મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં રાજકોટ ખાતે રૂ. ૨૫૬ કરોડના વિકાસકામોનો શુભારંભ
મે માસમાં ‘‘જલ અભિયાન’’ અન્વયે જળસંગ્રહની વિવિધ પ્રવૃતિઓ હાથ ધરાશે-મુખ્યમંત્રીની જાહેરાત
બાળકોમાં પડેલી સાયન્સ અને સ્પોર્ટસ વિષયક સુષુપ્ત શકિતઓ ઉજાગર કરવાની મુખ્યમંત્રીની નેમ
‘‘જલ અભિયાન’’ની વિશેષતાઓ
- · ૧ હજાર તળાવો ઉંડા કરાશે,
- · ૩૪ નદીઓ પુનઃ જીવિત કરાશે,
- · નવી ખેત તલાવડીઓ નિર્માણ કરાશે,
- · નદીઓ સ્વચ્છ કરાશે, ચેકડેમો રીપેર કરાશે.
રાજકોટ તા. ૧૫ એપ્રીલ, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટ ખાતે રૂ. ૨૫૬ કરોડના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાવ્યા હતા.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પાણી પ્રશ્ને રાજ્ય સરકારની ગંભીરતાનો અંગુલિનિર્દેશ કર્યો હતો અને મે માસમાં હાથ ધરાનાર ‘‘જલ અભિયાન’’ની વિગતો આપતાં જણાવ્યું હતું કે, ૧ થી ૩૧ મે દરમ્યાન રાજ્યભરમાં નવ હજાર તળાવો ઉંડા કરાશે. રાજયની ૩૪ નદીઓ પુનઃજીવિત કરાશે અને રાજ્યમાં મહતમ ખેતતલાવડીઓનું નિર્માણ કરાશે. નદીઓ સ્વચ્છ કરાશે, તથા ચેકડેમો રીપેર કરાશે. જલ અભિયાનની કામગીરીની પ્રતિ સપ્તાહ સમીક્ષા પણ કરાશે, એમ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
રાજકોટની જનતાને મુખ્યમંત્રીશ્રી રૂપાણીએ વધુ એક વખત જુલાઇના અંત સુધી પાણી કાપ નહીં મુકવાની હૈયાધારણ પાઠવી હતી અને આજી નદીના શુધ્ધિકરણની તથા રામનાથ મહાદેવ મંદિરને સ્વચ્છ કરવાની જાહેરાત કરી હતી.
‘‘જ્યાં માનવી, ત્યાં સુવિધા’’ના વિચારને વરેલી રાજ્ય સરકારની નીતિઓનો મુખ્યમંત્રીશ્રીએ પુનર્ઘોષ કર્યો હતો. બાળકોમાં પડેલી સાયન્સ તથા સ્પોર્ટસ વિષયક સુષુપ્ત શકિતઓને ઉજાગર કરવાની મુખ્યમંત્રીશ્રી રૂપાણીએ નેમ વ્યકત કરતા ઉમેર્યું હતું કે રાજ્યભરમાં ચાર અદ્યતન સાયન્સ સેન્ટર તથા સુવિધાયુકત નવા સ્પોર્ટસ કોમ્પલેકસીઝને રાજ્ય સરકારે ત્વરિત મંજૂરી આપી આગલી કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટ શહેરમાં રાજ્ય સરકારે આદરેલા વિકાસકામો જેવા કે ઇન્ટરનેશનલ એરપોર્ટ, નવું બસસ્ટેન્ડ, નવું રેસકોર્સ, નવી જી.આઇ.ડી.સી. વગેરેનો સગૌરવ મુખ્યમંત્રીશ્રીએ ઉલ્લેખ કર્યો હતો અને શહેરીજનોની સુવિધા વધારવા માટે નવા રેસકોર્સમાં ૧૦ એકરમાં તળાવ બનાવવાની જાહેરાત પણ તેમણે કરી હતી. રાજકોટને આધુનિક શહેરની પરિકલ્પના મુજબનું બનાવવાની ટૂંકી રૂપરેખા પણ શ્રી રૂપાણીએ તેમના વકતવ્યમાં વણી લીધી હતી.
મુખ્યમંત્રીએ સાયન્સ ટેકનોલોજી ઇનોવેશન પોલીસીની પુસ્તિકાનું અનાવરણ કર્યું હતું તથા રૂ. ૨૫૬ કરોડના વિકાસકામોના લોકાર્પણ-ખાતમુહુર્તના ડીજીટલ તકતી અનાવરણ પણ શ્રી રૂપાણીના હસ્તે થયા હતા.
