સુરક્ષા સ્થિતિમાં સુધારા અને ઉગ્રવાદ ઘટતા સરકારનો નિર્ણય: મેઘાલય પરથી અસ્ફયા એકટ હટાવાયો જયારે અરૂણાચલમાં આંશિકરૂપથી લાગુ
આર્મડ ફોર્સ સ્પેશયલ પાવર્સ એકટ-અફસ્પા એટલે કે અશસ્ત્ર બળ વિશેષાધિકાર અધિનિયમ મેઘાલય રાજયમાંથી પૂર્ણ રીતે હટાવી લેવાયો છે. જયારે અરૂણાચલ પ્રદેશમાં આસામ સાથેની સીમા પરના આઠ પોલીસ સ્ટેશનો અને મ્યાનમાર સાથેની સીમા પરના ત્રણ પોલીસ સ્ટેશનો સુધી અફસ્પા એકટ સીમીત કરવાનો કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. ગૃહ મંત્રાલયે આ જાણકારી આપી છે.
ઉલ્લેખનીય છે કે, અફસ્પા હેઠળ સુરક્ષા બળોને પૂર્વ ચેતવણી વગર અભિયાન ચલાવવા અને કોઈપણની ધરપકડ કરવાનો અધિકાર હોય છે. ગૃહ મંત્રાલયે જણાવ્યું કે, મેઘાલયમાં સુરક્ષાની પરિસ્થિતિને લઈ ઘણા સુધારાઓ થયા છે અને આ સુધારાઓને ધ્યાને લઈ ૩૧ માર્ચથી અફસ્પા મેઘાલય પરથી હટાવી લેવાયો છે. જયારે અરૂણાચલ પ્રદેશમાં આ વિવાદીત એકટ અમુક સીમા સુધી જ સિમીત કરાયો છે એટલે કે અરૂણાચલમાં અસ્ફપાને અસમ સાથેની સીમાઓના ૧૬ પોલીસ સ્ટેશનોમાંથી ઘટાડી આઠ સુધી જ સિમીત કરાયો છે.
ગૃહમંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું કે, મેઘાલયમાં ગયા વર્ષે ૨૦૧૭માં ઉગ્રવાદની સૌથી ઓછી ઘટનાઓ થઈ છે. હુમલાઓમાં ચાર વર્ષથી સતત ઘટાડો નોંધાયો છે અને આવું ૨૦ વર્ષમાં પ્રથમ વખત થયું છે. વર્ષ ૨૦૦૦ની સરખામણીએ વર્ષ ૨૦૧૮માં ૮૫% હુમલાઓ ઘટયા છે. આથી અસ્ફપા એકટને મેઘાલયમાંથી હટાવાયો છે. જયારે અરૂણાચલમાં આઠ પોલીસ સ્ટેશન સહિત તિરપ, ચાંગલાંગ અને બાંગદિંગ જીલ્લાઓમાં અસ્ફપા લાગુ જ રહેશે તેમ સરકારે નિર્ણય લીધો છે. નાગાલેન્ડમાં વર્ષ ૧૯૯૦થી અસ્ફપા લાગુ છે. ગૃહ મંત્રાલયે કહ્યું કે, ત્રિપુરા અને મિઝોરમમાંથી ઉગ્રવાદનો સફાયો થઈ ગયો છે. આગામી સમયમાં આસામમાંથી પણ અસ્ફપા હટાવાય તેવી શકયતા છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com