કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ મહેશ રાજપુતની આગેવાનીમાં આવેદનપત્ર અપાયું
શહેરના વોર્ડ નં.૮માં અમુક વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી ગંદા પાણીનું વિતરણ કરવામાં આવે છે. આ અંગે અનેક વખત ટેલીફોનિક રજુઆત કરવામાં આવી હોવા છતાં ગંદા પાણીના પ્રશ્નનો નિકાલ આવ્યો નથી તે સંદર્ભે આજે શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ મહેશભાઈ રાજપુતની આગેવાનીમાં કોંગ્રેસ ફરિયાદ સેલ સમિતિના ચેરમેન આશિષભાઈ વાઢેર સહિતના કોંગી કાર્યકરોએ કોર્પોરેશનના અધિકારીઓને આવેદનપત્ર આપ્યું હતું.આ રજુઆતમાં તેઓએ જણાવ્યું છે કે, વોર્ડ નં.૮માં અનેક વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી ગંદા પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. અનેક વખત રજુઆત છતાં ગંદા પાણીનો પ્રશ્ર્ન હલ થયો નથી. લોકોને બિમાર પડવાનો ભય સતાવી રહ્યો છે. તાત્કાલિક અસરથી ગંદા પાણીનું વિતરણ કરવામાં આવે તેવી અમારી માંગણી છે છતાં જો લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા બંધ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન છેડવામાં આવશે. આ તકે શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ મહેશભાઈ રાજપુત, ફરિયાદ સેલના ચેરમેન આશિષભાઈ વાઢેર અને વોર્ડ નં.૮ના પ્રમુખ પવાભાઈ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા.