ઈશ્વરિયા પાર્કમાં રૂ. ૭૮ કરોડના ખર્ચે આકાર પામનાર સાયન્સ મ્યુઝિયમ માટે માન. મુખ્યમંત્રીશ્રીનો આભાર માનતા માન. મેયર શ્રી -મ્યુનિ. કમિશનર શ્રી
ગુજરાતના માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી તરફથી “સ્માર્ટ સિટી રાજકોટ”ને શાનદાર ભેંટ મળી રહી છે અને આ ગીફ્ટ એવી છે જે કશુંક નવું નવું જાણવાની બાળકોથી માંડીને મોટેરાઓની તાલાવેલી – ઉત્સૂક્તાને સંતુષ્ટ કરશે. ઉપરાંત, ખાસ કરીને સાયન્સ સ્કૂલ-કોલેજોના વિદ્યાર્થી ભાઈ-બહેનોને વિશે રૂપથી સાયન્સ મ્યુઝિયમ ઉપયોગી પૂરવાર થઇ શકશે. આ ઉપરાંત સ્પોર્ટસ ક્ષેત્રે રાજકોટના રમતવીરો નેશનલ અને ઇન્ટરનેશનલ કક્ષાએ ભારતનું પ્રતિનિધિત્વ કરે એવા ઉમદા આશય સાથે મલ્ટીપર્પઝ સ્પોર્ટસ સંકુલ, સ્પોર્ટસ હોસ્ટેલ અને ફિટનેસ સેન્ટરનું નિર્માણ કરવામાં આવનાર છે.
આ બંને પ્રોજેક્ટ સહિત અન્ય કેટલાક વિકાસલક્ષી પ્રોજેક્ટ અને સેવાનું રાજ્યના માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે લોકાર્પણ અને ખામુહૂર્ત કરવામાં આવનાર છે. રાજ્ય સરકારશ્રીના સતત સહયોગ સાથે આગળ ધપી રહેલી રાજકોટની વિકાસયાત્રા બદલ રાજકોટના માન. મેયર શ્રી ડો. જૈમનભાઈ ઉપાધ્યાય અને મ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ રાજકોટને માન. મુખ્યમંત્રીશ્રી પ્રત્યે ખુબ ખુબ આભારની લાગણી પ્રગટ કરી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે, સાયન્સ મ્યુઝિયમ એન્ડ સિટી પ્રોજેક્ટ અને મલ્ટીપર્પઝ સ્પોર્ટસ સંકુલ, સ્પોર્ટસ હોસ્ટેલ અને ફિટનેસ સેન્ટરના પ્રોજેક્ટથી રાજકોટ શહેરની “સ્માર્ટ સિટી “ની કલ્પના ખરેખર સાકાર થવા જઈ રહી છે તે ખુબ જ આનંદની વાત છે.
માત્ર રાજકોટ જ નહી પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ માટે અત્યંત ગૌરવપૂર્ણ સાયન્સ સિટી અને સાયન્સ મ્યુઝિયમ પ્રોજેક્ટનું નિર્માણ કાર્ય પૂર્ણ થયા બાદ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ભવિષ્યમાં એક એમ.ઓ.યુ. પણ કરવામાં આવનાર છે. વિજ્ઞાન હરહંમેશ અચરજ અને આકર્ષણનો વિષય બની રહેતો હોઈ આ અદભૂત પ્રોજેક્ટ માત્ર રાજકોટ જ નહી પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રના વિદ્યાર્થી ભાઈ બહેનો અને એમાંય ખાસ કરીને સાયન્સના છાત્રો માટે આશીર્વાદરૂપ બની રહેશે, તેમજ અન્ય સૌ નાગરિકો માટે આ પ્રોજેક્ટ એક નવલું નઝરાણું બની રહેશે, તેમ જણાવી મેયરશ્રી અને કમિશનરશ્રી વધુ વિગતો આપતા કહ્યું હતું કે, રાજકોટની અવનવી ભૌતિક સુવિધાઓમાં વધારો કરનાર ઈશ્વરીયા પાર્ક સ્થિત આ સૂચિત સાયન્સ મ્યુઝિયમ પ્રોજેક્ટનું બાંધકામ પૂર્ણ થયા બાદ આ સમગ્ર સંકુલના ઓપરેશન અને મેઇન્ટેનન્સ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગુજરાત સરકારશ્રીના ડીપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી સાથે એક એમ.ઓ.યુ. (સમજુતી કરાર) કરવામાં આવશે.
