સંસદના બજેટ સત્રનો બીજો તબક્કો સોમવારથી શરૂ થઇને 6 એપ્રિલ સુધી ચાલશે
આ દરમિયાન પંજાબ નેશનલ બેંકમાં ફ્રોડ, નીરવ મોદી, રાફેલ ડીલ જેવા મુદ્દાઓ પર હોબાળો થવાના આસાર છે. સાથે જ નોર્થ-ઇસ્ટના ત્રણ રાજ્યોના વિધાનસભા ચૂંટણીના પરિણામોનો ઉલ્લેખ પણ થઇ શકે છે. તેમાં મજબૂત પક્ષ બનીને ઊભરેલી બીજેપી વિપક્ષ પર હાવી થવાનો પ્રયત્ન કરી શકે છે. લોકસભામાં 28માંથી 21 બિલ આ સત્ર માટે પેન્ડિંગ છે. બાકીના 7 બિલ સ્થાયી સમિતિઓ અથવા સંયુક્ત સમિતિઓની પાસે છે. રાજ્યસભામાં 39 બિલ ગૃહની પાસે છે.
કોંગ્રેસના પૂર્વ નાણામંત્રી પી. ચિદંબરમના પુત્ર કાર્તિની આઇએનએક્સ મીડિયા કૌભાંડમાં ધરપકડનો મુદ્દો પણ ઉઠી શકે છે. કોંગ્રેસ તેને બદલાની ભાવનાથી ઉઠાવવામાં આવેલું પગલું જણાવી રહી છે.પંજાબ નેશનલ બેંક કૌભાંડને લઇને બીજેપી અને કોંગ્રેસની વચ્ચે આરોપ-પ્રત્યારોપનો તબક્કો ચાલી રહ્યો છે.
કોંગ્રેસે એલાન કર્યું છે કે તે સંસદમાં આ મુદ્દે મોદી સરકારને ઘેરશે. પાર્ટીએ સરકાર પાસે બેંકોની સ્થિતિ પર સંસદમાં શ્વેત-પત્ર લાવવાની માંગ કરી છે.
તેઓ આ કૌભાંડના આરોપી નીરવ મોદી તથા મેહુલ ચોક્સીના વિદેશ ફરાર થઇ જવાને પણ મોટો મુદ્દો બનાવી રહી છે.
જોકે નરેન્દ્ર મોદી અને અરૂણ જેટલીએ બેંક કૌભાંડમાં દોષિતો વિરુદ્ધ કડક કાર્યવાહીની વાત કહી છે.
મોદીએ પણ કહ્યું છે કે કોઇને માફ કરવામાં નહીં આવે. પરંતુ કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે સરકાર મામલાને રફે-દફે કરવામાં લાગી છે અને વડાપ્રધાને આ બાબતે સંસદમાં નિવેદન આપવું પડશે.