ડો.જયોતિએ ત્રણ દાયકાની નાટય સફર દરમ્યાન સ્ટેજ ટીવી અને રેડિયો નાટકો મળીને કુલ ૪૦૦ નાટકોમાં પડકારરૂપ ભૂમિકા ભજવી છે
નાટક ઉપરાંત અભિનય, દિગ્દર્શન, નિર્માણ, લેખન અને વકતવ્યમાં પણ ડો.જયોતિએ અનેક સિદ્ધિઓ પોતાને નામ કરી છે
ડોકટર જયોતી ઉમેશ રાજયગુરુ (રાવલ) વિખ્યાત અભિનેત્રી, નિર્માત્રી, કવિયિત્રી, લેખિકા, દિગ્દર્શક, ઉદઘોષક, વકતા અને કાર્યક્રમ સંચાલક તરીકેની બહુમુખી પ્રતિભા ધરાવે છે. તેઓને નાટય ક્ષેત્રે ગૌરવ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. તેમને પોતાની સાડા ત્રણ દાયકાની નાટય સફર દરમ્યાન સ્ટેજ, ટીવી અને રેડિયો નાટકો મળીને કુલ ૪૦૦ નાટકોમાં પડકાર‚પ ભૂમિકાઓ ભજવી છે. તેઓ સ્મૃતિ વંદના અભિનય તાલીમ કેન્દ્ર સંસ્થા અંતર્ગત અનેક નાટય કલાકારોને તૈયાર કરી રહ્યા છે અને શિવમ થીયેટર્સ કલા સંસ્થાના સંચાલક, નિર્માત્રી અને દિગ્દર્શક છે. વિખ્યાત નાટય દિગ્દર્શક, નાટય કલાકાર અને ફિલ્મ અભિનેતા સુરેશ રાવલના તેઓ સુપુત્રી અને નાટયકલાના વારસદાર છે.
ડો.જયોતીએ રંગમંચ નાટય કલામાં અભિનય, દિગ્દર્શન અને નિર્માણ ક્ષેત્રે અમુલ્ય યોગદાન આપ્યું છે. તેઓએ ૩૫ ત્રિઅંકી નાટકોના ૫૦૦થી વધુ નાટય પ્રયોગો, ૪૭ એકાંકી નાટકોના ૧૦૦ થી વધુ નાટય પ્રયોગ, ૨૫ લઘુ નાટકો અને મુક અભિનય, ૧૦૦થી વધુ નાટકોનું નિર્માણ ઉપરાંત આકાશવાણી રાજકોટમાં માન્ય નાટય કલાકાર ‘એ’ ગ્રેડ તરીકે કાર્યરત છે. ૨૫૦થી વધુ રેડિયો નાટકો આપ્યા છે. સીલેકશન કમિટી મેમ્બર તથા સલાહકાર સમિતિ સદસ્ય રહી ચુકયા છે. તેઓએ સ્ટોક કેરેકટર, કૃષિ કાર્યક્રમ, કેઝયુઅલ એનાઉન્સર તરીકે પણ સેવા આપી છે. દુરદર્શન રાજકોટ અને અમદાવાદમાં ૨૦ ટીવી નાટકો, ૧૦ ટેલી ફીલ્મો, ૧૦ નેશનલ ડોકયુમેન્ટરી, તહેવારને અનુલક્ષીને વિશેષ કાર્યક્રમો, ૧૨ વર્ષ કેઝયુઅલ એનાઉન્સર, ૧૩ હપ્તા સહિયર સીરીયલ, ૧૫ વર્ષ ઈન્ટરરવ્યુઅર, ૨ વર્ષ પ્રોડકશન આસીસ્ટન્ટ, ૫ વર્ષ કેમેરાની આંખે ‘પત્રમૈત્રી’ અને લીખીતંગ આપનું દુરદર્શન કાર્યક્રમ આપ્યા છે. ડો.જયોતી લેખન ક્ષેત્રે પણ બહોળી નામના ધરાવે છે. તેઓની કોરી આંખોનો દરીયો એકપાત્રીય અભિનય સંગ્રહની દરેક સ્ક્રીપ્ટ રાજય વિજેતા બની છે. ઉપરાંત ૧૦ એકાંકી નાટકો, ૧૦૦થી વધુ કાર્યક્રમો, ડોકયુમેન્ટરીની સ્ક્રીપ્ટ અને સંવાદ લેખન, ૧૦૦થી વધુ કાવ્યો લખ્યા છે. વકતા તરીકે ૧૦૦૦થી વધુ જાહેર કાર્યક્રમોનું સંચાલન, ૧૦૦થી વધુ વિવિધ વિષયો પર જાહેર વકતવ્ય આપ્યા છે. ડો.જયોતિએ અનેક એવોર્ડ હાંસલ કર્યો છે. ૪ નેશનલ ડોકયુમેન્ટરી એવોર્ડ, ગુજરાત રાજય વિજેતા-એકપાત્રીય અભિનય અને એકાંકી નાટક, શ્રેષ્ઠ અભિનેત્રી એવોર્ડ- ગુજરાત રાજય સંગીત નૃત્ય નાટય અકાદમી, આઉટ સ્ટેન્ડિંગ યંગ પર્સન એવોર્ડ જેસીઝ, નારી ગૌરવ એવોર્ડ-ફુલછાબ, નારી રત્ન એવોર્ડ-દીકરાનું ઘર, ભોજા ભકત વિજય પદ્મ વિજેતા-સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એકપાત્રીય અભિનય અને ડીબેટ ચેમ્પિયન (૫ વર્ષ) વગેરે સિદ્ધિઓ મેળવી છે.
ઉપરાંત સલાહકાર સમિતિ સદસ્ય-સરગમ કલબ, સંચાલક સબરસ ફોરમ, સંચાલક તોરણ વૃંદ, કલ્ચરલ બોર્ડ મેમ્બર-સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, ૨૭ વર્ષથી નાટયધારા તથા કલ્ચરલ કમિટી હેડ, કણસાગરા કોલેજ રાજકોટ, હાલ એસોસિયેટ પ્રોફેસર અને વાઈસ પ્રિન્સીપાલ કણસાગરા કોલેજ, સીટી પ્રદેશ અને રાજય કક્ષાએ નિર્ણાયક તરીકેની સેવા, ભૂતપૂર્વ પી.એચ.સી.મેમ્બર-એલ આઈ સી રાજકોટ, સ્વાધ્યાય પ્રવૃતિ અંતર્ગત પૂજય પાંડુરંગ શાસ્ત્રીજી અને મોરારીબાપુની હાજરીમાં યોજાયેલ ‘કૃતજ્ઞતા મહોત્સવ’માં ૧૩ લાખ લોકોનું એકલે હાથે સંચાલન, એસએએઆરસી રાષ્ટ્રોના ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલનું સંચાલન વગેરે તેઓની સિદ્ધિ છે.