નિફટીમાં પણ ૪૩ પોઈન્ટનો કડાકો: ૧૦,૪૦૦ની સપાટી તુટી
ભારતીય શેરબજારમાં આજે મંદીનો માહોલ જોવા મળ્યો હતો. મુંબઈ શેરબજારના બંને આગેવાન ઈન્ડેકસો આજે ઉઘડતી બજારે ઉંધા માથે પટકાતા રોકાણકારોમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. આ લખાય રહ્યું છે ત્યારે સેન્સેકસ ૧૧૭ અને નિફટી ૪૩ પોઈન્ટના કડાકા સાથે ટ્રેડ કરી રહ્યા છે.
આજે બુધવારે ઉઘડતી બજારે સેન્સેકસ અને નિફટીમાં મંદીનો માહોલ જોવા મળ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ બેરલના ભાવ ૭૦ ડોલરે પહોંચી જતા આગામી દિવસોમાં પેટ્રોલીયમ પેદાશોના ભાવમાં વધારો થવાની દહેશત ઉભી થતા શેરબજારમાં ફરી એક વખત મંદીની ધકેલાઈ ગઈ હોય તેવું જાણકારો માની રહ્યા છે. આજે નિફટીએ ઉઘડતી બજારે ૧૦,૪૦૦ની મનોવૈજ્ઞાનિક સપાટી તોડતા રોકાણકારોમાં ભારે નિરાશા વ્યાપી જવા પામી હતી. છેલ્લા કેટલાક સમયથી ભારતીય શેરબજારમાં સતત ઉતાર-ચઢાવ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. આજે મોટાભાગના ઈન્ડેકસો રેડ ઝોનમાં જોવા મળ્યા હતા. સ્મોલ કેપ અને મીડ કેપમાં પણ કડાકો બોલી ગયો હતો. આ લખાય રહ્યું છે ત્યારે સવારે ૧૦:૦૭ કલાકે સેન્સેકસ ૯૪ પોઈન્ટના કડાકા સાથે ૩૩,૭૮૬ અને નિફટી ૪૦ પોઈન્ટના કડાકા સાથે ૧૦,૩૬૨ પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે. આજે દિવસ દરમિયાન શેરબજારમાં સતત ઉતાર-ચઢાવનો માહોલ રહેશે તેવું લાગી રહ્યું છે.