મેનેજરથી લઈ પ્યુન સુધીની પોસ્ટ પર મહિલાઓનો દબદબો એક જ કમ્પાઉન્ડમાં મેળવે છે ૫૦૦૦ મહિલાઓ રોજગાર
સરકારના મિનિમમ વેજીસ નિયમ મુજબ વેતન : અનસ્કીલ્ડ મહિલાઓ પણ એમબીએ થયેલ ઉમેદવારોને આંઝી દે તેવા એક્સપર્ટ ૮ મી માર્ચના દિવસને સમગ્ર દેશમાં એક દિવસ માટે મહિલા દિવસ તરીકે ઉજવવામ આવે છે ત્યારે રાજકોટ મોરબી હાઇવે અને સામખીયાળી નજીક આવેલ અજંતા ઓરેવા ગ્રુપની કંપનીમાં તો કાયમી રીતે મહિલા દિવસ ઉજવવામાં આવે છે !!! તમને જાણીને આશ્ચર્ય થશે કે ઉપરોક્ત બન્ને યુનિટમાં ગુજરાત જ નહીં બલ્કે સમગ્ર દેશમાં સૌથી વધુ મહિલાઓને રોજગાર આપવામાં આવે છે, અહીં મેનેજરથી લઈ માર્કેટિંગ સ્ટાફ અને હેવી મશીનરી ઓપરેટરથી લઈ પ્યુન સુધીનો ૯૦ % થી વધુ સ્ટાફ મહિલાઓનો છે.
તળિયા એટલે કે ટાઇલ્સ નળિયાં અને ટાઈમ ઉદ્યોગ માટે જાણીતા મોરબી શહેરમાં છેલ્લા ત્રણ દાયકા કરતા વધુ સમયથી પ્રસિદ્ધ અજંતા ઘડિયાળનું ઉત્પાદન કરતા અજંતા ઓરેવા ગ્રુપ દ્વારા સમય સાથે તાલ મિલાવી આજે ઘડિયાળની સાથે -સાથે કેલ્ક્યુલેટર, ટેલિફોન, હોમ એપ્લાયન્સીસ, ઇલેક્ટ્રોનિક્સ આઇટમોમાં સીએલએફ અને એલઇડી બલ્બ, બેટરી ઓપરેટેડ બાઇક તેમજ ટાઇલ્સક્ષેત્રે સમગ્ર ભારત જ નહીં વિશ્વમાં ડંકો વગાડ્યો છે, અજંતા ઓરેવા ગ્રુપની સફળતા પાછળનું રહસ્ય કંપનીના સંચાલકોની કુશાગ્ર બુદ્ધિની સાથે – સાથે વુમન પાવર્સ પણ છે, અજંતા ઓરેવા ગ્રુપના એમ.ડી જયસુખભાઈ પટેલ જણાવે છે કે છેલ્લા ત્રણ દાયકા કરતા વધુ સમયથી માર્કેટમાં કંપની છવાઈ ગઈ છે અને હરિફાઈના આ યુગમાં પણ તેમની કંપનીમાં વુમન્સ પાવરથી ઉત્પાદિત થતા ક્વોલિટી ઉત્પાદનો અલગ જ ઓળખ ધરાવે છે.
જયસુખભાઈ કહે છે કે રાજકોટ – મોરબી હાઇવે પર અને સામખીયાળી નજીક આવેલ અજંતા ઓરેવા ગ્રુપની બન્ને કંપનીમાં એક જ છત્ર નીચે ૫૦૦૦ થી વધુ મહિલાઓ રોજગાર મેળવી રહી છે સમગ્ર ગુજરાત કે ભારતમાં આટલી મોટી સંખ્યામાં એક જ સ્થળે મહિલાઓને રોજગાર આપવામાં આવતો હોય તેવી એકમાત્ર અમારી કંપની હોવાનું અમે ગર્વ અનુભવીએ છીએ અને દરરોજ મહિલા દિવસ ઉજવવાનો શ્રેય પણ અમારા ફાળે છે !!
