પીએનબી ફ્રોડ કેસમાં એનફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ED)એ મેહુલ ચોકસીના માલિકીની કંપનીઓ પર ગુરુવારે કાર્યવાહી કરી. જેમાં 1217.20 કરોડની પ્રોપર્ટી અટેચ કરવામાં આવી.જેમાં મુંબઈ સ્થિત 15 ફ્લેટ, 17 ઓફિસ, આંધ્ર પ્રદેશમાં મેસર્સ હૈદરાબાદ સેજ, કોલકાતા સ્થિત એક શોપિંગ મોલ, અલીબાગ સ્થિત ફાર્મ હાઉસ અને મહારાષ્ટ્રાની સાથે તમિલનાડુમાં સ્થિત 231 એકર જમીન સામેલ છે. આ પહેલા 12,672 કરોડ રૂપિયાના આ ગોટાળામાં સીબીઆઈએ બુધવારે પીએનબીના ઈન્ટરનલ ચીફ ઓડિટર એમકે શર્માની ધરપકડ કરી હતી. બીજી તરફ, ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની પહેલ પર બ્યૂરો ઓફ ઇમિગ્રેશને ફ્રોડના મુખ્ય આરોપી હીરા વેપારી નીરવ મોદી અને મેહુલ ચોકસીની વિરુદ્ધ લુક આઉટ/બ્લૂ કોર્નર નોટિસ જાહેર કરી. હાલ બંને લોકો દેશની બહાર છે. મહત્વપૂર્ણ છે કે, આ મામલામાં અત્યાર સુધી સીબીઆઈ 13 લોકોની ધરપકડ કરી ચૂકી છે.
કોઈ ઓડિટરની પહેલી ધરપકડ
તપાસ એજન્સી મુજબ, ઈન્ટરનલ ચીફ ઓડિટર એમ કે શર્માની પાસે પીએનબીની બ્રેડી હાઉસ બ્રાન્ચના ઓડીટિંગ સિસ્ટમ અને તેનાથી જોડાયેલા કામો પર ધ્યાન રાખવાનું કામ હતું. સાથોસાથ કોઈ પણ પ્રકારની અનિયમિતતા વિશે ઝોનલ ઓડિટ ઓફિસને રિપોર્ટ કરવાનો હતો. સીબીઆઈ શર્મા પાસે આ બાબતે પૂછપરછ કરી રહી છે.ઉલ્લેખનીય છે કે, આ મામલામાં કોઈ ઓડિટરની આ પહેલી ધરપકડ છે.