પાણી ચોરી અટકાવવા ટીમોની રચના: ડાયરેકટ પમ્પીંગ કરનારને દંડ, ભૂતીયા નળ જોડાણ કાપી નખાશે
રાજકોટ શહેરની પ્રવર્તમાન પાણીની પરિસ્થિતિને ધ્યાને રાખી મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ આજે વરિષ અધિકારીઓ સો એક ખાસ બેઠક યોજી હતી અને ઓવરઓલ સ્થિતિની સમીક્ષા કરી હતી. આ ઉપરાંત શહેરમાં પાણી ચોરીની પ્રવૃત્તિ અટકાવવા વિવિધ ટીમોની રચના કરવા અને તાત્કાલિક ચેકિંગ ઝુંબેશ શરૂ કરવા અધિકારીઓને આદેશ કર્યો હતો. આ તકે કમિશનરએ શહેરીજનોને પાણીનો કરકસરયુક્ત ઉપયોગ કરવા ખાસ વિનંતીસહ અનુરોધ કરતા એમ જણાવ્યું હતું કે, નાગરિકો વર્તમાન ઉનાળાની ઋતુને ધ્યાનમાં રાખી પાણીનો બિનજરૂરી વપરાશ ટાળે અને કરકસરયુક્ત જળ ઉપયોગના આપણા સૌના આ અભિયાનમાં સાસહકાર આપે તે સમયની માંગ છે.
કમિશનર બંછાનિધિ પાનીએ વધુમાં કહ્યું કે, આગામી ચોમાસા સુધી લોકોને નિયમિતરીતે રોજ પીવાનું પાણી મળી રહે તે માટેના આયોજન અંગે આજે વરિષ્ઠ ઈજનેરો સાથે જરૂરી પરામર્શ કરવામાં આવ્યો હતો. લોકોને પાણીણી કોઈ મુશ્કેલી ના પડે તે રીતે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પાણી વિતરણનું આયોજન કરવામાં આવેલ છે.
કમિશનરના આદેશ અનુસાર ભૂતિયા નળ અને ડાઈરેકટ પમ્પિંગ કરતા નળ જોડાણ શોધી જરૂરી કાર્યવાહી કરવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચેકિંગ ઝુંબેશનો હાથ ધરવામાં આવશે.ડાઈરેક્ટ પમ્પિંગ વડે પાણી ચોરી કરનારા આસામીઓ સામે રાજકોટ મહાનગરપાલિકા દંડની કાર્યવાહી કરશે અને ભૂતિયા નળ જોડાણ તત્કાલ કાપી નાંખવામાં આવશે.