અજંતા ઓરેવા ગ્રુપના એમ.ડી.જયસુખભાઈ ઉમેરે છે કે આજે એમબીએ, બીસીએ, કે એન્જીનીયરીંગ કરેલ મહિલાઓને તો કોઈપણ જગ્યાએ નોકરી મળી જાય છે પરંતુ ફક્ત ૧૦ ધોરણ કે ૧૨ પાસ યુવતીઓને રોજગાર મળવો મુશ્કેલ હોય છે પરંતુ કંપનીમાં વિશેષત: અનસ્કીલ્ડ મહિલાઓને તાલીમ અને માર્ગદર્શન થકી એટલા પ્રેક્ટિકલ બનવવામાં આવે છે કે તેઓ એમબીએ કરેલ સ્ટુડન્ટને પણ પાછળ રાખી દે છે, હાલમાં અજંતા ઓરેવા કંપનીમાં કોમ્પ્યુટરાઈઝડ મશીન હોય કે ભારતના કોઈ પણ રાજ્યમાં માર્કેટિંગ કરવાનું હોય કે પછી એચઆર સેક્શન હોય તમામ સ્કીલ્ડ પોસ્ટ પર મહિલાઓ જ કામગીરી કરી રહ્યા છે.
કંપની દ્વારા અહીં કામ કરતા બહેનોને ટ્રાન્સપોર્ટેશનથી લઈ હોસ્ટેલ, લોજિંગ, ડ્રેસ, અને સરકારી નિયમ મુજબ મિનિમમ વેજીસ મુજબ પગાર ધોરણ ચુકવવામાં આવે છે અને ટોચ લેવલે કામ કરતા મહિલાઓ ૨૫ થી ૩૦૦૦૦ હજાર જેટલો પગાર મેળવી પોતાનું અને ઘણાખરા કિસ્સામાં કુટુંબનો આધારસ્તંભ બન્યા છે.
અજંતા ઓરેવા ગ્રુપના મીડિયા ઇન્ચાર્જ દિપકભાઈ પારેખના જણાવ્યા મુજબ હાલમાં કંપનીમાં મોરબી જિલ્લાના સરાઉન્ડિંગ ૬૦ કિલોમીટર વિસ્તારના બહેનોને રોજગાર આપવામાં આવી રહ્યો છે, અહીં મોરબી ઉપરાંત કચ્છ, પોરબંદર, વેરાવળ, રાજકોટ, જિલ્લા ઉપરાંત ગુજરાતના અન્ય જિલ્લાઓમાંથી પણ મોટી સંખ્યામાં બહેનો કામ કરે છે જેમને રહેવા જમવાની તમામ સુવિધા આપવામાં આવે છે.
મજાની વાત તો એ છે કે અહીં કામ કરતા બહેનોના લગ્નપ્રસંગે કંપની એક વાલીની ભૂમિકા ભજવી કામગીરીના વર્ષ મુજબ બહેનના પરિવારને મદદરૂપ પણ બને છે અને નોકરી દરમિયાન જમા થયેલ પીએફ સહિતની મોટી રકમને કારણે દીકરીના લગ્નપ્રસંગનો ખર્ચ નીકળી જતો હોય છે.
એકંદરે મહિલા ઉત્થાનની નેમ સાથે મહિલાઓને રોજગાર આપવાની સાથે અજંતા ઓરેવા ગ્રુપ દ્વારા અહીં કામ કરતા બહેનોમાં શિસ્ત અને સ્કીલ્ડનો સમન્વય કરી એવી શક્તિ પુરી પાડવામાં આવે છે કે રોજગાર મેળવવા આવેલી યુવતીઓ અહીંથી નોકરી છોડીને ગયા બાદ પણ કંપનીની તાલીમને કારણે જીવનભર રોજગાર મેળવવાની ક્ષમતા ધરાવતા બની જાય છે.