કલાસ-૧ અધિકારી બનવાના સપના નિહાળતા ઉમેદવારોને ગુજરાતના મુખ્યમંત્રી કોણ? રાજકોટમાં કેટલા વોંકળા છે? સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો અને ભારતનું સૌથી ઉંચુ ધાર્મિક સ્થળ કયું? જેવા સામાન્ય પ્રશ્ર્નોનો જવાબ આપવામાં પણ ઉંધે કાંધ પટકાયા
રાજકોટ મહાનગરપાલિકામાં ખાલી પડેલી સીટી એન્જિનિયર (સ્પેશિયલ) અને ચીફ એકાઉન્ટન્ટની જગ્યા ભરવા માટે આજે ઓફિસર સિલેકશન કમિટી દ્વારા ઈન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા. કલાસ-૧ અધિકારી બનવાના સપના નિહાળતા ઉમેદવારો સામાન્ય જ્ઞાનમાં અભણ સાબિત થયા હતા. ગુજરાતના વર્તમાન મુખ્યમંત્રી કોણ ? રાજકોટમાં કુલ કેટલા વોંકળા અને વોર્ડ ઓફિસ આવેલી છે ? સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો કેટલા છે ? જેવા સામાન્ય પ્રશ્ર્નના જવાબ આપવામાં પણ ઉમેદવારો રિતસર ઉંધે કાંધ પટકાયા હતા. બંને મુખ્ય જગ્યા માટે નામો ફાઈનલ થઈ ગયા હોવા છતાં અધિકારીઓએ પોતાના પાના હજી સુધી પેક રાખ્યા છે.
મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાયના અધ્યક્ષ સ્થાને આજે સવારે મળેલી ઓફિસર્સ સિલેકશન કમિટીની બેઠકમાં સીટી એન્જિનિયર (સ્પેશ્યલ)ની ખાલી પડેલી એક જગ્યા માટે અગાઉ ઈન્ટરવ્યુ આપનાર ૧૩ ઉમેદવારોના ફરી ઈન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા ત્યારે ચીફ એકાઉન્ટન્ટની જગ્યા માટે ૧૧ ઉમેદવારોના ઈન્ટરવ્યું લેવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે બંછાનિધી પાની દ્વારા સીટી એન્જિનિયર માટે એકમાત્ર જયેશ કુકડિયાનું અને ચીફ એકાઉન્ટન્ટ પદ માટે અમિત સવજીયાણીનું નામ મોકલવામાં આવ્યું હતું છતાં યોગ્ય ઉમેદવારની પસંદગી થાય તે માટે ઓફિસર્સ સિલેકશન કમિટીએ બંને જગ્યા માટે અગાઉ ઈન્ટરવ્યુ આપનાર તમામને બોલાવ્યા હતા. કલાસ-૧ અધિકારી બનવા માટે હોંશે હોંશે ઈન્ટરવ્યુ આપવા આવેલા ઉમેદવારો સામાન્ય જ્ઞાનમાં જ અભણ સાબિત થયા હતા.
ઓફિસર્સ સિલેકશન કમિટીના સભ્યો મેયર, ડે.મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, શાસક પક્ષના નેતા અને વિરોધ પક્ષના નેતાએ ઉમેદવારોને અલગ-અલગ પ્રશ્ર્નો કર્યા હતા. તમામ પાંચેય પદાધિકારીઓએ ૧૦-૧૦ માર્કસમાંથી ઉમેદવારોને માર્કસ આપવાના રહે છે. સીટી એન્જિનિયર અને ચીફ એકાઉન્ટન્ટની જગ્યા માટે ઈન્ટરવ્યુ આપવા આવેલા ઉમેદવારોને એવો સવાલ કરવામાં આવ્યો કે ગુજરાતના વર્તમાન મુખ્યમંત્રી કોણ છે ? ત્યારે એક ઉમેદવારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ગુજરાતના મુખ્યમંત્રી બનાવી દીધા હતા. આટલું જ નહીં ભારતમાં ૧૪ બેંકોનું રાષ્ટ્રીયકરણ કયારે કરવામાં આવ્યું તેવા સવાલના જવાબમાં ઉમેદવારોએ ભારત આઝાદ થયો તે પહેલા એટલે કે ૧૯૩૫માં બેંકનું રાષ્ટ્રીય કરણ કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. વાસ્તવમાં ૧૯૬૯માં બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું છે. પ્રથમ વખત નોટબંધી લાદવામાં આવી ત્યારે કઈ નોટ બંધ કરવામાં આવી હતી તો મહાનુભાવોએ એવો જવાબ આપ્યો હતો કે પ્રથમ વખત ૧૯૭૬માં નોટબંધી આવી ત્યારે રૂ.૧ અને રૂ.૫ની નોટ રદ કરવામાં આવી હતી. વાસ્તવમાં તે સમયે રૂ.૧૦૦૦ની નોટ બંધ કરાઈ હતી. ભારતમાં સૌથી ઉંચુ ધાર્મિક સ્થળ કયું તેના જવાબમાં કલાસ-૧ અધિકારી બનાવાના સપના જોતા ઉમેદવારોએ ગીરનારને સૌથી ઉંચુ ધાર્મિક સ્થળ ગણાવ્યું હતું. વાસ્તવમાં કેદારનાથ દેશનું સૌથી ઉંચુ ધાર્મિક સ્થળ છે.
સીટી એન્જિનિયર બનવા માટે હોંશે હોંશે ઈન્ટરવ્યુ આપનાર ઉમેદવારોને એ વાતનો પણ ખ્યાલ ન હતો કે રાજકોટ શહેરમાં કુલ કેટલા વોકળાઓ આવેલા છે અને રાજકોટ શહેર કેટલા ચો. કિલો મીટરમાં વિસ્તરેલું છે. વોર્ડ ઓફિસની સંખ્યાથી પણ મહાનુભાવો તદન અજાણ હતા એટલું જ નહીં મહાપાલિકામાં સર્વેસર્વા ગણાતી સ્ટેન્ડિંગ કમિટીમાં કુલ કેટલા સભ્યો હોય છે અને મ્યુનિ.કમિશનરને કયાં કલમ મુજબ સતા મળે છે તેનું જ્ઞાન પણ ઉમેદવારો પાસે હતું નહીં.