સ્ટીલ અને એલ્યુમિનિયમ પર આયાતી નિયંત્રણોને કારણે યુરોપિયન સંઘ અને ચીન પણ વળતી ડ્યૂટી લાગુ કરે તેવા રેટીંગ એજન્સીના અહેવાલ
સ્ટીલ અને એલ્યુમિનિયમ પરની આયાત ડ્યૂટી વધારવાના અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયનો વળતો જવાબ આપવા યુરોપિયન સંઘ તથા ચીન પણ ડ્યૂટી વધારવાનો નિર્ણય કરશે, જેને પગલે વેપારયુદ્ધ છેડાશે અને વૈશ્વિક આર્થિક વૃદ્ધિને નુકસાન થશે તેમ વૈશ્વિક રેટિંગ એજન્સી એસ એન્ડ પીએ જણાવ્યું છે.
એસ એન્ડ પી દ્વારા જારી કરાયેલા એક અહેવાલ અનુસાર ડ્યૂટી વધારવાના નિર્ણયની નજીકના ભવિષ્યમાં અમેરિકા પર એકંદર આર્થિક અસર સામાન્ય બની રહેશે, જ્યારે કોર્પોરેટ સેક્ટર પર તેની મિશ્ર અસર જોવાશે.
સૌથી મોટું જોખમ અમેરિકાના મહત્ત્વના વેપારી મિત્ર રાષ્ટ્રો જેવા કે યુરોપિયન સંઘ તથા ચીન દ્વારા વળતી ડ્યૂટી લાગુ કરવાનું રહેલું છે, જેનાથી વૈશ્વિક સ્તરે ટ્રેડ વોર શરૂ થશે અને અમેરિકાના વેપાર તથા વૈશ્વિક આર્થિક વૃદ્ધિને નુકસાન થશે તેમ અહેવાલમાં જણાવાયું છે.
વેપાર નિષ્ણાતોના મતે ડ્યૂટી વધારવાના નિર્ણયથી અમેરિકામાં કરવામાં આવતી આ પ્રકારનાં ઉત્પાદનોની નિકાસને કોઈ અસર નહીં થાય. જોકે તેમણે આવા સંરક્ષણવાદી નિર્ણયોથી વૈશ્વિક વેપાર પર માઠી અસર થવાની શક્યતા હોવાનું જણાવ્યું હતું.
‘ગ્લોબલ ટ્રેડ એટ અ ક્રોસરોડ: યુએસ સ્ટીલ એન્ડ એલ્યુમિનિયમ રેઇઝ રિક્સ ઓફ રિટાલિયટરી સ્પાઇરલ’ નામના અહેવાલમાં એસ એન્ડ પીએ આ નિર્ણયની પ્રત્યક્ષ અથવા શરૂઆતની અસર નહીંવત્ રહેવાનું જણાવ્યું છે. રેટિંગ એજન્સીના જણાવ્યા અનુસાર યુરોપિયન સંઘ, ચીન તથા દક્ષિણ કોરિયા જેવા અમેરિકાના મહત્ત્વના વેપાર ભાગીદારો આ મામલે શો સંકેત આપે છે તેની પર સમગ્ર વિશ્વની નજર છે.
આ રાષ્ટ્રોએ ડ્યૂટી વધારા મુદ્દે પોતાનો વિરોધ રજૂ કર્યો છે અને અમેરિકાથી આયાત થતાં ઉત્પાદનો પરની ડ્યૂટી વધારવાના સંકેતો પણ આપ્યા છે. ડ્યૂટીમાં વધારાને કારણે અમેરિકામાં સ્ટીલ અને એલ્યુમિનિયમના ઉત્પાદનને પ્રોત્સાહન મળવાની સાથે સાથે જ વપરાશના દરમાં વૃદ્ધિ થશે તથા આગામી ૨-૩ વર્ષ દરમિયાન કિંમતોનો સ્તર ઊંચો જશે તેમ એસ એન્ડ પીના અર્થશાસ્ત્રી પૌલ ગ્રુએનવેલ્ડે અહેવાલમાં જણાવ્યું છે.
ડ્યૂટીમાં વધારાને કારણે અમેરિકામાં સ્ટીલ અને એલ્યુમિનિયમના ઉત્પાદનને પ્રોત્સાહન મળવાની સાથે સાથે જ વપરાશના દરમાં વૃદ્ધિ થશે
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,