‘સાલા એક મચ્છર આદમી કો મેલેરિયાગ્રસ્ત બના શકતા હૈ’
મેલેરિયા નાબુદી સરકાર કે આરોગ્ય તંત્રની જ જવાબદારી નથી લોકોની જાગૃતિ પણ જરૂરી: વિશ્ર્વના અડધા ભાગની વસતી મેલેરિયા સંભવિત વિસ્તારમાં વસવાટ
પૃથ્વીના વધતા જતા ઉષ્ણાતમાન સાથે મેલેરિયાનું મચ્છરોનું સામ્રાજય વધતું જઈ રહ્યું છે એ વૈજ્ઞાનિકો માટે હવે ચિંતાનો વિષય બન્યો છે. હાલમાં મચ્છર સાથે સંકળાયેલા રોગોમાં મેલેરીયા રોગ મોખરે છે. વિશ્ર્વ આરોગ્ય સંસ્થા દ્વારા મેલેરીયાના રોગ પર કાબુ મેળવવા અને તેની જાગૃતિ આવે તે માટે દર વર્ષે ૨૫મી એપ્રિલના રોજ વિશ્ર્વ મેલેરીયા દિવસની ઉજવણી કરવામાં આવે છે.
વિશ્ર્વ આરોગ્ય સંસ્થા દ્વારા ૨૫મી એપ્રિલ ૨૦૦૭થી વિશ્ર્વ મેલેરિયા દિવસ તરીકે મનાવવામાં આવે છે. વિશ્ર્વના અડધા ભાગની વસ્તી મેલેરિયા સંભવિત વિસ્તારમાં રહે છે. દર વર્ષે ૨૨ કરોડ જેટલા લોકોને મેલેરીયાનો તાવ આવે છે અને ૬ લાખથી વધુ લોકો મૃત્યુના મુખમાં ધકેલાય જાય છે. જેમાં નાના બાળકોની સંખ્યા સહવિશેષ રહી છે. મેલેરિયા મુખ્યત્વે મચ્છરને લીધે થાય છે. એનોફીલેશ (માદા) મચ્છર માનવીને કરડવાથી ૧૦ થી ૧૪ દિવસ પછી મેલેરિયાનો તાવ આવવાનો શરૂ થાય છે. મેલેરિયા પ્લાસ્મોડીયમ વિવેકસ પ્લાસ્મોડીયમ ફાલ્સિપેરમ, પ્લાસ્મોડીયમ મેલેરીયા અને પ્લાસ્મોડીયમ ઓવલેના નામે ઓળખાતા પરોપજીવીઓથી થાય છે.
માનવ મેલેરિયાના પરોપજીવીઓના બે પ્રકાર છે. પ્લાસ્મોડીયમ વિવેકસ અને પ્લાસ્મોડીયમ ફાલ્સિપેરમ બે પ્રકારે નોંધાય છે. જેમાં પ્લાસ્મોડીયમ ફાલ્સિપેરમ ચેપ મેલેરિયાનું સૌથી ઘાતક સ્વરૂપ છે. તેથી તેને ઝેરી મેલેરિયાના નામે પણ ઓળખવામાં આવે છે. પ્લાસ્મોડીયમ વિવેકસથી થતો મેલેરિયાને ૧૪ દિવસની સારવારથી મટાડવામાં આવે છે. જયારે પ્લાસ્મોડીયમ ફાલ્સીપેરમ ૩ દિવસની સારવારમાં મટે છે પરંતુ તે જોખમી હોય છે. મેલેરિયામાં તાવ, માથાનો દુખાવો, ઉલ્ટી અને ફુલુ જેવા અન્ય લક્ષણો જોવા મળે છે. મેલેરિયા સગર્ભાવસ્થામાં ગર્ભ અને નવજાત શીશુ માટે નોંધપાત્ર જોખમ ઉભું કરે છે. સગર્ભા સ્ત્રીઓ મેલેરિયાના ચેપ સામે ઝઝુમવાની ઓછી ક્ષમતા ધરાવતી હોવાથી ગર્ભમાં રહેલા શિશુને વિપરીત અસર પડે છે. માદા એનોફિલસ મચ્છર કરડવાથી વ્યકિતના લોહીમાં જીવાણુઓ પ્રવેશે છે. આ જીવાણુઓ વ્યકિતના લીવરમાં જાય છે. લીવર કોષો ફાટે ત્યારે જીવાણુઓ વ્યકિતના રણકણોમાં પ્રવેશે છે. ત્યારબાદ ૧ થી ૪ અઠવાડિયામાં દેખાઈ શકે છે.
