સર્વોચ્ચ અદાલતના ત્રણ નિવૃત જજ દ્વારા કરાયેલા હુકમને કોમર્શીયલ કોર્ટમાં પડકાર્યો’તો
સુપ્રીમ કોર્ટના ત્રણ નિવૃત ન્યાયમૂર્તિઓની આર્બીટ્રલ ટ્રીબ્યુનલ સમક્ષ કંડલા પોર્ટ ટ્રસ્ટ અને ચેન્નઈ સ્થિત જે.આર.ઈ. ઈન્ફ્રા. પ્રા.લી. વચ્ચે ચાલતા આર્બીટ્રેશન પ્રોસીડીંગ્સમાં કે.પી.ટી.ને રૂ.૯૨,૮૨,૩૨,૭૨૪ બેંકનાં એસ્ક્રો એકાઉન્ટમાં જમા કરાવવાના આદેશ સામે કંડલા પોર્ટ ટ્રસ્ટે રાજકોટની કોમર્શીયલ કોર્ટમાં કરેલી અપીલ લાંબા કાનુની જંગ બાદ રદ કરવામાં આવેલ છે.
આ કેસની હકિકત એવી છે કે, કંડલા પોર્ટ ટ્રસ્ટ (કે.પી.ટી) દ્વારા મલ્ટીપર્પઝ કાર્ગોંને બીલ્ટ-ઓપરેટ-ટ્રાન્સફરથી ચલાવવા માટે આપવાનું હોવાથી ટેન્ડર બહાર પડાતા ચેન્નઈ સ્થિત જે.આર.ઈ. ઈન્ફ્રા પ્રા.લી.ને ટેન્ડર મળતા કે.પી.ટી. તથા જે.આર.ઈ.પ્રા.લી. વચ્ચે કાર્ગો બર્થ નં.૧૫ના ડેવલોપમેન્ટ માટે બિલ્ડ-ઓપરેટ-ટ્રાન્સફર માટેનો ક્ધસેશન એગ્રીમેન્ટ ગાંધીધામ ખાત થયેલો હતો. બંને પક્ષકારો વચ્ચે પેમેન્ટ અને કામની કાર્યવાહી બાબતે વિવાદ થતા પક્ષકારો દ્વારા કરારની શરત મુજબ કોઈપણ તકરાર ઉપસ્થિત થાય તો ત્રણ આર્બીટ્રેટરની પેનલ દ્વારા તેનું નિરાકરણ લાવવાની જોગવાઈ કરવામાં આવેલી હોય પક્ષકારોએ સુપ્રીમ કોર્ટના નિવૃત જસ્ટીસ આર.સી.લાહોટી, જે.એમ.પંચાલ તથા એ.આર.દવેની નિમણુક આર્બીટ્રેટર તરીકે કરવામાં આવેલી અને કંડલા પોર્ટ ટ્રસ્ટ દ્વારા સદર આર્બીટ્રલ ટ્રીબ્યુનલ સમક્ષ તકરારનું નિવારણ લાવવા માટે અરજી દાખલ કરવામાં આવેલી હતી.
કે.પી.ટી. દ્વારા મુખ્યત્વે એવી રજુઆતો હતી કે જે.આર.ઈ. ઈન્ફ્રા પ્રા.લી. દ્વારા કરાર પાલનમાં અસંખ્ય ચૂકો કરવામાં આવેલી હોવાથી એગ્રીમેન્ટ રદ કરવો જોઈએ જયારે સામે જે.આર.ઈ. ઈન્ફ્રા પ્રા.લી. દ્વારા એવી તકરાર લેવામાં આવેલી કે રદ કરવાની કાર્યવાહી કરતા પહેલા જે.આર.ઈ. ઈન્ફ્રા પ્રા.લી.એ લીધેલી લોનની ૯૦% રકમ એટલે કે રૂ.૯૨,૮૨,૩૨,૭૨૪/- ક્ધસેશન એગ્રીમેન્ટમાં નકકી થયા મુજબ કે.પી.ટી.દ્વારા બેંકના એસ્ક્રો ખાતામાં જમા કરાવ્યા બાદ જ મીલ્કત કે અન્ય તકરારો સંદર્ભે નિર્ણય કરી શકાય. જે.આર.ઈ.ઈન્ફ્રા પ્રા.લી.