પાંચ દિવસીય મેળો રાષ્ટ્રીયકક્ષાની ઉજવણી સમાન બન્યો: ચાંપતો પોલીસ બંદોબસ્ત
પોરબંદરના માધવપુર (ઘેડ) ખાતે છેલ્લા ૫૦૦ વર્ષથી પૌરાણિક મેળો યોજાઈ છે. આ પાંચ દિવસીય મેળાનો ગઈકાલે ભવ્ય આરંભ થયો હતો. દર વર્ષે માધવપુર ગ્રામ પંચાયત દ્વારા આ મેળો ઉજવાતો હતો. જયારે આ વખતે ઉજવણીનું સંચાલન ગુજરાત ટુરીઝમ કોર્પોરેશન લીમીટેડને સોંપવામાં આવ્યું છે. આવતીકાલે મેળામાં પાંચ રાજયોના મુખ્યમંત્રીઓ તેમજ બે રાજયપાલ ઉપસ્થિત રહેશે. માધવપુરમાં દર વર્ષે રામનવમીથી પાંચ દિવસના ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવે છે. ગઈકાલે ધામધુમથી મેળાનો શુભારંભ થયો હતો.
રાષ્ટ્રીય ઉજવણી બની ગયેલા આ મેળામાં વડાપ્રધાન પધારવાના હોવાની જાહેરાતો થઈ હતી પરંતુ હકિકતમાં વડાપ્રધાન આવવાના નથી. આવતીકાલના રોજ મેળામાં ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, તેમના પત્ની અંજલીબેન રૂપાણી તેમજ ગુજરાતના ગર્વનર ઓમપ્રકાશ કોહલી, અરૂણાચલના મુખ્યમંત્રી પેમાખાંડુ, અરૂણાચલના ગર્વનર બી.ડી.મિશ્રા, આસામના મુખ્યમંત્રી સરબંદા સોનોવાલ, મણીપુરના મુખ્યમંત્રી એન.બિરેનસિંઘ ઉપરાંત કેન્દ્રીય મંત્રી ડો.મહેશ શર્મા અને કિરેન રીજુ તથા ગુજરાતના મંત્રી ગણપત વસાવા અને ઈશ્ર્વરસિંહ પટેલ ઉપસ્થિત રહેશે.
માધવપુરમાં ગઈકાલથી પાંચ દિવસીય મેળાનો ભવ્ય પ્રારંભ થઈ ચુકયો છે. આ પાંચ દિવસીય મેળાને પૌરાણીક ગામઠી મેળાને બદલે હાઈટેક મેળો બની રહે તે માટે વહિવટી તંત્ર દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવી હતી. મેળામાં ઉભા કરાયેલા સ્ટોલ ખાસ ઝુંપડી આકારના તૈયાર કરાયા છે. આ મેળામાં દેશભરના ૪૦૦ કલાકારોને પણ બોલાવવામાં આવ્યા છે.