ગોંડલનું દેરડી કુંભાજી કેન્દ્ર સૌથી વધુ સંવેદનશીલ હોવાથી સ્થાનીક સ્ટાફ હટાવાયો
રાજકોટ સહિત સમગ્ર રાજયભરમાં આગામી ૧૨ માર્ચથી ધો.૧૦ અને ધો.૧૨ની પરીક્ષાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ત્યારે બોર્ડની પરીક્ષા શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે બુધવારે રાજકોટ જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં સંકલનની સમિતિની બેઠક યોજાયી હતી. અને એકશન પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો. જેમાં ગોંડલના દેરડી કુંભાજી કેન્દ્રને રાજકોટ જીલ્લાનું સૌથી વધુ સંવેદનશીલ કેન્દ્ર ગણવામાં આવી રહ્યું છે. જેને લઈને ત્યાંનો સંપૂર્ણ સ્થાનીક સ્ટાફ હટાવીને બહારથી વર્ગ-૨ના અધિકારીને મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત પરીક્ષામાં ચોરીના દુષણને ડામવા દેરડીકુંભાજી, પડધરી અને વિંછીયામાં એસ.આર.પી. બંદોબસ્ત મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.બુધવારે કલેકટર ડો. વિક્રાંત પાંડેની અધ્યક્ષતામાં યોજાયેલ સંકલન બેઠકમાં બોર્ડની પરીક્ષા દરમિયાન તકેદારીના ભાગ‚પે દરેક પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓનું કુમકુમ તિલકથી સ્વાગત તેમજ પરીક્ષા કેન્દ્ર પર ૪ વ્યકિત એક જગ્યા પર ન એકઠા થવા ૧૪૪ની કલમ અને ૨૦૦મી.ના એરીયામાં ઝેરોક્ષ મશીન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તદઉપરાંત પરીક્ષાના કેન્દ્રો પર સ્થળ સંચાલક કે ‚ટ અધિકારી સિવાય કોઈ મોબાઈલનો ઉપયોગ નહી કરી શકે. તેમજ પરીક્ષાખંડ પર સ્કવોર્ડ મોટા અવાજે બોલી નહી શકે પીજીવીસીએલનાં કાર્યપાલક ઈજનેરને પરીક્ષા કેન્દ્રો પર વીજ પૂરવઠો ન ખોરવાઈ તે માટેની સ્પષ્ટ સુચના આપવામાં આવી છે. એસ.ટી. નિગમના મેનેજરને ૧૨મી માર્ચથી ‚ટની બસો સમયસર ઉપાડવા માટેનો આદેશ અપાયો છે. શહેરમાં ૧૦૮ એમ્બ્યુલન્સની તાત્કાલીક સુવિધા અને તાલુકા કક્ષાએ મેડીકલ મોબાઈલ વેન કાર્યરત રહેશે ધો.૧૦ના ૪૩ બિલ્ડીંગ પરના ૩૨૦ બ્લોક અને ધો.૧૨ સામાન્ય પ્રવાહના ૨૫ બિલ્ડીંગ પરના ૧૭૮ બ્લોક પર સીસીટીવીના અભાવને કારણે ટેબ્લેટ મૂકવામાં આવશે.રાજકોટ કલેકટર ડો. વિક્રાંત પાંડેની અધ્યક્ષતામાં યોજાયેલ બેઠકમાં ડીડીઓ, જીલ્લા શિક્ષણ અધિકારીનો સ્ટાફ, રાષ્ટ્રીય અને રાજય એવોર્ડ વિજેતાના શિક્ષકો, પોલીસ કમિશ્નર, પીજીવીસીએલનાં અધિકારીઓ, વહીવટી અધિકારીઓ હાજર રહ્યા હતા અને બોર્ડની પરીક્ષા શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટેનું એકશન પ્લાન તૈયાર કર્યો હતો. પરીક્ષાના કેન્દ્રો પર સ્થળ સંચાલક કે રૂટ અધિકારી સિવાય કોઈ મોબાઈલનો ઉપયોગ નહી કરી શકે