ગુડી પડવાના તહેવારને હવે એક દિવસ જ બાકી રહ્યો છે. મરાઠી સમુદાય માટે ગુડી પડવો એટલે નવા વર્ષની પ્રારંભ દિવસ. ગુડી પડવાનો તહેવાર મહારાષ્ટ્ર સિવાય આંધ્રપ્રદેશ, ગોવા અને તેલંગાણામાં અલગ અલગ નામથી ઉજવવામાં આવે છે. ગુડી પડવાના ઘણા નામો છે જેમ કે સંવત્સર પડવો, યુગદી, ઉગાદી, ચેટી ચાંદ અને નવરેહ. તે ઉત્તરપૂર્વીય રાજ્ય મણિપુરમાં પણ ઉજવવામાં આવે છે અને ત્યાં તેને સજીબુ નોંગમા પનાબા કાઇરોબા તરીકે ઓળખવામાં આવે છે.
હિન્દુ કેલેન્ડર મુજબ વસંતઋતુના પ્રારંભની શરૂઆત એટ્લે ગુડી પડવો..
ભારત કૃષિ મુખ્ય વ્યવસાયનો દેશ છે અને અહીં મુખ્યત્વે કૃષિ સમાજ વસે છે. ગુડી પડવો ભારતના સૌથી પ્રસિદ્ધ લણણી તહેવારોમાંનો એક છે જે એક ઋતુનો અંત અને નવી ઋતુની શરૂઆત કરે છે. આ દિવસે સૂર્યની સ્થિતિ વિષુવવૃત્તના આંતરછેદથી ઉપર હોય છે, જે હિન્દુ કેલેન્ડર મુજબ વસંતઋતુના પ્રારંભની શરૂઆત કરે છે.
જાણો ગુડી પડવા સાથે જોડાયેલી આ હકીકત..
એ પાછળ એવી દંતકથા પ્રચલિત છે કે પ્રભુ શ્રી રામચંદ્ર ચૌદ વર્ષનો વનવાસ ભોગવી, લંકાપતિ રાવણનો વધ કરી વિજયી થઇ જે દિવસે અયોધ્યા પાછા ફર્યા તે દિવસ ચૈત્ર સુદ એકમ હતી. અયોધ્યા નગરીના લોકોએ ઘેર- ઘેર ગુડી, તોરણો ઊભા કરી રામના પાછા ફરવાનો આનંદ વ્યક્ત કર્યો. તે સંદર્ભે ગુડી પડવાનો આ તહેવાર દર વર્ષે ઉજવવામાં આવે છે. ગુડી પડવાને ‘વર્ષ પ્રતિપદા’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
આ દિવસે બ્રહ્માજીએ બનાવ્યું હતું બ્રહ્માંડ….
એવું કહેવાય છે કે ગુડી પડવાના દિવસે બ્રહ્માજીએ બ્રહ્માંડ બનાવ્યું હતું. તેથી આ દિવસે મુખ્યત્વે બ્રહ્માજીની જ નહિ પણ મુખ્ય દેવી-દેવતાઓ, અર્ધદેવી-રાક્ષસ, સંતો, નદીઓ, પર્વતો, પ્રાણીઓ, પક્ષીઓ અને જંતુઓ જ નહિ પરંતુ રોગો અને તેના ઉપચારોની પણ પૂજા થાય છે.
સામાન્ય રીતે હિંદુઓ કોઇ પણ નવી બાબતનો પ્રારંભ કરવા માટે શુભ દિવસ જ પસંદ કરે છે. એ દૃષ્ટિએ વર્ષના કેટલાંક દિવસો વણજોયા મુહૂર્ત તરીકે કે સાડા ત્રણ મુહૂર્ત જાણીતા છે. ગુડી પડવાનો દિવસ આ સાડાત્રણ મુહૂર્ત પૈકીનો એક છે. નવા ઘરમાં રહેવા જવું. કીમતી વસ્તુઓની ખરીદી કરવી. વગેરે બાબતો માટે આ દિવસ શુભ મનાય છે. આ દિવસે નવા સંવતનો પ્રારંભ થાય છે. અને નવું પંચાંગ પણ શરૂ થાય છે. શાલિવાહન શકની શરૂઆત (હિંદુ કાળગણના પ્રમાણે) જ આ દિવસે થઇ.
આ દિવસની શરૂઆત કડવા લીમડાનાં પાન ખાવાથી કરવાની પ્રથા છે. કડવા લીમડાને આ અરસામાં નવા પાન ફૂટેલા હોય છે. તેના કૂમળા પાન લઇ તેમાં ગોળ, જીરું, સ્વાદ પૂરતું મીઠું અને લીંબુ નાંખી તેને વાટીને ગોળી બનાવવામાં આવે છે. આયુર્વેદમાં જણાવ્યા પ્રમાણે કડવો લીમડો અત્યંત આરોગ્યપ્રદ અને કીટનાશક છે. આ ઊભી કરેલી ગુડીને સંધ્યા સમયે ઉતારવામાં આવે છે.
એક માન્યતા પ્રમાણે, આ દિવસે મહાન ગણિતજ્ઞ ભાસ્કરાચાર્યએ પંચાંગની રચના કરી હતી જેમાં સૂર્યોદયથી સૂર્યાસ્ત અને દિવસ, મહિનાઓ તમામ સામેલ હતા. એટલે કે હિન્દુ પંચાગની શરૂઆત પણ આ દિવસે થાય છે. વર્ષભર હિન્દુઓમાં સૌથી શુભ મૂહર્તમાંથી એક ગુડી પડવાને માનવામાં આવે છે.
ગુડી પાડવાનો લેટેસ્ટ ટ્રેન્ડ એટલે પૈઠણી સાડી
મોટેભાગે ગુડીપાડવા પર સ્ત્રીઓ ટ્રેડિશનલ નવવારી સાડી કે અન્યકોઈ સિલ્ક સાડી પહેરતા હોય છે. તેની સાથે ગ્રીન ચુડી, ગળામાં ઠુસી નામની ટ્રેડિશનલ માળા, લાંબુ મંગળસૂત્ર અને વાળમાં ગજરા લગાવતી હોય છે. આજકાલ આ જ ટ્રેડિશનલ સાડીઓને ડિઝાઈનર સ્વરૂપ આપીને પહેરવામાં આવે છે. આ વર્ષે ગુડી પાડવામાં પૈઠણી સાડીને ક્રેઝ જોવા મળી રહ્યો છે, પરંતુ હવે તેને ટ્રેડિશનલ નહીં પણ ઈન્ડોવેસ્ટર્ન બ્લાઉઝ સાથે પહેરવામાં આવે છે.
તો ચાલો જેમ ભગવાન શ્રીરામે આસુરી તત્વો પર વિજય કર્યો તેમ આ તહેવાર ઉજવી આપણા મનમાં પણ સવાર થતી આસુરી વૃત્તિ પર વિજય મેળવીએ.