મેલેરિયાનો રોગ નિચાણવાળા વિસ્તારમાં વધુ પડતો જોવા મળે છે. જેમાં વરસાદી પાણીના તળાવો, ખાબોચિયા, નદીના પટના તળાવો, ચોખાના ખેતરો અને ગંદકી જેવા વિસ્તારોમાં પ્રજનન કરે છે. ચોમાસાના વરસાદ પછી સઘન પ્રજનન થાય છે. મેલેરીયાનો ફેલાવો ખુબ ઝડપથી વધી રહ્યો છે. તેની સામે ઉપાયો અને બચાવ કાર્ય ઔપચારિક અને ગોકળ ગાયની ગતિએ થઈ રહ્યું છે. મેલેરિયા નાબુદી ફકત સરકારની કે આરોગ્યતંત્રની જ જવાબદારી નથી. મેલેરિયા જેવા જીવલેણ રોગ સામે રક્ષણ મેળવવા લોકોમાં પણ જાગૃતિ આવે તે જ‚રી છે.
જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા મેલેરિયા નાબુદી અભિયાન યોજાશે
૩૦મી એપ્રિલથી ૫મી મે સુધી મેલેરિયા જાગૃતિ ઝુંબેશ
જીલ્લા આરોગ્ય તંત્રના જીલ્લા મેલેરિયા અધિકારીએ મેલેરિયા દિવસની ઉજવણી અંતર્ગત માહિતી આપી હતી કે ગત વર્ષના આગલા ત્રણ માસમાં ૮૪,૮૮૧ મેલેરિયાના શંકાસ્પદ કેસ નોંધાયા હતા. જેમાં ૩૨ લોકોને જ મેલેરિયા થયો હતો. ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષના ત્રણ માસમાં ૯૯,૫૧૪ લોકોની તપાસ કરતા માત્ર ૨૬ લોકોને જ મેલેરિયા થયાનો રિપોર્ટ આવ્યો છે.
મેલેરિયાના રક્ષણ માટે જીલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ગત વર્ષ ૧૧ ગામોમાં ૭ હજાર દવાયુકત મચ્છરદાની વિતરણ કરવામાં આવી હતી. આ વર્ષે ત્રણ વર્ષના કેસોના આધારે ૪૧ ગામ અને ૪૩ સબ સેન્ટરની ૬૩,૧૦૦ની વસ્તીમાં આગામી ૧૬મી મેથી આલ્ક્રાટાઈફર મેટ્રીન નામની જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવશે. આ દવાનો છંટકાવ પાંચ માસમાં બે વખત અઢી માસના અંતરે કરવામાં આવે છે. જેથી પાંચ માસ સુધી મેલેરિયા સામે રક્ષણ મળી શકે છે.
જીલ્લા આરોગ્યતંત્ર દ્વારા મેલેરિયા નાબુદી માટે આગામી ૩૦મી એપ્રિલથી ૫મી મે સુધી તાવના કેસોની શોધખોળ કરી સારવાર આપી મચ્છર ઉત્પતિ કેન્દ્રનો નાશ કરવામાં આવશે.
