જામનગરના સુભાષ શાક માર્કેટ વિસ્તારમાં દોઢ મહિના પહેલા ભોઈ તથા કોળી જૂથ વચ્ચે થયેલી બબાલના હજુ પણ પડઘા પડી રહ્યા છે. ગઈકાલે જ ભોઈ જૂથના કેટલાક વ્યક્તિઓ જામીન મુક્ત થયા છે ત્યારે તળાવની પાળે એક ભોઈ યુવાનને આઠ કોળી શખ્સોએ મરણતોલ માર મારી સંંખ્યાબંધ ફ્રેકચર કરી નાખ્યા હતા તે પછી કોળીવાડમાં એક યુવાનને આઠ ભોઈ શખ્સોએ માર માર્યાની અને વાહન તથા અન્ય ચીજવસ્તુઓમાં તોડફોડ કર્યાની પોલીસમાં ફરિયાદ થઈ છે. પોલીસે બન્ને પક્ષોની ફરિયાદ પરથી પૂર્વયોજિત કાવતરૃ, હત્યા પ્રયાસ, રાયોટીંગ, તોડફોડ, જાહેરનામાના ભંગ અંગે ગુન્હા નોંધ્યા છે.
જામનગરના સુભાષ શાક માર્કેટ વિસ્તારમાં આવેલા ભોઈના ઢાળિયાની અંદરના ભાગમાં કોળીવાસમાં ગઈ તા.૧-૩-ર૦૧૮ – હોળીની રાત્રે ભોઈ તથા કોળી જૂથ વચ્ચે બબાલ થઈ હતી જેમાં ભોઈ જૂથના કેટલાક વ્યક્તિઓએ કોળીવાડમાં ઘૂસી જઈ કેટલાક વાહનોને તેમજ મકાનને આગ લગાડી કોળી યુવાનોને ઢીબ્યા હોવાની પોલીસમાં ફરિયાદ થઈ હતી. જ્યારે સામાન્ય બાબતે કોળી જૂથે ભોઈ જૂથ પર હુમલો કર્યાની વળતી ફરિયાદ પણ થઈ હતી. પોલીસે બન્ને જૂથોના શખ્સોની ધરપકડ કર્યા પછી હજુ ગઈકાલે જ ભોઈ જૂથના કેટલાક વ્યક્તિઓની જામીન મુક્તિ થવા પામી હતી તે દરમ્યાન ગઈરાત્રે વધુ એક વખત બન્ને જૂથ વચ્ચે ડખ્ખો થયાનું બહાર આવ્યું છે.
જામનગરના સેન્ટ્રલ બેંક વિસ્તારમાં આવેલા ખારવા ચકલા રોડ પર રહેતો જયપ્રકાશ કાંતિલાલ મહેતા નામનો ત્રીસ વર્ષનો ભોઈ યુવાન રાત્રે સાડા બારેક વાગ્યે પાછલા તળાવના ભાગમાંથી પસાર થતો હતો ત્યારે તેને કોળી જૂથ સતિયા, તેના ભાઈ મુનિયા, આતિશ પીપરિયા, જયકિશન ઉર્ફે જેકી, મેહુલ પીપરિયા તથા ત્રણ અજાણ્યા શખ્સોએ જયપ્રકાશને આંતરી લઈ તેના પર છરી, લાકડી, પાઈપ વડે હુમલો કરી જીવલેણ માર માર્યો હતો જેના પગલે જયપ્રકાશને સંખ્યાબંધ ફ્રેકચર થયા છે. આ યુવાનને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા પછી તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પીઆઈ કે.આર. સકસેનાના વડપણ હેઠળ ધસી ગયેલા પોલીસ કાફલાએ આઈપીસી ૩૦૭, ૩૨૩, ૩૨૫, ૧૨૦ (બી), ૧૧૪, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯ તથા જીપી એક્ટની કલમ ૧૩૫ (૧) હેઠળ ગુન્હો નોંધ્યો છે.
ઉપરોકત બનાવ પછી મોડીરાત્રે એકાદ વાગ્યે કોળીવાસમાં જૂના ઝઘડાનો ખાર રાખી ભોઈ જૂથના તેજલો મિસ્ત્રી, સંજલો ભોઈ ઉર્ફે કોઢિયો, સાજનિયો, જયપ્રકાશ કાંતિલાલનો ભાઈ હિમાંશુ મહેતા અને અન્ય ચાર અજાણ્યા શખ્સોએ કોળીવાડમાં ધસી આવી ત્યાં પડેલા મોટરસાયકલ અને એક મોપેડને નુકસાન પહોંચાડયાની અને મકાનના ટયૂબલાઈટ તોડી આગ લગાડયાની ફરિયાદ કરવામાં આવી છે.
આ વેળાએ મુકેશ ચકુભાઈ સકેસરિયાએ આ શખ્સોને રોકતા તેના પર જીવલેણ હુમલો કરાયાનું પણ ફરિયાદમાં જણાવાયું છે. પોલીસે આ ફરિયાદ પણ આઈપીસી ૩૦૭, ૧૨૦ (બી), ૪૩૫, ૪૩૬, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૪૨૭ તથા જીપી એક્ટની કલમ ૧૩૫ (૧) હેઠળ નોંધી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com