આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિતે રાજય સરકાર દ્વારા સમગ્ર રાજયમાં દિકરીના જન્મદિનને ‘નન્હી પરી અવતરણ’ તરીકે બિરદાવી હર્ષોલ્લાસથી ઉજવણી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે રાજકોટની પદ્મકુંવરબા હોસ્પિટલમાં ફુલોનો શણગાર, દિવડા પ્રગટાવી અનેરુ ખુશીનું વાતાવરણ બાળકીઓના વધામણા અર્થે કરવામાં આવ્યું છે. પદ્મકુંવરબા હોસ્પિટલ ખાતે આજના દિવસે હાલ ૫ બાળકીનો જન્મ થયો છે. રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણીએ તમામ નન્હી પરીઓના લક્ષ્મી અને સરસ્વતીના પ્રતિકૃતિના ચિન્હનો ચાંદીનો સિકકો, મમતા કીટ, મીઠાઈ અને ગુલાબનું ફુલ આપી વધામણા કર્યા હતા. આ પ્રસંગે ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, મ્યુનિ.કમિશનર બંછાનિધી પાની, જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ભંડેરી, હોસ્પિટલના અધિક્ષક ડો.રૂપાલી મહેતા તેમજ આરોગ્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કોંગી કોર્પોરેટર વિજય વાંકે નવજાત દિકરીઓને આપ્યો સોનાનો દાણો
આજરોજ રાજકોટની જનાના હોસ્પિટલ ખાતે મહિલા દિન નિમિતે કોંગ્રેસના કોર્પોરેટરોને સાથે રાખી કોર્પોરેટર વિજય વાંકે આજે જે બાળકીનો જન્મ થયો હોય તેને સોનાનો દાણો આપી આશીર્વાદ આપ્યા હતા. તેમજ અન્ય હોસ્પિટલમાં જઈને આખા રાજકોટ સીટીમાં જેટલી દિકરીનો જન્મ થાય તેને સોનાની ચુંક આપવામાં આવેલી.