ભવિષ્યની ચિંતા આજે કરીને ગુજરાત સરકારે લોકભાગીદારીથી રાજયભરમાં તમામ તળાવો ઊંડા ઉતારવાનું વિરાટ અભિયાન શરૂ કર્યું:જયેશ રાદડિયા.
“જલ હે તો કલ હે”: રાજકોટના જળ સંચય અભિયાનમાં વિવિધ સામાજીક સંસ્થાઓનો સ્તુત્ય સહયોગ સાંપડયો: મેયર ડૉ.જૈમન ઉપાધ્યાય.
આ અભિયાનની સાથો સાથ આજ થી આજી નદી શુદ્ધિકરણ ઝુંબેશ પણ લોકભાગીદારી સાથે શરૂ કરવામાં આવેલ છે:મ્યુનિ.કમિશનરશ્રી બંછાનિધિ પાની.
રાજ્ય સરકારશ્રી દ્વારા સમગ્ર ગુજરાતમાં જળાશયો-તળાવો ઉંડા કરવા માટે જળસંચય અભિયાન હાથ ધરવામાં આવેલ છે તે અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૧-મે એટલે કે ગુજરાત સ્થાપના દિનથી તેમાં સામેલ થઇ ખુબ જ મોટા પાયે આ ઝુંબેશનો આ પ્રસંગે ગુજરાત રાજ્યના રાજયકક્ષાના અન્ન નાગરિક પુરવઠા વિભાગના મંત્રી શ્રી જયેશભાઈ રાદડિયાએ પ્રારંભ કરેલ છે.
આ અભિયાનની સાથો સાથ આજ થી આજી નદી શુદ્ધિકરણ ઝુંબેશ પણ લોકભાગીદારી સાથે શરૂ કરવામાં આવેલ છે. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને માન.મેયરશ્રી ડૉ.જૈમન ઉપાધ્યાય તેમજ સાંસદ અને પૂર્વ કૃષિ મંત્રી મોહનભાઈ કુંડારિયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, મેયર ડૉ.જૈમન ઉપાધ્યાય, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, શાસક પક્ષ નેતા અને ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, રાજકોટ શહેર ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, ડે.મેયર ડૉ.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, શાસક પક્ષ દંડક રાજુભાઈ અઘેરા, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, સભ્ય મનીષભાઈ રાડીયા, અશ્વિનભાઈ મોલીયા, જાગૃતિબેન ઘાડિયા, જ્યોત્સનાબેન ટીલાળા, દલસુખભાઈ જાગાણી, પ્રીતીબેન પનારા, મુકેશભાઈ રાદડિયા, કશ્યપભાઈ શુક્લ, વિજયાબેન વાછાણી, બીનાબેન આચાર્ય, પરેશભાઈ પીપળીયા, દેવુબેન જાદવ, દક્ષાબેન ભેસાણીયા, અનિતાબેન ગોસ્વામી, શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, જીતુભાઈ કોઠારી, પૂર્વ કોર્પોરેટર વલ્લભભાઈ દુધાત્રા, અનિલભાઈ મકવાણા, ગેલાભાઈ રબારી, રસીક્બાઈ પટેલ, દેવજીભાઈ ખીમસુરીયા, પ્રવિણભાઈ કિયાડા, વોર્ડના અગ્રણી અરવિંદભાઈ ભેસાણીયા, મનસુખભાઈ જાદવ તથા બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ગુજરાત રાજ્યના રાજયકક્ષાના અન્ન નાગરિક પુરવઠા વિભાગના મંત્રી શ્રી જયેશભાઈ રાદડિયાએ જણાવેલ કે, ગુજરાત સરકાર દ્વારા આજે ગુજરાત રાજય સ્થાપના દિનની રાજયકક્ષાની ઉજવણી ભરુચ જીલ્લામાં થઇ રહી છે. આ અવસરની સાથોસાથ આજથી જ રાજયના માન.મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા અંકલેશ્વર ખાતે “સુજલામ સુફલામ જળ સંચય અભિયાન-૨૦૧૮”નો પ્રારંભ કરાવેલ છે ત્યારે આપણે અહીં રાજકોટ ખાતે પણ આ અભિયાનનો શુભારંભ કરી રહ્યા છીએ. જેમાં અનેક સામાજીક સંસ્થાઓનો સહયોગ સાંપડ્યો છે અને તેઓએ આ વિરાટ જવાબદારી ઉપાડી લીધી છે તે બદલ સરકારશ્રી વતી તમામ એન.જી.ઓ.નો આભાર વ્યક્ત કરું છું.
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, એક માસ સુધી ચાલનારા આ અભિયાન હેઠળ રાજ્યના તળાવો ઊંડા કરાશે. નદીઓ પુન:જીવિત કરાશે. અત્યારે ગુજરાતમાં ક્યાય પણ ૩૧ જુલાઈ સુધી પીવાના પાણીની તકલીફ ન પડે તેવી વ્યવસ્થા સરકારશ્રીએ કરી છે. જો કે આપણે ભવિષ્યની ચિંતા આજે કરવી જરૂરી છે. આ વિચાર સાથે જ માન.મુખ્યમંત્રી શ્ર્રી વિજયભાઈ રૂપાણીએ જળ સંચય અભિયાન શરૂ કરાવ્યું છે. આ અભિયાનમાં વધુને વધુ એન.જી.ઓ. અને અન્ય લોકો જોડાય તે સૌના સર્વાંગી હિતમાં છે.
