ગુજરાતમાં જીએસટીની ૨૧ કરોડની સામે હજુ માત્ર ૫.૬ કરોડની જ રીકવરી
વેરાની ચુકવણી માટે ગુડ્સ એન્ડ સર્વિસ ટેકસ ડીપાર્ટમેન્ટ હરકતમાં આવ્યું છે અને છેલ્લા થોડા દિવસમાં ઘણા બિઝનેસ એન્ટાબ્લીસમેન્ટસ પર દરોડા પાડયા છે. રાજયભરમાં જીએસટી વિભાગ દ્વારા રૂપિયા ૨૧ કરોડના વેરાની વસુલાત સામે હજુ સુધી માત્ર ૫.૬ કરોડ રૂપિયાની જ વસુલાત થઈ છે.
હાલ, જીએસટી વિભાગના અધિકારીઓની કડી નજર પેટ્રોલીયમ પ્રોડકટસ પર હોય તેમ દહેજ, પાનોલી, ગાંધીધામ, ભરૂચ, અંકલેશ્ર્વર, ગાંધીનગર અને અમદાવાદનાં આઠ પેટ્રોલીયમ એસ્ટાબ્લીસમેન્ટ પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. જે દરમિયાન ઘણા બેનામી વ્યવહારો થયા હોવાનું જાણવા મળ્યું છે વેચાણ થયું છે પરંતુ તેના વ્યવહારો ચોપડે નોંધાયા ન હોવાની વિગતો બહાર આવી છે. જીએસટી ટીમે અંકલેશ્ર્વર, ગાંધીધામ, દાલપુર અને સાબરકાંઠાના છ કેમીકલ યુનિટો પર પણ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે જયાંથી ૨.૭૫ કરોડ રૂપિયાની રિકવરી કરી છે. જયારે અમદાવાદ અને વડોદરાની ૨૦ હોટેલો છાપામારી કરી છે. જેમાંથી જાણવા મળ્યું છે કે આ વીસેય હોટેલોમાંથી એક પણ હોટેલે જીએસટી ભરેલ નથી.