કૌભાંડોની મોસમ પૂર બહારમાં ખીલી હોય તેમ પી.એન.બી., દેના બેંક, આઈસીઆઈસીઆઈ બેંકોનાં કૌભાંડો હજુ શમ્યા નથી ત્યાં દેશની ટાચેની દૂધ ઉત્પાદક કંપની અમૂલમાં કૌભાંડોનું મેળવણ પડી જતા રૂ.૪૫૦ કરોડનું મસમોટુ કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું પ્રકાશમાં આવ્યું છે. અને આ કૌભાંડને પગલે અમૂલનાં ટોચનાં એકઝીયુકેટીવે રાજીનામું ધરી દીધાનું પણ બહાર આવ્યું છે.
દેશ વિદેશમાં નામના ધરાવતા અમૂલ ડેરીમાં ટેન્ડર ફાળવણી અને ભરતી પ્રક્રિયામાં રૂ.૪૫૦ કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાના અહેવાલો વચ્ચે આણંદની કૈરા ડીસ્ટ્રીકટ કો.ઓપરેટીવ મીલ્ક પ્રોડયુસર યુનિયન લીમીટેડ એટલે કે અમૂલ ડેરીનાં ટોચનાં એકઝીયુકેટીવ કે.રત્નએ અચાનક જ રાજીનામું ધરી દીધું હતુ અને શનિવારે મળેલી બોર્ડ મીટીંગમાં તેમનું રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યું હતુ.
બીજી તરફ અમૂલ ડેરીનાં ચેરમેન રામસિંહ પરમારે ભ્રષ્ટાચારનાં આક્ષેપોને ફગાવતા જણાવ્યું હતુ કે એકઝીકયુટીવ કે. રત્નમે સ્વૈચ્છીક રીતે જ રાજીનામું આપ્યું છે. તેવો હવે પોતાના પરિવાર સાથે સમય વિતાવવા માંગતા હોય રાજીનામું આપતા અમૂલ ડેરીએ તેમના રાજીનામાનો સ્વિકાર કર્યો હોવાની સ્પષ્ટતા કરી હતી.
ઉલ્લેખનીય છે કે અમુલ અને સાગર ડેરી હેઠળ રાજયનાં ૧૮ જિલ્લાઓમાં કો.ઓપરેટીવ મિલ્કત પ્લાંટ ચાલી રહ્યા છે. અને અમૂલના સતાવાર નિવેદન મુજબ જયેન મહેતાને ઈન્ચાર્જ એમ.ડી. તરીકે નિયુકત કરવામાં આવ્યા હોવાનું જણાવાયું છે.