ની કસુરને કારણે તેઓને ૨૪,૬૬,૦૨,૧૪,૫૦૦/- ચુકવવા જવાબદાર જયારે સામાપક્ષે કેપીટી દ્વારા તેમને ૧૭,૬૯,૬૩,૪૯,૭૩૯/- આપવાના થાય છે તેવી સામ સામે માંગણીઓ ત્રણ નિવૃત ન્યાયમૂર્તિઓની આર્બીટ્રલ ટ્રીબ્યુનલ સમક્ષ બન્ને પક્ષકારો દ્વારા કરવામાં આવેલી હતી. મુખ્ય તકરારનું નિવારણ થાય ત્યાં સુધીમાં જે.આર.ઈ. ઈન્ફ્રા પ્રા.લી. દ્વારા આર્બીટ્રેશન એકટ મુજબ અરજી દાખલ કરી ક્ધસેશન એગ્રીમેન્ટ મુજબ મુખ્ય તકરારનો નિવેડો ન આવે ત્યાં સુધી વચગાળાની રાહત‚પે કે.પી.ટી. દ્વારા જે.આર.ઈ. ઈન્ફ્રા પ્રા.લી.ના એસ.બી.આઈ.ના એસ્ક્રો ખાતામાં રૂ.૯૨,૮૨,૩૨,૭૨૪ જમા કરાવવા અરજી કરેલી હતી. જે અરજી આર્બીટ્રલ ટ્રીબ્યુનલ દ્વારા મંજુર કરવામાં આવતા કે.પી.ટી. દ્વારા રાજકોટની કોમર્શીયલ કોર્ટમાં અપીલ દાખલ કરેલી અને આર્બીટ્રલ ટ્રીબ્યુનલ દ્વારા કરવામાં આવેલી હુકમ રદબાતલ કરવા માંગણી કરવામાં આવેલી.
જે.આર.ઈ. ઈન્ફ્રા પ્રા.લી.ને કે.પી.ટી. આવી અપીલ કરશે તેવો અંદાજ હોય આથી તેમના એડવોકેટ તુષાર ગોકાણી મારફત કોર્ટમાં કેવીએટ દાખલ કરી હતી. જે.આર.ઈ. ઈન્ફ્રા પ્રા.લી.વતી રજુઆતો કરેલી કે, એગ્રીમેન્ટની શરત મુજબ કંડલા પોર્ટ ટ્રસ્ટ સદર રકમ એસ.બી.આઈ.ના ખાતામાં જમા કરાવે તો જ જે.આર.ઈ. ઈન્ફ્રાના કબજામાં રહેલી મિલકતો કંડલા પોર્ટ ટ્રસ્ટ પરત માંગી શકે તેવી સ્પષ્ટ જોગવાઈ કરારમાં પક્ષકાર એગ્રીમેન્ટની એક શરતનું પાલન કરે અને બીજી શરતો અવગણે તે વ્યાજબી નથી. જો કંડલા પોર્ટ ટ્રસ્ટને મિલ્કતોનો બોજા રહિત કબજો મેળવવો હોય તો તે માટે કરારની શરત મુજબ લોનની ૯૦% રકમ ભરવી જ પડે જે તમામ હકિકતો અને ચુકાદાઓ ટાંકી અપીલ રદ કરવા રજુઆતો કરવામાં આવી હતી.
બંને પક્ષકારો દ્વારા કરવામાં આવેલ દલીલોના અંતે જે.આર.ઈ. ઈન્ફ્રાની દલીલો માન્ય રાખી અપીલ રદ કરતા પોતાના ચુકાદામાં અદાલતે નોંધેલુ કે, કરારની શરતો મુજબ કોઈપણ પક્ષકારની કસુરને કારણે કરાર રદ થાય તો લોનની ૯૦% રકમ કંડલા પોર્ટ ટ્રસ્ટ તથા ૧૦% રકમ જે.આર.ઈ. ઈન્ફ્રા એ બેંકના ખાતામાં ભરવાની સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવેલી છે. જેથી અપીલ રદ કરવામાં આવે છે.
આ કામમાં જે.આર.ઈ. ઈન્ફ્રા પ્રા.લી.વતી સીનીયર ધારાશાસ્ત્રી એસ.એન.સોપારકર, તુષાર ગોકાણી, રીપન ગોકાણી, સ્તવન મહેતા, ગૌરાંગ ગોકાણી, અમૃતા ભારદ્વાજ, કેવલ પટેલ રોકાયેલ છે.