સીંગતેલ ખાવું ખરાબ નથી, ખરાબ તેલ ખાવું સ્વાસ્થ્ય માટે હાનિકારક: ખેડુતોને પશુ આધારીત ખેતી તરફ વળવા વાઇબ્રન્ટ એગ્રો સમિટમાં કેન્દ્રીય કૃષિ મંત્રીની ટકોર
કાઠીયાવાડની રસોઇમાં પરંપરાગત રીતે વપરાતું સિંગતેલ ગેર માન્યતાઓના કારણે ધીમેધીમે ઘટી રહ્યું છે ત્યારે સિંગતેલ સ્વાસ્થ્ય માટે ખરાબ નહી હોવાનું બલકે ખરાબ તેલ સ્વાસ્થ્ય હાનિકારક હોવાનું કેન્દ્રીય કૃષિ મંત્રી જણાવી આવતા દિવસોમાં સિંગતેલના ડબ્બામાં કયા તેલનું કેટલું મિકસીગ છે તેની ટકાવારી લોકો સ્પષ્ટ રીતે જોઇ શકે તે રીતે મોટા અક્ષરોમાં છાપવાનું ફરજીયાત બનાવવામાં આવશે તેમજ મિલરો દ્વારા સિંગતેલની શુધ્ધતાની ઓળખ માટે અલગ સિંબોલ આપવા ટકોર કરી હતી.
રાજકોટ ખાતે યોજાયેલા વાઇબ્રન્ટ એગ્રો સમિટમાં કેન્દ્રીય કૃષિ મંત્રી પરસોતમભાઇ ‚પાલાએ હાજરી આપી હતી આ તકે તેઓએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં ખેતીના ટૂંકડા થઇ રહ્યા હોય ચિન્તા વ્યક્ત કરી જણાવ્યું હતું કે, જો ખેડુતો પશુ આધારિત ખેતી તરફ નહી વળે તો પરિસ્થિતી હજી પણ ખરાબ થશે સાથો સાથ ઇઝરાઇલની જેમ ખેડુતોએ સાથે મળી સયુંકત કુંટુબભાવના કેળવી ખેતીના ટૂંકડા થતા બચાવશે તો જ ખેડુતો સમૃધ્ધ થશે તેવું જણાવ્યું હતું. આ ઉપરાંત વર્તમાન સમયમાં ગામડાઓમાં ૫૦ વિઘાનો કોઇ ખેડુત રહ્યો નથી મોટા ભાગના ખેડુતો બે-પાંચ કે દસ વિઘાનો ખેડુત રહ્યો છે. જો કોન્ટ્રાકટ ફાર્મિગ થકી ૨૦૦-૫૦૦ કે ૨૦૦૦ વિઘાની ખેતી કરશે તો ઉત્પાદનનું પ્રમાણ વધશે અને ઉત્પાદનના ભાવ પણ વધુ મળશે.
વધુમાં તેઓએ પશુ આધારિત ખેતીની તરફેણ કરતા કટાક્ષ કર્યો હતો કે, આપણી ગીર ગાય હવે આપણી રહી નથી કોઇને પુછવામાં આવે કે, સૌથી વધુ ગીર ગાય કયાં જોવા મળે તો ગુજરાત ભારતનું નામ નહી આવે બલકે બ્રાઝીલનું નામ આવશે કારણે આપણે ગાયોની પૂજા કરી, પુછડે પાણી રેળી પરંતુ ગીર ગાયની માવજત ન કરી એટલે આજે બ્રાઝીલમાં ગીર ગાયનું જતન થાય છે અને ઉતમ ઓલાદની આપણી ગાયો બ્રાઝીલની ઓળખ બની ગઇ છે. આ સંજોગોમાં આપણે પશુ આધારિત ખેતી કરીએ અને બળદોનો ઉપયોગ કરીએ તો ગીર ગાય પણ સચવાશે અને ખેતીને દેશી ખાતર મળશે તેમજ જમીનનું જતન થશે સાથે સાથે ઉત્પાદકતા વધશે અને હજી પણ મોડુ ન થયું હોવાનું જણાવી ખેડુતોને ગીર ગાયનું સવર્ંધન કરવા પર ભાર મુકયો હતો.
આ તકે કેન્દ્રીય કૃષિ મંત્રી પરસોતમભાઇ રૂપાલાએ આશ્ર્ચર્ય વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, સરકાર પાસે દસ લાખ મગફળીનો સ્ટોક ગોડાઉનમાં પડયો છે અને મિલરોએ નવી મગફળીનું પિલાણ નથી કર્યુ તો બજારમાં સિંગતેલનો આટલો બધો જથ્થો આવ્યો કયાંથી ? આવું કહી પરસોતમભાઇ રૂપાલાએ જણાવ્યું હતુ કે, આજે બજારમાં સિંગતેલના નામે ભેળસેળયુ તેલ વેચાય છે આથી રાજય સરકાર આ મામલે સચેત બની છે અને આવનાર દિવસોમાં સિગારેટના પેકેટ પર મોટા સિંબોલ મુકી ચેતવણી મુકાઇ છે તે રીતે જ સિંગતેલના ડબ્બામાં માખીના ટાંગા જેવા અક્ષરે લખાતુ અન્ય તેલનું મિકસીંગનું પ્રમાણ મોટા મોટા અક્ષરે દેખાય તે રીતે દર્શાવવાનું ફરજીયાત બનાવાશે.
વધુમાં તેઓએ સૌરાષ્ટ્ર ઓઇલ મિલ એસોસિએશનને ટકોર કરી શુધ્ધ સિંગતેલ અલગથી નવો સિબોલ બનાવી લોકોમાં સિંગતેલ ખાવાનું પ્રમાણ વધે તે માટે શુધ્ધતાનું પ્રમાણપત્ર રૂપી તેલ આપવા પણ તેઓએ ભારપુર્વક જણાવ્યું હતું.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com