વ્યસન મુકત સમાજ અને સદાચાર યુકત સમાજનું નિર્માણ કરશે બીએપીએસના બાળ-બાલિકાઓ
પૂ.પ્રમુખ સ્વામી મહારાજના ૯૮માં જન્મજયંતી મહોત્સવ ઉપક્રમે બીએપીએસ રાજકોટ સ્વામિનારાયણ મંદિર દ્વારા અનેકવિધ માનવ ઉત્કર્ષનાં પ્રેરણાત્મક કાર્યક્રમો, સામાજીક પ્રવૃતિઓ યોજાઈ રહી છે. તે અંતર્ગત આજરોજ બીએપીએસ બાળ-બાલિકા દ્વારા ‘વિરાટ વ્યસનમુકિત અભિયાન’ અને ‘પ્રાર્થનાયજ્ઞ અભિયાન’નો શુભારંભ સમારોહ અપૂર્વમુનિ સ્વામી, બાળપ્રવૃતિ સંભાળતા ઉતમપુરુષ સ્વામી, મ્યુ.કમિશનર બંછાનિધી પાની, જોઈન્ટ પોલીસ કમિશનર ડી.એસ.ભટ્ટ અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં સ્વામિનારાયણ મંદિર ખાતે પ્રમુખ સ્વામી સભાગૃહમાં યોજાયો હતો.
પ્રમુખ સ્વામી મહારાજનું સમાજને વ્યસનમુકત બનાવવાનું કાર્ય આજે પણ તેમના અનુગામી પૂ.મહંતસ્વામી મહારાજ દ્વારા ચાલી રહ્યું છે. તેઓની જ આજ્ઞાથી પૂ.પ્રમુખ સ્વામી મહારાજના એ વ્યસનમુકત સમાજ બનાવવાના સંકલ્પને અનુલક્ષમાં રાખીને આજરોજ બીએપીએસ સ્વામીનારાયણ મંદિર ખાતે વિરાટ વ્યસનમુકિત અભિયાન અને પ્રાર્થનાયજ્ઞ અભિયાનનો આરંભ કરાયો હતો. આ કાર્યક્રમની શરૂઆતમાં બીએપીએસ સંસ્થા દ્વારા ચાલી રહેલા વ્યસનમુકિત અભિયાનના પ્રકલ્પને વિડીઓ દ્વારા દર્શાવવામાં આવ્યો હતો. ત્યારબાદ અપૂર્વમુની સ્વામીએ બીએપીએસના બાળકો અને બાલિકાઓ દ્વારા થનાર આ અભિયાનની માહિતી આપી હતી.
તેઓએ જણાવ્યું કે, ‘બુદ્ધિશાળી માણસ આવકની સાથે જાવકનો પણ વિચાર કરે. વ્યસન એ એક એવું દુષણ છે જેને લાખોના જીવનને બરબાદ કર્યા છે. ભારતમાં પ્રતિવર્ષ ૫ લાખ લોકો તમાકુને લીધે અને ૧૦ લાખ લોકો દારૂને કારણે મૃત્યુ પામે છે અને આ સંખ્યા ઘટવાને બદલે દિનપ્રતિદિન વધી રહી છે. વ્યસનરૂપી દુષણને કારણે વ્યકિત ન માત્ર પોતાનું નુકસાન પરંતુ પોતાના સમગ્ર પરિવારનું ભવિષ્ય પણ ધુળધાણી કરે છે. પૂ.પ્રમુખસ્વામી મહારાજે પોતાનું જીવન સમાજના દરેક વર્ગના વ્યકિતના ઉત્થાન માટે સમર્પિત કરેલું.
તેઓની અંતરથી ઈચ્છા રહેતી કે, સમાજ વ્યસનમુકત બને અને એટલા માટે જ તેઓએ અનેક વ્યસનમુકિત પ્રકલ્પો ચલાવી લાખો લોકોને નિવ્યસની બનાવ્યા હતા. ‘બીજાના સુખમાં આપણું સુખ’એ જીવનમંત્ર આપનાર પ્રમુખસ્વામી મહારાજે લોકોને નિવ્યસની બનાવવો ઘરો-ઘર, ગામો-ગામ અને શહેરોમાં ઘુમી વળીને સામુહિક કે વ્યકિતગત રીતે ઉપદેશ આપીને લોકોના જીવનને નિવ્યસની બનાવી, લાખો લોકો અને હજારો પરિવારોને એક નવું જીવન બક્ષ્યું છે. કુલ ૨૫ દિવસ ચાલનારા આ અભિયાનમાં બીએપીએસના કુલ ૨૦૦૦થી વધુ બાળ-બાલિકાઓ જોડાય રહ્યા છે.
આ તકે મ્યુનિ.કમિશનરે જણાવ્યું હતું કે, એક વ્યકિત વ્યસનમાં આવી જાય તો તેની સાથેના બીજા ૨૦ લોકોને ભરખી જાય છે. માટે જો આ વ્યસનમુકિતનું કામ થાય તો બીજા બધા કામ આપોઆપ થઈ જાય. અત્યારે વ્યસન એ એક સ્ટેટસ થઈ ગયું છે તે માનસિકતા દુર કરવાની જરૂર છે. માટે આ વ્યસનમુકિત અભિયાનના આયોજન બદલ હું બીએપીએસ સંસ્થાનો આભારી છું. બીએપીએસ સંસ્થા અને મનપા સાથે મળી આ અભિયાનમાં જોડાઈશું. અંતમાં આ કાર્યક્રમમાં ઉ૫સ્થિત ૮૦૦૦થી વધુ ભકતો-ભાવકો આ અભિયાનમાં પોતાનું યોગદાન આપવાના દ્રઢ સંકલ્પ સાથે કટિબદ્ધ થયા હતા.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com