૧૮ એપ્રિલે અખાત્રીજ: સોનાના દાગીના અને વાહનોની ખરીદી માટે ગણાય છે શુભ દિવસ
અખાત્રીજ નિમિત્તે સોનાના વેચાણમાં વધારો થવાની જવેલર્સોને આશા: ગ્રાહકો માટે સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ ઓફર
અખાત્રીજ નજીક છે એવામાં સોનાના ભાવમાં તો વધારો થયો છે પરંતુ વેચાણમાં ઝાખપ જોવા મળી રહી છે. માર્ચ મહિનામાં સોનાના વેપારમાં મંદગતિ રહ્યા બાદ એપ્રિલમાં થોડો વધારો જોવા મળ્યો હતો ત્યારે હવે, અખાત્રીજ અથવા અક્ષયતૃતિયા નિમિતે સોનાના વેચાણમાં ઉછાળો થાય તેવી જવેલર્સોને આશા છે.
ઉલ્લેખનીય છે કે, અખાત્રીજ નિમિતે સોના-ચાંદીના ઘરેણા ખરીદવાનું શુભ મનાય છે. તેથી જવેલર્સોને આશા છે કે, આ દિવસે સોનાના વેપારમાં નોંધપાત્ર વધારો થાય. હાલ ૧૦ કિલો ગ્રામ સોનાનો ભાવ ૩૨,૦૦૦ રૂપિયાએ પહોંચ્યો છે. અખાત્રીજ આડે આઠ દિવસની વાર છે એટલે કે અખાત્રીજ ૧૮ એપ્રિલે છે. સોનાની માંગમાં ઘટાડો થતા અને વૈશ્ર્વિક સ્તરે મંદગતિથી સોનાના વેચાણમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
એક જવેલર્સે આ સંદર્ભે જણાવ્યું છે કે, અખાત્રીજ સોના અને વાહનોની ખરીદી માટે શુભ મુહૂર્ત ગણાય છે. તેથી અમને આશા છે કે ગયા વર્ષની જેમ આ વર્ષે પણ સોનાના વેચાણમાં વધારો થશે અને આ મત મુજબ અમે તૈયારીઓ કરી રહ્યા છીએ. અખાત્રીજના દિવસને લઈ સોનાની ખરીદી માટે કેટલાક ગ્રાહકોએ બુકિંગ ઓર્ડર પણ આપી દીધા છે. જોકે, સોનાના ભાવ લગભગ સરખા જ રહ્યા છે.
સોમવારે સોનાની દસ કિલોગ્રામે કિંમત ૩૧,૬૫૦ રૂપિયા હતી જે આજે ૩૧,૬૦૯ ‚પિયા નોંધાઈ છે. જોકે પાછલા ઘણા સમયની સરખામણીએ હાલનો આ ભાવ વધુ છે. ગ્રાહકો સોનાની મોટી ખરીદી કરવાનું ટાળી રહ્યા છે. જેનાથી જવેલર્સોને મોટો ફટકો પડયો છે. જોકે, આ માટે હાલ, મોટાભાગના જવેલર્સોમાં સોનાની ખરીદી પર આકર્ષક ડિસ્કાઉન્ટ પણ મળી રહ્યા છે તેમ છતાં સોનાના વેચાણમાં નોંધપાત્ર વધારો થયો નથી. જવેલર્સોએ જણાવ્યું કે, અખાત્રીજના ખાસ દીન નિમિતે સોનાના વેચાણને બુસ્ટર ડોઝ આપવા સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ સ્કીમ પણ અપાઈ છે.
અમેરિકા-ચીન વચ્ચેના વેપાર યુદ્ધને કારણે સોનાના માર્કેટ પર ભારે અસર ઉપજી છે. બુલીયન ફેડરેશન ઓફ ઈન્ડિયાના નેશનલ સેક્રેટરી હરેશ આચાર્યએ જણાવ્યું કે, અમેરિકા-ચીન વચ્ચેના વેપાર યુદ્ધને પગલે જલદીથી સોનાના ભાવમાં મોટો ઘટાડો થાય તેવી કોઈ શકયતા નથી અને હાલ આંતરરાષ્ટ્રીય સ્તરે સોનાના ભાવ વધ્યા છે જે હજુ આગામી સમયમાં પણ વધશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,