ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રો શુક્રવારે રાત્રે ત્રણ દિવસની ભારત યાત્રા અંતર્ગત દિલ્હી પહોંચ્યા છે. વડાપ્રધાન મોદીએ પ્રોટોકોલ તોડીને મેક્રોનું સ્વાગત કરવા એરપોર્ટ પહોંચ્યા હતા. મેક્રોની સાથે તેમની પત્ની બ્રિગિટ પણ આવ્યાં છે. આ યાત્રા દરમિયાન બંને દેશો વચ્ચે સમુદ્રી સુરક્ષા અને આતંકવાદ જેવાં મુદ્દે વાતચીત થવાની આશા છે. મોદી પોતાના સંસદીય વિસ્તાર વારાણસીમાં મેક્રોની મહેમાનગતિ કરશે. તેઓ મેક્રોને હોડીથી ગંગાની સફર કરાવશે તેમજ વિવિધ ઘાટ દેખાડશે. યુપીના સીએમ યોગી આદિત્યનાથે આ અંગેની તૈયારીની સમીક્ષા કરી છે. મેક્રો જાપાનના પીએમ શિંઝો આબે બાદ વારાણસી આવનારાં બીજા રાષ્ટ્રાધ્યક્ષ છે.
રાષ્ટ્રપતિ મેક્રો પોતાની યાત્રાના પ્રથમ દિવસે દિલ્હીમાં વડાપ્રધાન મોદીની સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે. આ દરમિયાન ભારત અને ફ્રાંસ વચ્ચે સુરક્ષા, સ્પેસ, ઉર્જા, રક્ષા સહિતના મુદ્દે ચર્ચા થશે. આ ઉપરાંત મેક ઈન ઈન્ડિયા સાથે જોડાયેલી સંરક્ષણ અંગેની સમજૂતીઓ પણ થઈ શકે છે.