મોટાદડવાના શખ્સોએ અવધ ફાયબર નામની પેઢી કાગળ પર ઉભી કરી લોન લઇ હપ્તા ન ભર્યા: અગાઉ નકલી બીયારણ કૌભાંડ અને રૂ.૨ કરોડના લોન કૌભાંડમાં પકડાયો’તો
શહેરના કોઠારિયા રોડ પર ઓફિસ અને મોટા દડવા ખાતે અવધ ફાયબર નામની પેઢી કાગળ પર ઉભી કરી ઢેબર રોડ પર આવેલી દેનાબેન્કમાંથી રૂ.૧૭.૫૦ કરોડની સીસીલોન લઇ હપ્તા ન ભરી લોન કૌભાંડ આચરવાના ગુનામાં સંડોવાયેલા મોટા દડવાના બે શખ્સોની ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે ધરપકડ કરી બંને શખ્સોને રિમાન્ડ પર લેવા તજવીજ હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મોટા દડવાના વતની ગોંડલ તાલુકાના મોટા દડવા ગામના ગીરધર ગોબર વેકરીયા અને અમિત રમેશ વેકરીયા નામના શખ્સોએ મોટા દડવા ગામે અવધ ફાયબર પ્રા.લી. નામની પેઢી બનાવી કોઠારિયા રોડ પર પેઢીની ઓફિસ ખોલી ઢેબર રોડ પર આવેલી દેનાબેન્કમાંથી ૨૦૧૨માં રૂ.૧૭.૫૦ કરોડની સીસીલોન લીધી હતી.
બંને શખ્સોએ પેઢીનો માલ સ્ટોકના ખોટા બીલ રજુ કરી લોન મેળવ્યા બાદ લોનના નિયમીત હપ્તા ભર્યા ન હતા. બેન્ક દ્વારા ઓફિસ અને ફેકટરી પર તપાસ કરવામાં આવતા બેન્કમાં રજુ કરેલા સ્ટેટમેન્ટ મુજબનો માલ સામાન ન હોવાથી બેન્ક આસિસ્ટન મેનેજર વિકાસ આનંદ નાયકે અવધ ફાયબર પ્રા.લી.ને બંને ડાયરેકટર અમિત વેકરીયા અને ગીરધર વેકરીયા સામે પોલીસમાં ફરિયાદ નોંધાવતા ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. એચ.એમ.ગઢવી, પી.એસ.આઇ. મહાવીરસિંહ જાડેજા, કુલદીપસિંહ જાડેજા અને પ્રતાપસિંહ ઝાલા સહિતના સ્ટાફે અમિત વેકરીયા અને ગીરધર વેકરીયાની ધરપકડ કરી બંનેને રિમાન્ડ પર લેવા તજવીજ હાથધરી છે.
ગીરધર વેકરીયા ૨૦૦૫માં ગોંડલ, કોટડા અને કાલાવડ પંથકના ખેડુતોને કપાસનું ડુપ્લીકેટ બીયારણ ધાબડી દેવાના અને જસદણ ખાતે ગોડાઉન ભાડે રાખી કપાસના જથ્થા પર બે કરોડની લોન લીધા બાદ કપાસનો જથ્થો બારોબાર સગેવગે કરી નાખી રૂ.૧.૨૮ કરોડનું કૌભાંડ આચર્યાનું પોલીસ તપાસ બહાર આવ્યું છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,