરમાં વૃક્ષોની સંખ્યાની ગણતરી કરવામાં આવી ત્યારે બે લાખ વૃક્ષો હતા. છેલ્લા ૧૦ વર્ષમાં શહેરમાં વૃક્ષોની સંખ્યા બે લાખ જેટલી વધુ હોવાનો દાવો કોર્પોરેશનનું તંત્ર કરી રહ્યું છે. શહેરીકરણની આંધળી દોટમાં પર્યાવરણનું સંતુલન જળવાય રહે તે માટે સરકારી તંત્ર દ્વારા કાગળ પર ચોકકસ મોટા-મોટા આયોજન કરવામાં આવે છે પરંતુ તેની જમીની હકિકત ખુબ જ તફાવત જોવા મળે છે.
શહેરમાં અમુક મકાનો એવા પણ છે કે જયાં-જયાં ગ્રીનરીનો રેશીયો ૨૦ ટકા સુધી પહોંચી જતો હોય તો અમુક મકાનોમાં ગ્રીનરીનો રેશીયો શૂન્ય ટકા જેટલો હોય છે એટલે કે વિશાળ બંગલામાં નાનું એવુ સ્કુટર પણ પાર્ક કરી શકાય તેટલો છાયો આપે તેવું એક પણ વૃક્ષ ઉપલબ્ધ હોતું નથી.
શાસકો, અધિકારીઓથી લઈ સામાન્ય નાગરિકો પર્યાવરણને બચાવવા માટે મોટી-મોટી વાતો ચોકકસ કરે છે પરંતુ વૃક્ષના વાવેતર અને તેના ઉછેર માટે કોઈ જ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી. વૃક્ષ વાવવાની વાત તો દુર રહીં રાજકોટવાસીઓનો નેચર તો એવો થઈ ગયો છે કે ઘરની બાજુમાં વૃક્ષ ઉગી નિકળ્યું હોય તો તેને કપાવવા માટે વારંવાર અરજીઓ કરે છે. શહેરના ૧૮ વોર્ડ પૈકી સૌથી લીલોછમ વોર્ડ હોય તો તે વોર્ડ નં.૧૩ છે.
કારણકે અહીં અંગ્રેજોના સમયનો કોઠી કમ્પાઉન્ડ સહિતની મિલકતો આવેલી છે. જયાં પુષ્કળ પ્રમાણમાં ઘેગુર વૃક્ષો હજી પર્યાવરણનું રક્ષણ કરી રહ્યા છે તો સૌથી જુના એવા વોર્ડ નં.૭ બન્ઝર હાલતમાં છે. હજી સમય વિતી નથી ગયો જો સૌ જાગૃત બની પર્યાવરણને બચાવવા માટે સ્વયંભુ અભિયાન છેડે તો આવનારી પેઢીને આપણે કંઈ આપી શકીશું.
વોર્ડ નં.૩ લીલોછમ અને વોર્ડ નં.૭ બંઝર
રાજકોટની ૧૬ લાખની વસ્તી સામે માત્ર ૪ લાખ વૃક્ષો છે. ગ્રીનરીને રેશીયો તપાસવામાં આવે તો ૪ ટકા છે જે ખુબ જ ગંભીર વિષય છે. શહેરના ૧૮ વોર્ડ પૈકી સૌથી વધુ હરિયાળી જો કયાંય હોય તો તે વોર્ડ નં.૩માં છે. અહીં કોઠી કમ્પાઉન્ડ સહિતના વિસ્તારોમાં વૃક્ષોનું પ્રમાણ ખુબ જ વધું છે તો બીજી તરફ વોર્ડ નં.૭ કે જયાં જુનુ રાજકોટ વસેલું છે ત્યાં વૃક્ષોની સંખ્યા ખુબ જ ઓછી છે. વોર્ડ નં.૮,૯ અને ૧૦ સહિતના વિસ્તારોમાં પ્રમાણમાં સારા એવા વૃક્ષો છે.
તો આવનારી પેઢીને લીમડાના પાન બરણીમાં જ બતાવવા પડશે
રાજકોટના વિકાસની સરખામણીએ જે રીતે વૃક્ષોની સંખ્યામાં સતત ઘટાડો થતો જાય છે તે ખરેખર ગંભીર ચિંતાનો વિષય બની ગયો છે. શહેરીકરણની આંધળી દોટમાં જો આપણે પર્યાવરણની જાગૃતી માટે કોઈ ગંભીર પગલા નહીં લઈએ તો આવનારી પેઢી આપણને કયારેય માફ નહીં કરે. આગામી બે ચાર દશકામાં એવા દિવસો આવશે કે લીમડો, પીપળો સહિતના વૃક્ષો નામશેષ થઈ જશે અને આવનારી પેઢીને આ વૃક્ષોને પરીચય આપવા માટે તેના પાન એક બરણીમાં ભરી બતાવવા પડશે. કુદરતના તમામ પ્રકારના પ્રકોપને ખારવા માટે હવે એક માત્ર ઉપાય વૃક્ષારોપણ જ બચ્યો છે. જો આપણે હવે તેમાં પણ ગંભીર નહીં બનીએ તો ખુબ જ ચિંતાજનક પરિણામો આવશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com