સુજલામ-સુફલામ યોજના અન્વયે એનજીઓને તળાવો દત્તક લેવા અપીલ: ૩૦ જેટલી સંસ્થાઓ સાથે બેઠક
ગુજરાત સ્થાપના દિનના અવસરે રાજય સરકાર દ્વારા સમગ્ર રાજયમાં સુજલામ-સુફલામ યોજના અન્વયે ચેકડેમ અને તળાવો ઉંડા ઉતારવાની કામગીરી શ‚ કરવા નકકી કર્યું છે. જે અન્વયે આજે રાજકોટ જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાએ સ્વૈચ્છિક સંસ્થા સાથે બેઠક યોજી આ ભગીરથ કાર્યમાં સાથ-સહકાર માંગ્યો હતો. આજની આ બેઠકમાં ૩૦ જેટલી સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ આગામી તારીખ ૧લી મેથી સમગ્ર રાજયમાં સુજલામ-સુફલામ યોજના અન્વયે તળાવો, ચેકડેમ અને મોટા ડેમોને ઉંડા ઉતારવા માટે કામગીરી શરૂ કરવા રાજય સરકારે નકકી કર્યું છે. જે અન્વયે રાજકોટ જિલ્લામાં ૨૨૦ થી વધુ ચેકડેમ અને તળાવો ઉપરાંત બે મોટા ડેમને પણ ઉંડા ઉતારવા કાર્યવાહી કરવામાં આવનાર છે. વધુમાં આજે જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાના અધ્યક્ષ સ્થાને સુજલામ-સુફલામ યોજનામાં સ્વૈચ્છિક સંસ્થાઓનો સહકાર લેવા માટે ખાસ બેઠક યોજવામાં આવી હતી.
વધુમાં અધિક નિવાસી કલેકટર હર્ષદ વોરાએ જણાવ્યું હતું કે, સરકારની સુજલામ-સુફલામ યોજના અન્વયે ચેકડેમ અને તળાવો ઉંડા ઉતારવાની કામગીરીમાં સ્વૈચ્છિક સંસ્થાઓ પણ સહભાગી બને અને જેસીબી, ડીઝલ તેમજ અન્ય બાબતોમાં આર્થિક સહયોગ આપે ઉપરાંત જો સ્વૈચ્છિક સંસ્થાઓ તળાવો ઉંડા ઉતારવાની કામગીરીમાં કોઈપણ તળાવો કે બંધ દતક લેવા માંગતા હશે તો તેઓને સંપૂર્ણરીતે કામગીરી કરવા જવાબદારી સોંપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે સુજલામ-સુફલામ યોજના હેઠળ સરકાર દ્વારા તળાવો અને ચેકડેમોને ઉંડા ઉતારી તેમાંથી નિકળતી કાપ અને માટી ખેડુતોને આપવામાં આવશે. જેથી ખેતીની ફળદ્રુપતા વધવાની સાથે સાથે તળાવો ઉંડા ઉતારતા ભુગર્ભ જળ સ્તર પણ ઉંચુ આવશે.
જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને યોજાયેલી સ્વૈચ્છિક સંસ્થાઓની આજની આ બેઠકમાં માર્કેટીંગ યાર્ડના પ્રતિનિધિઓ, શાળા-કોલેજના પ્રતિનિધિઓ ઉપરાંત રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com