૬-૬ વોર્ડને ૩ કલસ્ટરમાં વેચી દેવાશે: ટીપરવાન સમયસર આવી છે કે નહીં તેની માહિતી વોર્ડ ઓફિસર અને એસઆઈને મોબાઈલ ફોનમાં મળી રહેશે
સ્માર્ટ સિટી બનવા તરફ આગળ ધપી રહેલા રાજકોટ શહેરમાં હાલ ૪૦૦થી વધુ ટીપરવાન દ્વારા ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનની કામગીરી કરવામાં આવી રહી છે. ટીપરવાન સમયસર આવતી ન હોવાની અને અનિયમિત ફરિયાદો શહેરભરમાંથી ઉઠતા મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાયે એવો નિર્ણય લીધો છે કે આગામી દિવસોમાં ખુદ મહાપાલિકા તંત્ર ટીપરવાનમાં લગાવવામાં આવેલી જીપીએસ સિસ્ટમનું મોનીટરીંગ કરશે. ટીપરવાન સમયસર પહોંચી છે કે નહીં તેની માહિતી જે-તે વોર્ડના વોર્ડ ઓફિસર અને એસ.આઈને મોબાઈલ ફોનમાં મળી રહેશે.
મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, હાલ શહેરમાં ૩૦૨ ટીપરવાન સવારે, ૮૯ ટીપરવાન બપોરે અને ૧૭ ટીપરવાન રાત્રે ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનની કામગીરી કરે છે. આ માટે પાવર લાયન સેલ્સ અને એમ.જે.સોલંકી એમ બે એજન્સીઓ કામ કરે છે. અત્યાર સુધી ટીપરવાનમાં લગાવવામાં આવેલી જીપીએસ સિસ્ટમનું મોનીટરીંગ એજન્સીઓ દ્વારા કરવામાં આવતું હતું. છેલ્લા કેટલાક સમયથી શહેરમાંથી એવી ફરિયાદો ઉઠી રહી છે કે ટીપરવાન સમયસર આવતી નથી અને અનિયમિત આવે છે. જેથી હવે એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે ટીપરવાનમાં લગાવવામાં આવેલી જીપીએસ સિસ્ટમનું મોનીટરીંગ ખુદ મહાપાલિકા તંત્ર દ્વારા કરવામાં આવશે. હાલ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના ચોપડે શહેર ૨૩ વોર્ડમાં વહેંચાયેલું છે અને ૪-૪ વોર્ડના કલસ્ટર બનાવવામાં આવ્યા છે. આગામી દિવસોમાં શહેરને નવી વોર્ડ રચના મુજબ ૧૮ વોર્ડમાં વહેંચાશે અને ઝોન વાઈઝ ૬-૬ વોર્ડના કલસ્ટર કરવામાં આવશે.
તેઓએ ઉમેર્યું હતું કે, ટીપરવાનમાં જીપીએસનું મોનીટરીંગ માટે હૈદરાબાદ બ્લેક બોકસ કંપનીનો આધુનિક સોફટવેર ગોઠવવામાં આવશે.જેની મદદથી મહાપાલિકાના કંટ્રોલ રૂમ, વોર્ડ ઓફિસર અને વોર્ડ એસઆઈને ટીપરવાન સમયસર પહોંચી છે કે કેમ ? તે અંગેની માહિતી મળી રહેશે અને લોકોની ફરિયાદ પણ હલ થશે. ટીપરવાન જે રીતને કામગીરી કરશે તે જ રીતે એજન્સીને પૈસા ચુકવવામાં આવશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com