જીલ્લા વહીવટીતંત્ર, રાજકોટ, મહાનગરપાલીકા, કોર્પોરેટરો, અગ્રણી નાગરિકો વગેરેએ મુખ્યમંત્રીશ્રીને પુષ્પગુચ્છ, પુસ્તક, સ્મૃતિચિન્હ, બિસ્કીટ બાસ્કેટ, ફૂલોના વિશાળ હાર વગેરે અર્પણ કર્યા હતા. મુખ્યમંત્રીશ્રીના હસ્તે લોકાર્પણ-ખાતમુહુર્ત થયેલ તમામ વિકાસકામોની ટૂંકી વિગતો દર્શાવતી ડોકયુમેન્ટ્રી ફિલ્મસનું આ પ્રસંગે પ્રસારણ કરાયું હતું.
મેરેથોન-૨૦૧૮નું સફળ આયોજન કરનાર તમામ સંસ્થાઓએ મુખ્યમંત્રી રૂપાણીએ પ્રમાણપત્ર આપી સન્માન્યા હતા. મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં મ્યુનિ. કમિશ્નરશ્રી બંછાનિધિ પાની તથા એરપોર્ટ ઓથોરીટી વચ્ચે રૂ. બે કરોડની પાંચ ઇલેકટ્રીક બસો માટેના મેમરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડીંગ પર સહી કરી હતી. સાયન્સ કવીઝના પ્રથમ ત્રણ વિજેતાઓને મુખ્યમંત્રીશ્રીએ ઇનામો એનાયત કર્યા હતા.
આજે મુખ્યમંત્રીના હસ્તે અંદાજે રૂ. ૨૫૬.૭૩ કરોડના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયેલા કામોમાં જિલ્લા ગાર્ડન આધારીત ડી.આઇ.પાઇપ લાઇન નેટવર્ક, મચ્છુનગરની રૂ ૩૦.૧૨ કરોડના લેન્ડ પ્રિમીયમની બનેલ આવાસ યોજના, ચંદ્રેશનગર ઝોન વિસ્તારોની રૂ પ. ૯૪ કરોડની વોટર મીટર સપ્લાય સહિત મેઇન્ટેન્સ પ્રોજેકટ, મવડી વિસ્તારમાં રૂ ૩૩.૮૮ કરોડ ખર્ચે બનનાર પ્રધાનમંત્રી આવાસ યોજના, ફાયર અને ઇમરજન્સી તથા સોલીડ મેનેજમેન્ટના રૂ ૫.૨૪ કરોડના ખર્ચના વાહનોનું લોકાર્પણ વિગેરેનો સમાવેશ થાય છે.
રાજકોટ મહાનગરપાલીકા, ડીપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, જીલ્લા વહીવટી તંત્ર તથા રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા સંયુકતપણે આયોજિત આ કાર્યક્રમમાં મ્યુનિ. કમિશ્નરશ્રી બંછાનિધિ પાનીએ સ્વાગત પ્રવચનમાં વિકાસકામોની આંકડાકીય વિગતો રજુ કરી હતી.
કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી મેયર ડો. જૈમનભાઇ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, આજે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે રૂ. ૨૫૬ કરોડના ખર્ચે વિકસકાર્યોના ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરાયા છે, તેમજ દોઢ મહિના પહેલાં રૂ. ૪૫૦ કરોડના કામોના ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરાયા હતા. જે દર્શાવે છે કે, રાજકોટ શહેર સતત પ્રગતિ કરી રહયું છે.
સાયન્સ અને ટેકનોલોજી વિભાગના સચિવ ધનંજય દ્વિવેદીએ જણાવ્યું હતું કે, રાજયમાં ચાર સાયન્સ મ્યુઝીયમ બનાવવામાં આવનાર છે. તે પૈકી રાજકોટમાં રૂ. ૮૦ કરોડના ખર્ચે બનનાર પ્રાદેશિક વિજ્ઞાન મ્યુઝીયમનું મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ખાતમુહૂર્ત કરાયેલ છે. વિજ્ઞાન ભૂતકાળ તથા વર્તમાનકાળને ભવિષ્ય સાથે જોડે છે. નવી પેઢીમાંવિજ્ઞાન પ્રત્યે અભિરૂચિ કેળવાય તે માટેનો રાજયસરકારનો હેતુ છે.
આ કાર્યક્રમમાં સાંસદ મોહનભાઇ કુંડારીયા, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, અરવિંદભાઇ રૈયાણી, લાખાભાઇ સાગઠીયા, સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતના ડી.ડી. કાપડીયા, શ્રીમતિ અંજલિબેન રૂપાણી, ગુજરાત મ્યુનિ. ફાયનાન્સ બોર્ડના અધ્યક્ષ શ્રી ધનસુખભાઇ ભંડેરી, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરિયા, અગ્રણી રાજુભાઇ ધ્રુવ, કમલેશભાઇ મીરાણી, જીલ્લા કલેકટર ડો. રાહુલ ગુપ્તા, અધિક નિવાસી કલેકટર હર્ષદ વોરા તેમજ મહાનગરપાલીકાની વિવિધ કમીટીના ચેરમેનો, કોર્પોરેટરઓ, આમંત્રિતો અને મોટી સંખ્યામાં ભાઇ-બહેનો ઉપસ્થિત રહયા હતા.