મેયર શ્રી ડો. જૈમનભાઈ ઉપાધ્યાય અને મ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ વિશેષમાં એમ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારશ્રી દ્વારા રાજકોટની ભાગોળે પ્રાકૃતિક સૌંદર્યથી ખુબ જ સમૃદ્ધ એવા ઈશ્વરીયા પાર્ક ખાતે આશરે ૧૦ એકર જમીનના વિશાળ ક્ષેત્રફળમાં અંદાજે રૂ. ૭૮ કરોડના ખર્ચે લેટેસ્ટ ટેકનોલોજી સાથેનું નમૂનેદાર અને અદભૂત સાયન્સ મ્યુઝિયમ બનાવવામાં આવનાર છે.
તેઓએ વિશેષમાં ઉમેર્યું હતું કે, શિક્ષણ ક્ષેત્રે સમગ્ર સૌરાષ્ટ્રનું હબ બની ચુકેલા રાજકોટમાં આ શાનદાર પ્રોજેક્ટ શિક્ષણ જગત માટે અત્યંત ઉત્સાહવર્ધક અને પ્રોત્સાહનરૂપ બની રહેશે. આ સાયન્સ મ્યુઝિયમ પ્રોજેક્ટ સ્માર્ટ સિટી રાજકોટની પ્રતિષ્ઠામાં જબ્બર વધારો કરશે. શિક્ષણની સાથોસાથ સૌરાષ્ટ્રના લોકો માટે હરવા ફરવાના એક નવા રોમાંચક સ્થળની ઉપલબ્ધિની સાથોસાથ તેઓના જ્ઞાન અને માહિતીમાં વધારો પણ થઇ શકશે. અધ્યત્તન સરકયુલર ડીઝાઈન ધરાવતા આ સાયન્સ સિટી અને સાયન્સ મ્યુઝિયમમાં રોબોટીક્સ ગેલેરી, થ્રી-ડી, સેન્ટ્રલ કોટ, લાઈબ્રેરી, આઈમેક્સ થિયેટર, લાઈટ્સ સાયન્સ, નોબેલ પ્રાઈઝ ફિઝિક્સ, સહિતની અનેક સુવિધાઓ અને આકર્ષણો તેમાં ઉપલબ્ધ હશે.
રૂ. ૧૭ કરોડના ખર્ચે મલ્ટીપર્પઝ સ્પોર્ટસ સંકુલ, સ્પોર્ટસ હોસ્ટેલ અને ફિટનેસ સેન્ટર
મેયર શ્રી ડો. જૈમનભાઈ ઉપાધ્યાય અને મ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ રાજકોટમાં વેસ્ટ ઝોનમાં આકાર પામનાર મલ્ટીપર્પઝ સ્પોર્ટસ સંકુલ વિશે માહિતી આપતા એમ કહ્યું હતું કે, રાજકોટ શહેરે સ્પોર્ટસ ક્ષેત્રે જબરદસ્ત પ્રગતિ સાધી જ છે. એમાં ફુલ મેરેથોનના સફળ આયોજને ચાર ચાંદ લગાવ્યા છે. અત્યાર સુધી રાજકોટમાં માત્ર રેસકોર્સ સંકુલ જ ખેલકૂદની વિવિધ પ્રવૃતિઓ માટે કેન્દ્ર સ્થાને રહેતું હતું પરંતુ હવે શહેરના પશ્ચિમ ઝોનમાં રૂ. ૫.૧૦ કરોડના ખર્ચે આકાર પામી રહેલા મલ્ટીપર્પઝ સ્પોર્ટસ સંકુલથી રાજકોટ અને સમગ્ર સૌરાષ્ટ્રના રમતવીરોને વધુ એક અધ્યત્તન સુવિધા ઉપલબ્ધ બની રહેશે.
રાજકોટમાં સ્પોર્ટસ પ્રવૃતિઓને ભરપુર પ્રોત્સાહન મળે તે માટે એસ.પી.વી (સ્પેશિયલ પર્પઝ વ્હિકલ) રૂપે સ્પોર્ટસ પ્રમોશન ફાઉંડેશનની સ્થાપના થઇ છે અને તે માટે રૂ. ૨૦ કરોડની જોગવાઈ કરાયેલી છે. મલ્ટીપર્પઝ સ્પોર્ટસ સંકુલ વિવિધ રમતોના ખેલાડીઓ માટે ખુબ જ આશીર્વાદરૂપ બની રહેશે. માત્ર એટલું જ નહી, સ્પોર્ટસ પર્સન માટે રૂ. ૧૨ કરોડના ખર્ચે રેસકોર્સ નજીક એકલવ્ય સ્કૂલમાં સ્પોર્ટસ હોસ્ટેલ અને ફિટનેસ સેન્ટર પણ બનાવવામાં આવનાર છે. આ મલ્ટીપર્પઝ સ્પોર્ટસ સંકુલમાં બેડમિન્ટન, બાસ્કેટબોલ, મલ્ટીપર્પઝ હોલ, જિમ્નેશિયમ વગેરે સહિતની સુવિધાઓ મળી રહેશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com