પોલીસની અલગ અલગ ટીમ બનાવી લૂંટનો ભેદ ઉકેલવા વિવિધ દિશામાં તપાસ: સોરઠીયાવાડી ચોકથી લીંબડા ચોક સુધી લૂંટારાઓએ પીછો કરી આંગડિયા કર્મચારી પર હુમલો કરી હીરા, સોનાના ઘરેણા અને રોકડ સાથેના રૂ.૨૬ લાખની મત્તા સાથેના થેલાની લૂંટ
શહેરના લીંબડા ચોક નજીક અક્ષર આંગડિયા પેઢીના કર્મચારી પર હુમલો કરી બે શખ્સોએ રૂ.૨૬ લાખની કિંમતના હીરા, સોનાના ઘરેણા અને રોકડ સાથેના થેલાની લૂંટ ચલાવતા સનસનાટી મચી ગઇ છે. પોલીસે આંગડિયા લૂંટનો ભેદ ઉકેલવા સોરઠીયાવાડી સર્કલથી લીંબડા ચોક સુધીના માર્ગ પર આવતા સીસીટીવી ફુટેજની તપાસ કરતા બે શખ્સોના ફુટેજ મળી આવતા પોલીસની અલગ અલગ ટીમ બનાવી લૂંટનો ભેદ ઉકેલવા વિવિધ દિશામાં તપાસ હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મુળ પાટણ જિલ્લાના ચાણસ્મા નજીક પિંપળ ગામના વતની અને સુરતના મહિધરપુરામાં જયકર ભવન બિલ્ડીંગમાં રહેતા અક્ષર આંગડિયા પેઢીના કર્મચારી બાબુજી ઘેમલજી વાઘેલાએ લીંબડા ચોકમાં રૂ.૨૬ લાખની મત્તા સાથેના થેલાની બે શખ્સોએ ઝપાઝપી કરી લૂંટ ચલાવ્યાની એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
સોરઠીયાવાડી સર્કલ પાસે આવેલી અક્ષર આંગડિયા પેઢીએથી બાબુજી વાઘેલા અને તેના સહકર્મચારી હરેશ પટેલ આંગડિયાના પાર્સલ સુરત ખાતેની ઓફિસે પહોચાડવાના હોવાથી ગઇકાલે રાતે દસેક વાગે લીંબડા ચોક ખાતે આવ્યા હતા.
હરેશ પટેલ ટ્રાવેલ્સની ઓફિસમાં ટિકિટ લેવા ગયો ત્યારે બાબુજી વાઘેલા પાસે રૂ.૨૬ લાખની કિંમતના હીરા, સોનાના ઘરેણા અને રોકડ સાથેનો થેલો લઇ પટેલ ટ્રાવેલ્સની બસમાં ચડવા જઇ રહ્યો હતો ત્યારે પાછળથી બે અજાણ્યા શખ્સો ઘસી આવ્યા હતા અને બાબુજી વાઘેલાને પાછળથી બોથર્ડ પદાર્થ મારતા તે પડી જતા તેની પાસે રહેલો થેલો લૂંટી બંને શખ્સો ફરાર થઇ ગયાનું ફરિયાદમાં જણાવ્યું છે.
બાબુજી વાઘેલા અને હરેશ પટેલે લૂંટની ઘટના અંગે સૌ પ્રથમ આંગડિયા પેઢીની ઓફિસે નટવરસિંહ સોલંકીને જાણ કરતા તેઓએ પોલીસ કંટ્રોલ રૂમને લીંબડા ચોકમાં રૂ.૨૬ લાખની આંગડિયા લૂંટ અંગેની જાણ કરતા ડીસીપી બલરાજ મીના, એસીપી રાઠોડ, એ ડિવિઝન પી.આઇ. વી.વી.ઓડેદરા, ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. એચ.એમ.ગઢવી, પી.એસ.આઇ. કે.કે.જાડેજા, પી.એસ.આઇ. ધાંધલિયા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો.
લૂંટનો ભેદ ઉકેલવા પોલીસે રાતે જ સોરઠીયાવાડી સર્કલથી લીંબડા ચોક સુધીને સીસીટીવી ફુટેજ તપાસ કરતા ચાર શખ્સો બંને આંગડિયા પેઢીન કર્મચારીઓનો પીછો કરતા આવતા હોવાનું બહાર આવ્યું છે. લૂંટારાઓ બાબુજી વાઘેલાનો નિત્યક્રમ જાણ્યા બાદ છેલ્લા કેટલાક દિવસોથી રેકી કર્યા બાદ માતબાર મત્તાની લૂંટને અંજામ આપ્યો હોવાની શંકા સાથે તપાસ હાથધરી છે.
બીજી તરફ આંગડિયા લૂંટમાં કર્મચારીની સંડોવણી કે કોઇ જાણભેદુની સંડોવણી હોવાની શંકા સાથે પોલીસ દ્વારા પૂછપરછ હાથધરવામાં આવી છે.