અધ્યક્ષ સ્થાનેથી માન.મેયરશ્રી ડૉ.જૈમન ઉપાધ્યાયએ ગુજરાત સ્થાપના દિનની શુભેચ્છા પાઠવતા જણાવેલ કે, માન.મુખ્યમંત્રીશ્રીએ સેંકડો પ્રજાલક્ષી નિર્ણયો કર્યા છે. તેમા વધુ એક આવો નિર્ણય એટલે જળ સંચય અભિયાન. આપણે જાણીએ છીએ કે રાજકોટની પાણીની પરિસ્થિતિથી સુપેરે વાકેફ રહેલા મુખ્યમંત્રીશ્રીએ બે વખત સૌની યોજના હેઠળ નર્મદા નીરથી આજી-૧ જળાશયમાં પાણી ભરી રાજકોટવાસીઓની ચિંતા દુર કરી છે.
“જલ હે તો કલ હે” સુત્રને સમજીને રાજકોટ મહાનગરપાલીકાએ પણ લાલપરી રાંદરડા તળાવ ઉપરાંત પશ્ચિમ ઝોનમાં રૈયામાં સ્માર્ટ સિટી એરિયામાં સ્થિત રેસકોર્ષ-૨ ખાતે તળાવો ઊંડા ઉતારવાનું ખુબ મોટું આયોજન આજથી શરૂ કર્યું છે. ગઈ કાલે શહેરની વિવિધ સામાજીક સંસ્થાઓ સાથેની બેઠકમાં તંત્રએ કરેલા આહવાન અને અપીલને પગલે અનેક સંસ્થાઓએ આ અભિયાનમાં જોડાવવાનું વચન આપવા ઉપરાંત રૂ.૫૦ લાખ જેવા અનુદાનની પણ વ્યવસ્થા કરી આપી છે તે બદલ મહાનગરપાલિકા તેમનો આભાર માને છે.
આ અભિયાનમાં સતત એક માસ સુધી તળાવ ઊંડા કરવાનું કામગીરી કરી આશરે એક લાખ ઘણ મીટર જેટલી માટી કાઢી વધુ જળ સંગ્રહ થઇ શકે તે સુનિશ્ચિત કરાશે. જળ સંચય અભિયાનની સાથો સાથ લાલપરી રાંદરડા અને રૈયા સ્માર્ટ સિટીના તળાવ ખાતે બ્યુટીફીકેશન પણ કરવામાં આવશે. તેમજ આજી નદી શુદ્ધિકરણ અભિયાન પણ હાથ ધરવામાં આવેલ છે.
આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરતા મ્યુનિસિપલ કમિશનરશ્રી બંછાનિધિ પાનીએ જણાવેલ કે, સુજલામ સુફલામ જળ સંચય અભિયાન હેઠળ લાલપરી રાંદરડા તળાવ, પશ્ચિમ ઝોનમાં રૈયા સ્માર્ટ સિટી ખાતેના તળાવ ઊંડા કરવામાં આવનાર છે. જેમાં એક માસ સુધી આ કામ કરી કુલ ૩.૪૨ ઘન મીટર માટી કાઢવામાં આવશે. લાલપરી, રાંદરડા સાઈટ ઇકો ટુરીઝમને પ્રોત્સાહન આપે તે રીતે તેને ડેવલોપ કરવામાં આવી રહ્યું છે. આ જળ સંચય અભિયાનમાં આજે ૧૫ જે.સી.બી., ૧૨ હિટાચી, ૩૦ ટ્રેક્ટર, તેમજ વિવિધ સામાજીક સંસ્થાઓ તથા અન્ય મળીને કુલ ૨૦૦૦ જેટલા લોકોની ઉપસ્થિતિમાં તળાવ ઊંડા કરવાનું કામ શરૂ કરવામાં આવેલ છે.
મ્યુનિસિપલ કમિશનરશ્રી બંછાનિધિ પાનીએ વધુમાં જણાવેલ કે, જળ સંચય અભિયાનની સાથો સાથ આજથી જ આજી નદી શુદ્ધિકરણ ઝુંબેશનો પણ શ્રી રામનાથ મહાદેવ મંદિર ખાતેથી શુભારંભ કરવામાં આવેલ અને મંદિરની આસપાસનો એરિયા સાફ કરવાની કામગીરી પૂર્ણ કરેલ છે. જેમાં મંદિર પાસેથી અશુદ્ધ પાણી પસાર ન થાય તે રીતે નદીના પાણીને દુરથી ચેનલાઈઝ્ડ કરવામાં આવી રહેલ છે.
આ કામમાં પણ ૧૩ જે.સી.બી. તેમજ હિટાચી, ૩૬ ટ્રેક્ટર અને ડમ્પર, અને ૪૦૦ સફાઈ કામદાર અને મેલેરિયા વર્કર તથા વિવિધ સંસ્થાઓના ૧૦૦૦ જેટલા સ્વયમ સેવકો સામેલ છે. આજે આજી નદીમાં કેસરી હિન્દ પુલથી વોહરા બ્રિજ સુધી, વોહરા બ્રિજથી ઇન્દીરા બ્રિજ સુધી, ઇન્દીરા બ્રિજથી ચુનારાવાડ બ્રિજ સુધી અને ચુનારાવાડ બ્રિજથી ૮૦ ફૂટ રોડ સુધીનો એરિયા આ સફાઈ અભિયાનમાં કવર કરવામાં આવી રહ્યો છે.
આ પ્રસંગે મંચસ્થ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી આ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવેલ. જયારે આભાર દર્શન વોટર વર્કસ કમિટીના ચેરમેન દલસુખભાઈ જાગાણીએ કરેલ.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com