સંતો-મહંતોની ભૂમિની સેવા કર્યા બાદ સૌરાષ્ટ્રની આર્થિક રાજધાનીની સેવા કરવાનો મોકો મળ્યો: કલેકટર રાહુલ ગુપ્તા
આજે રાજકોટના નવનિયુક્ત જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાએ સત્તાવાર રીતે જિલ્લા કલેકટર તરીકેનો ચાર્જ સંભાળી લીધો હતો. રાજકોટમાં આગમન સાથે જ શિવભક્ત એવા નવા કલેકટર ડો.રાહુલ ગુપ્તાએ પ્રખ્યાત રામનાથ મહાદેવનું પૂજન-અર્ચન કર્યુ હતુ અને ત્યારબાદ જિલ્લા કલેકટર કચેરી ખાતે પૂર્વ કલેકટર ડો.વિક્રાંત પાંડેની હાજરીમાં પદભાર સંભાળ્યો હતો.
રાજ્ય સરકાર દ્વારા સનદી અધિકારીઓની બદલી કરવામાં આવતા જુનાગઢ જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાને રાજકોટ મૂકવામાં આવ્યા છે.
આજે તેઓએ સત્તાવાર રીતે રાજકોટ જિલ્લા કલેકટર તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો.
આ તકે નવનિયુક્ત જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાએ પત્રકારો સાથે વાતચિત કરતા જણાવ્યું હતું કે, સૌપ્રથમ તો રાજકોટની ધરાને મારા કોટી કોટી વંદન, સંતો-મહંતોની ભૂમિ એવા જૂનાગઢ જિલ્લામાં સેવા કરવાનો અવસર મળ્યા બાદ સૌરાષ્ટ્રની આર્થિક રાજધાની ગણાતા રાજકોટની સેવા કરવાનું જે મને મોકો મળ્યો છે તેનો ખૂબજ આનંદ છે.
વધુમાં તેેઓએ ઉમેર્યુ હતું કે, રાજકોટ આવવાનો એટલા માટે આનંદ છે કે અહીં કરેલ એક સત્કાર્યની અસર અને સુવાસ સૌરાષ્ટ્રના છેવાડાના ગામડા સુધી પહોંચશે અને રાજકોટની સુખાકારી માટે તમામ ક્ષેત્રોમાં કાયમ કાર્યરત રહીશ. રાજકોટની સેવા માટે પ્રજાજનોનો સાથ સહકાર, સલાહ સૂચન કાયમ મને મળતા રહેશે તેવી આશા તેઓએ વ્યક્ત કરી હતી.