અનુદાનનો ઉપયોગ સફાઈ કામદારો માટે સુરક્ષા સાધનો ખરીદવા, તાલીમ અને આરોગ્યની વ્યવસ્થા કરવા માટે કરાશે
એસ્સાર ઓઈલ લિ.દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેજા હેઠળ ચાલતા ‘ભારત સ્વચ્છતા અભિયાન’ માં સહયોગી બનવા જામનગર મહાનગરપાલિકાને રૂ.૨૦ લાખની રકમનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.
એસ્સાર ઓઈલ લિ.દ્વારા ઔધોગિક સામાજિક જવાબદારીના ભાગ‚પે અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ હાથ ધરવામાં આવે છે. જેમાં હવે જામનગર શહેર વધુ સ્વચ્છ અને સુંદર બને એ માટે એસ્સાર ઓઈલ લિ. આગળ આવ્યું છે. જામનગર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર આર.બી.બારડને એસ્સાર ઓઈલ લિ.ના પબ્લિક અર્ફેસ વિભાગના વાઈસ પ્રેસિડેન્ટ દીપક અરોરાના હસ્તે રૂ.૨૦ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. આ તકે કોર્પોરેટ ગ્રુપના એડવાઈઝર એફ. પી. હાલાણી, મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફીસર કે.કે.બિશ્ર્નોય ઉપસ્થિત રહ્યા હતા. આ સહયોગ રાશીમાંથી શહેરને સ્વચ્છ રાખવા માટે જેઓની મહત્વની ભૂમિકા છે, એવા સફાઈ કામદારો માટે ઉત્કર્ષલક્ષી કાર્યો કરવામાં મહાનગરપાલિકાને મદદ મળશે.
શહેરમાં આશરે બે હજારથી વધુ સફાઈ કામદારો સેવા આપી રહ્યાં છે. આ કામદારો સફાઈ કામગીરી સરળતા અને સુરક્ષા સાથે કરી શકે એ માટે સુરક્ષા સાધનો જેવા કે હેન્ડ ગ્લોવ્ઝ, ગમ બુટ, રેડિયમ એપોર્ન્સ, માસ્ક વગેરે આ પ્રોજેકટ મારફતે મહાપાલિકા પુરી પાડી શકશે. ઉપરાંત સફાઈ કામદારોને જરૂરી તાલીમ સહાય આપી શકાશે. સાથે સાથે સફાઈ કામદારોના આરોગ્ય બાબતે કાળજી રાખવા સહયોગરાશીનો ઉપયોગ કરી શકશે.