ત્રણ તબીબી વિદ્યાર્થીઓની ચાર ટીમે લીધો ભાગ: વિજેતા શિલ્ડ અને પ્રમાણપત્રોથી સન્માનિત કરાયા
વિશ્ર્વ સ્વાસ્થ્ય સંગઠન (ડબલ્યુ.એચ.ઓ.) માનવના સ્વાસ્થ્ય અંગે સતત જાગૃત અને ચિંતીત રહે છે. ડબલ્યુ.એચ.ઓ. દ્વારા ૭મી એપ્રીલના દિવસને ‘વિશ્ર્વ પર્યાવરણ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. આ અંતર્ગત વિશ્ર્વભરમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતતા આવે એ માટેના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ દિવસે રાજકોટમાં પંડિત દિનદયાલ ઉપાઘ્યાય મેડીકલ કોલેજના તબીબી વિદ્યાર્થીઓ એક ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ત્રણ વિદ્યાર્થીઓની એક એવી ચાર ટીમો વચ્ચે ફાયનલ ક્વિઝ કોન્ટેસ્ટ મેડીકલ કોલેજના ઓડિટોરીયમ હોલમાં યોજાયો હતો. જેમાં મેડીકલ ક્ષેત્રને લગતા પ્રશ્ર્નો પુછાયા હતા. સ્પર્ધામાં કુલ પાંચ રાઉન્ડ યોજાયા હતા. જેમાં ટીમ સી.ના સંચારી કુન્હ, બારોટ દિવ્યકાંત તથા સૌમ્યા ખુશ્બુની ટીમ વિજેતા જાહેર થઇ હતી. વિજેતાઓને ટ્રોફી તેમજ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે વિશ્ર્વ ખુબજ પ્રગતિ કરી રહ્યું છે. ત્યારે માનવ જીવન શૈલીમાં આવેલા પરિવર્તનના કારણે માનવના સ્વાસ્થ્ય સામે ગંભીર બિમારીઓનો વિકરાળ પ્રશ્ર્ન ઉભો થયો છે. એચ.આઇ.વી., ટી.બી., મેલેરીયા, થેલેસેમીયા, ડાયાબીટીસ, બ્લડપ્રેશર, કેન્સર તેમજ ડિપ્રેશન જેવી વ્યાધિઓથી માનવી પિડાઇ રહ્યો છે.
૬૯ વર્ષ પહેલા ડબલ્યુ.એચ.ઓ.ની પ્રથમ બેઠક મળી હતી. જેમાં વિશ્ર્વનાં ૬૧ દેશોએ ભાગ લીધો હતો. યુનિવર્સલ હેલ્થ કવરેજનો ઉદ્દેશ સાર્થક કરવા માટે ડબલ્યુ.એચ.ઓ. પ્રયત્નશીલ રહે છે. ત્યારે ભારત સરકાર પણ ‘નેશનલ હેલ્થ પ્રોટેક્શન સ્કીમ’ હેઠળ ‘આયુષ્યમાન ભવ’ સ્લોગન સાથે ૧૦ કરોડ લોકો સુધી પહોંચી છે. જેના હેઠળ પાંચ લાખનો વિમો આપવામાં આવે છે.
ગ્રામ્ય વિસ્તારો માટે પ્રાયમરી હેલ્થ સેન્ટર હેઠળના પેટાકેન્દ્રોને અપગ્રેડ કરવા માટે ડબલ્યુ.એચ.ઓ. તથા ભારત સરકારે ૧૨૦૦ કરોડની ફાળવણી કરી છે. આવા કેન્દ્રોને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર નામ અપાયું છે.
વર્લ્ડ હેલ્થ ડે નિમિત્તે મેડીકલ કોલેજોમાં રેસીડેન્ટ ડોકટરોને આ અંગે જાણકારી આપવામાં આવે છે ત્યારે ક્વિઝ કોન્ટેસમાં આ અંગે પણ પ્રશ્ર્નો પુછવામાં આવે છે. જેથી ડબલ્યુ.એચ.ઓ.નો પ્રયાસ સાર્થક સાબિત થાય તેમ પી.ડી.યુ. મેડીકલ કોલેજના ડીન ડો. યોગેશાનંદ ગૌસ્વામીએ જણાવ્યું હતું.