ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં વધતી માંગને કારણે મિલો ફરી ધમધમતી થઇ
લાંબા સમય બાદ રાજ્યની સ્ટીલ રિ-રોલિંગ મિલો માટે સારા દિવસો આવ્યા છે. રિયલ એસ્ટેટ ક્ષેત્ર અને સરકારના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં વધતી માંગના કારણે ભાવનગર જિલ્લાની સ્ટીલ રિ-રોલિંગ મિલો ફરી ધમધમતી થઈ છે.
છ મહિના અગાઉ સુધી ૬૫-૭૦ ટકા કેપેસિટી યુટિલાઇઝેશન હતું તે નવી માંગના કારણે હાલમાં સંપૂર્ણ ક્ષમતા પર છે અને અનેક બંધ થયેલા યુનિટો પણ ફરી કાર્યરત થયા છે. જોકે, રિયલ એસ્ટેટની માંગ હજુ પણ પ્રમાણમાં નબળી છે તેથી ઊંચા ભાવના રો-મટિરિયલ ખરીદ્યા બાદ પણ પ્રમાણમાં નીચા ભાવે ફિનિશ્ડ પ્રોડક્ટ્સનું વેચાણ જોવા મળે છે.
ભાવનગર જિલ્લાનું શિહોર દેશમાં સ્ટીલ રિ-રોલિંગમાં બીજા ક્રમનું સૌથી મોટું ક્લસ્ટર છે. અહીં લગભગ ૮૦ જેટલી રિ-રોલિંગ અને ૫૦ જેટલી ઇન્ડક્શન ફર્નેસ છે અને માસિક લગભગ ૧.૫૦ લાખ ટન ઉત્પાદન ધરાવે છે.
શિહોર સ્ટીલ રિ-રોલિંગ મિલ્સ એસોસિયેશનના પ્રમુખ હરેશ પટેલે જણાવ્યું હતું કે, ક્લસ્ટરની ૮૦ પૈકી ૨૦ જેટલી રિ-રોલિંગ મિલો નબળી માંગના કારણે બંધ હતી. જોકે, તાજેતરમાં રો-મટિરિયલના અને ફિનિશ્ડ પ્રોડક્ટ્સના ભાવમાં આંતરરાષ્ટ્રીય બજારના પગલે વધારો જોવા મળ્યો છે અને બીજી તરફ, સરકારના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં પણ માંગ જોવા મળી રહી છે. રિયલ એસ્ટેટ ક્ષેત્રે પણ અગાઉ કરતાં સારી માંગ છે પરંતુ હજુ તે અપેક્ષિત સ્તરે નથી પહોંચી.
સૂત્રોના જણાવ્યા મુજબ, ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાં પણ ખાનગી અને સરકારી પ્રોજેક્ટ્સ માટેની સ્ટીલની માંગમાં સુધારો જોવા મળી રહ્યો છે. બીજી તરફ, ચીનમાં પ્રદૂષણના મુદ્દે અનેક રિ-રોલિંગ મિલો તાજેતરમાં બંધ થઈ છે તેનો પણ શિહોરની મિલોને સીધો લાભ મળી રહ્યો છે. સરકાર દ્વારા ચાલી રહેલા એફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટ્સ ઉપરાંત ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સના કારણે રિ-રોલ્ડ સ્ટીલની માંગમાં સુધારો છે.
પટેલે જણાવ્યું હતું કે ઇન્ડક્શન ફર્નેસની કુલ ૫૦ ફેક્ટરીઓ કાર્યરત થઈ ગઈ છે અને તેમની સંખ્યામાં ઝડપી વધારો થયો છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને બાંધકામ ક્ષેત્રે સારી માંગથી ટીએમટી (થર્મો મિકેનિકલી ટ્રિટેડ) બાર, માઇલ્ડ સ્ટીલ (એમએસ) ચેનલ એન્ગલ અને સેક્શનની માંગમાં સુધારો જોવા મળ્યો છે.
લગભગ એક વર્ષ અગાઉ અલંગમાં શિપ બ્રેકિંગમાં મંદીનો સમય હતો અને તેથી રિસાઇક્લિંગ માટે ઉત્તમ ગુણવત્તાનું સ્ટીલ ઉપલબ્ધ નહોતું. હરેશ પટેલે જણાવ્યું હતું કે અલંગમાં શિપ બ્રેકિંગ કામગીરી વધી છે અને તે પણ રિ-રોલિંગ મિલો માટે પ્રોત્સાહક બાબત છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,