નવદંપતીઓને મુખ્યમંત્રીશ્રીના હસ્તે ગૌ દાન
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ તેમના પિતૃવતન ગામ ચણાકામાં વિકાસના કામોના લોકાર્પણ કર્યા બાદ ચણાકા લેઉવા પટેલ સમાજ આયોજિત સમૂહ લગ્નોત્સવમાં ઉપસ્થિત રહી પ્રભૂતામાં પગલા માંડનાર ૨૧ નવ દંપતીઓને સુખી દામ્પત્ય જીવનની શુભકામના પાઠવી હતી. મુખ્યમંત્રીશ્રીના હસ્તે નવદં૫તીઓને ગૌ પૂજન સાથે ગાયનું દાન કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે કહ્યું કે, સમૂહ લગ્નએ અત્યારના સમયની માંગ છે. ભારતીય પરંપરામાં લગ્નએ ભવોભવનું જોડાણ છે. ભારતીય લગ્ન પ્રણાલી સંસ્કૃતિને પણ ઉજાગર કરે છે તેમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ ચણાકામાં લગ્નગ્રંથીથી જોડાયેલા નવદંપતીઓને શુભેચ્છા પાઠવી હતી.
મુખ્યમંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે, ચણાકા અને ભેસાણ તાલુકામાં વરસાદી પાણીનો સંગ્રહ થાય તે માટે સામુહિક પ્રયાસો કરવામાં આવે તે જરૂરી છે. તેઓએ કહ્યું કે, આગામી ૧લી મે થી રાજ્યના તળાવોને ઉંડા કરવાનું અભિયાન લોકભાગીદારીથી શરૂ થશે. નર્મદાની કેનાલ સાફ કરાશે અને જંગલના ચેક ડેમો પણ ઉંડા ઉતારવામાં આવશે. ૩૪ નદીઓને પુનઃ જીવીત કરાશે.
‘સૌની યોજના’માં ચાલુ વર્ષે ૩૬ ડેમો નર્માદાના પાણીથી ભરવામાં આવશે. સૌરાષ્ટ્રના ખેડૂતને વીજળી અને પાણી મળે તો ખેતીનો વિકાસ કરવા ખેડૂત સક્ષમ છે તેમ જણાવી આગામી દિવસોમાં ખેડૂતને પુરતુ પાણી મળશે તેમ જણાવ્યું હતું. વર્ષ ૨૦૧૯માં બધા જ ડેમો ભરવામાં આવશે.
ગૌ હત્યા નિવારણ માટે રાજ્ય સરકારે કડકમાં કડક કાયદો અમલમાં મુક્યો છે તેમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, જ્ઞાતી અને જાતીનો ભેદભાવ ભુલીને ગુજરાતના ઉજવળ ભવિષ્ય માટે સંકલ્પબદ્ધ બનીએ. આ તકે નાગરિક પુરવઠા અને જુનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી જયેશભાઇ રાદડીયાએ કહયું કે, સમૂહ લગ્નના આયોજનથી સામાજિક સમરસતા વધે છે અને સમાજ સેવાની સાથે પરિવારો પર ખર્ચનું ભારણ ઘટે છે. મંત્રીશ્રીએ સમૂહ લગ્ન સમીતીના પ્રમુખશ્રી ઉમેશભાઇ બાંભરોલીયા અને તેમની ટીમને સુંદર આયોજન બદલ તથા દાતાશ્રીઓને અભિનંદન પાઠવ્યા હતા.
કાર્યક્રમનું દિપ પ્રગટ્ય કર્યાબાદ મુખ્યમંત્રીશ્રીના હસ્તે બે પ્રતીકરૂપ દંપતી સમિતાબેન અને નીકુંજભાઇ તેમજ રિંકલબેન અને ધર્મેશભાઇને ગૌ પૂજન સાથે ગીર ગાયની વાછરડીનું દાન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ ગૌ દાનના દાતા હિતેષભાઇ સુરતરીયાને અભિનંદન આપ્યા હતા. મુખ્યમંત્રીશ્રીના હસ્તે અગ્રણીશ્રી મહેશભાઇ સવાણી, શ્રી બટુકભાઇ, જીતેન્દ્રભાઇ કોટડીયા સહિતના દાતાઓનું સન્માન કરાયું હતું.
આ પ્રસંગે સત્તાધારના મહંતશ્રી વિજયબાપુ, સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો તેમજ સાંસદશ્રી રાજેશભાઇ ચુડાસમા, યુવા ભાજપના પ્રમુખશ્રી ડૉ.ઋત્વિજ પટેલ, પૂર્વમંત્રીશ્રી જશુમતીબેન કોરાટ, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી કીરીટભાઇ પટેલ, ધારાસભ્યશ્રી હર્ષદભાઇ રીબડીયા, શ્રી ગોરધનભાઇ ઝડફીયા, શ્રી કનુભાઇ ભાલાળા, શ્રીમતી અંજલીબહેન રૂપાણી, શ્રીમતી જ્યોતીબેન વાછાણી, કલેક્ટર ડૉ.સૌરભ પારધી તેમજ અન્ય અધિકારીઓ અને પદાધિકારીઓ મોટી સંખ્યામાં મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમને સફળ બનાવવા શ્રી રામજીભાઇ ડોબરીયા, શ્રી વિપુલભાઇ રામાણી, શ્રી અશ્વિનભાઇ, ડૉ.નવીનતભાઇ, શ્રી ચેતનભાઇ, શ્રી જગદીશભાઇ બાંભરોલીયા, શ્રી કાંતીભાઇ બાલધા, શ્રી મનુભાઇ રામાણી, શ્રી હરેશભાઇ સહિતની ટીમએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન ડૉ.હરેશ કાવાણીએ કર્યું હતું.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com