સિંચાઈ યોજનાઓમાંથી પાણી મળતું બંધ થતા સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં પણ વાવેતર ઘટયું

રાજય ચાલુ વર્ષે પુરતો વરસાદ થવા છતાં ઉનાળાનાં પ્રારંભે જ પાણીની તંગી સર્જાતા ઉનાળુ વાવેતરને માઠી અસર પહોંચી છે. ગત વર્ષની તુલનાએ રાજયમાં ડાંગર, બાજરી, મગફળી અને ખાસ કરીને શાકભાજીનાં વાવેતરમાં નોંધપાત્ર ઘટાડા સાથે કુલ વાવેતરમાં ૭૦ હજાર હેકટરનો ઘટાડો નોંધાયો હોવાનું કૃષિ વિભાગનાં સતાવાર આંકડામાં બહાર આવ્યું છે.

ચાલુ વર્ષે પાણીની કટોકટી જોતા સરકાર દ્વારા નર્મદા યોજનાની કેનાલ તેમજ અન્ય જળાશયોમાં રહેલા પાણીના જથ્થાને પીવા માટે અનામત જાહેર કરી ૧૫ માર્ચથી સિંચાઈ માટે પાણી આપવાનું બંધ કરતા ઉનાળુ વાવેતરમાં ૭૦ હજાર હેકટરનો ઘટાડો થયો છે. રાજય સરકારના કૃષિ વિભાગનાં આંકડા મુજબ વર્ષ ૨૦૧૭માં ૭.૯ લાખ હેકટર જમીનમાં જુદા-જુદા પાકો લેવાયા હતા. જયારે ચાલુ વર્ષે ઉનાળુ વાવેતર વિસતાર ૭૦ હજાર હેકટર ઘટી ૭.૨૪ લાખ હેકટર થયું છે. જોકે ૨૦૧૬ની તુલનાએ ચાલુ વર્ષે વાવેતર ૫૦ હજાર હેકટર વધ્યું છે.

સરકારે ૧૫ માર્ચ બાદ ઉનાળુ વાવેતર માટે સિંચાઈ દ્વારા પાણી નહીં આપવાનું જાહેર કરતા સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતનાં વિસ્તારોમાં વાવેતરનું પ્રમાણ ઘટયું છે. જોકે, ઉતર ગુજરાતમાં વાવેતરના આંકડામાં વધુ ફરક જોવા મળ્યો નથી. આમ છતાં ગુજરાતમાં ડાંગર, મકાઈ, અડદ સહિતના વાવેતરમાં છેલ્લા ૧૦ વર્ષની તુલનાએ વાવેતરમાં વધારો થયો હોવાનું કૃષિ વિભાગનાં સુત્રો જણાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે પાણીની અછતને કારણે ખાસ કરીને બાજરી, મગફળી અને શાકભાજીનો વાવેતર વિસ્તાર ઘટયો હોય ઉનાળાના અંતિમ ભાગમાં લોકોને શાકભાજીના ભાવ વધુ ચુકવવા પડશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.