વિશ્ર્વ આરોગ્ય સંસ્થાએ ૨૦૦૭માં ૨૫ એપ્રિલને મેલેરિયા દિવસ જાહેર કર્યો
મેલેરિયા દિવસ નિમિતે ‘અબતક’ સાથેની વાતચીતમાં ડો.અજંના ત્રિવેદી ઈન્ચાર્જ સુપ્રીટેન્ડેન્ટ પીડીયુ-મેડિકલ કોલેજ રાજકોટ જણાવ્યું હતું કે, મેલેરીયા મચ્છરોથી થતો રોગ છે. ૨૦૦૭માં વિશ્ર્વ આરોગ્ય સંસ્થાએ ૨૫ એપ્રિલને મેલેરિયા દિવસ તરીકે જાહેર કરેલો છે. ભારતીય ગર્વમેન્ટનો ઉદેશ્ય છે કે ૨૦૩૦માં મેલેરીયામુકત અને ગુજરાતને ૨૦૨૨ સુધીમાં મેલેરીયામુકત કરીએ. અત્યારે વર્તમાન સમયમાં મહિને તાવનાં ૭૦૦૦ જેટલા કેસો નોંધાય છે. જેમાં ૧૨ જેટલા વાઈબ્રેકસ મેલેરીયાના કેસ, ૪ ફાલસીથેરામ્ડ હોય છે. ફાલસીપેરામ્ડ વધારે ખતરનાક હોય છે. ચોમાસુ આવે એટલે મેલેરીયા વધુ વકરશે. તેથી પહેલેથી થોડુ ધ્યાન રાખીએ તો મેલેરીયાને વધતો અટકાવી શકીએ. પાણીના ખાબોચીયા ન થવા દઈએ, ઘરમાં પણ પાણીને હવા ચુસ્ત એટલે પાણીને બંધ રાખીએ જેથી મેલેરીયા ઓછો થાય. લોકો પણ જાગૃત થઈને મચ્છરદાનીમાં સુવાનો આગ્રહ રાખે તો મેલેરીયાને અટકાવી શકીએ.
મેલેરિયાની ટ્રીટમેન્ટ સારી છે. પાછલા વર્ષે ગુજરાતમાં ૩૭,૦૦૦ કરતા વધારે કેસો નોંધાયા છે. જેમાં ૩ મૃત્યુ થયા છે એટલે આપણે ઘણુ સારી રીતે મેલેરિયાને હેન્ડલ કરીએ છીએ. આપણે ત્યાં તાવનો દર્દી આવે એટલે અર્બન હેલ્થ કેર, ‚રલ હેલ્થ કેર તુરંત જાય તો ટ્રીટમેન્ટ તરત જ મળી જાય તેથી મૃત્યુ થતા અટકી જાય. કોઈપણ તાવ બે-ત્રણ દિવસ રહે તો પ્રુવ ન થાય ત્યાં સુધી તેને મેલેરીયા તરીકે માનીને આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ ટ્રીટમેન્ટ કરાવી જોઈએ. ટેસ્ટ થઈ જાય તો સારવાર અસરકારક રહે અને ચોકસાઈ પણ રાખવી જોઈએ. જેથી મચ્છરોનો ઉપદ્રવ ઓછો થાય.
આરોગ્ય કેન્દ્ર મેડીકલ કોલેજમાં સીએસસી લેવલે પીએસસી લેવલે જયારે પણ પેસેન્ટ્રને તાવ આવે ત્યારે યુઝવલી બ્લડ સ્લાઈડ ટેસ્ટ કરાવી લેવામાં આવે છે. કારણકે કોઈપણ તાવ મેલેરીયા હોય શકે. તેથી તેની ટ્રીટમેન્ટ આપી દેવામાં આવી શકે છે પણ લોકો પોતે જાગૃત રહે, ચોકસાઈ રાખે, મચ્છરદાનીનો ઉપયોગ કરે, ગંદકી ન કરે, સ્વચ્છતા ઘટે તો રીતે મેલેરીયાને અટકાવી શકીએ.