મોરબીના મકનસરમાં પર્યાવરણ જાગૃતિ માટે શિબિર યોજતું વનવિભાગ
મોરબીના મકનસરમાં સામાજિક વનીકરણ યોજના રંગ લાવી રહી છે સિરામિક એકમોના પ્રદુષણ ખાળવા ક્રેન ઇન્ડિયા અને વેન વિભાગ દ્વારા અહીં ૧૧૦ એકર જમીનમાં ગાઢ જંગલ જેવા વૃક્ષો ઉછેરવામાં આવ્યા છે જ્યાં ગઈકાલે શિબિર યોજી વિદ્યાર્થીઓએ દસ – દસ વૃક્ષો ઉછેરવા સંકલ્પ લીધો હતો.
સામાજિક વનીકરણ વિભાગ,મોરબી દ્વારા મકનસર ખાતે વિદ્યાર્થીઓ, યુવાનો તેમજ વડિલોમાં પ્રકૃતિ પ્રત્યેની સામાજની જવાબદારી અંગેની સમજ વધે તેવા આશયથી જનજાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતમાં સિરામિક ઉદ્યોગનાં ઉત્પાદનમાં મોરબી જિલ્લો ૬૦ ટકા થી વધુ ઉત્પાદન કરીને મોખરે છે, ત્યારે તેની આડઅસરથી રક્ષણ મેળવવા માટે મોરબી જિલ્લાનાં વૃક્ષાચ્છાદનમાં વધારો થાય તે માટે ગુજરાત સરકારનાં સામાજિક વનીકરણ વિભાગ તેમજ મકનસર પાંજરાપોળ તેમજ ક્રેન ઇન્ડિયા વચ્ચે ૨૦૧૪ માં એમ.ઓ.યુ. કરવામાં આવેલ.
જે અંતર્ગત પાંજરાપોળ હસ્તકની ૧૧૦ હેકટર જમીનમાં કુલ ૧,૨૫,૦૦૦ જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલ. તેમજ વિશિષ્ટ રૂપથી આયોજન બધ્ધ આ વાવેતરને કાળજી પૂર્વક ઉછેર કરવામાં આવેલ. આ પ્રોજેકટનાં તમામ વાવેતરને ૧૦૦ ટકા સફળતા મળવા પામેલ.
મકનસર વનીકરણ પ્રોજેકટમાં,
” ૨૫ હેકટર વિસ્તારમાં ઇમારતી વૃક્ષો જેવા કે સાગ, સીસમ, ખેર, વગેરે.
” ૨૫ હેકટર વિસ્તારમાં ફળાઉ રોપા જેવા કે આમલી, આંબા, ચીકુ, નાળીયેરની જાતો વગેરે…
” ૫૦ હેકટર વિસ્તારમાં છાંયો આપતી જાતો જેવી કે લીંમડા, પીપળ, કરંજ, વડ વગેરે.
” ૧૦ હેકટર વિસ્તારમાં આયુર્વેદિક વૃક્ષોની જાતો હરડે, બહેડા, આમળા, બીલી વગેરે.
જાતોનું વાવેતર કરીને ડ્રીપ ઇરીગેશન પધ્ધતિથી વોટરીંગ કરવાની વ્યવસ્થા કરવામાં આવેલ છે. ઉપરાંત ૧૬૦૦ ચો.મી.માં લોન ગાર્ડન તૈયાર કરવામાં આવેલ છે. જેથી પ્રકૃતિનો આલ્હાદક અનુભવ મેળવી શકાય છે. કુલ ૧૧૦ હેકટર વિસ્તારમા વાવેતર કરવામાં આવેલ છે. તે માટેનો આર્થીક સહયોગ ક્રેન ઇન્ડિયા પ્રા.લી. તરફથી આપવામાં આવી રહયો છે.ગુજરાતનો સામાજિક વનીકરણ વિભાગ, વનીકરણ પ્રવૃતિમાં જયારે ભારતભરમાં અગ્રેસર રહયો છે, ત્યારે આ ઉમદા કાર્યમાં લોક ભાગીદારીથી, લોકોનો સહકાર અને સહયોગ વધે તેવા શુભ આશયથી આ કાર્યક્રમમાં વિવિધ શાળાનાં બાળકોથી લઇને યુવાનોને આમંત્રિત કરવામાં આવેલ. અને કુલ ૮૦૦ થી વધુ સંખ્યામાં આ કાર્યક્રમમાં લોકોએ જોડાઇને કાર્યક્રમની શોભા વધારેલ.
સમાજિક વનીકરણ વિભાગ,રાજકોટનાં મદદનીશ વન સંરક્ષક હરેશકુમાર મકવાણા તેમજ વી.ડી.બાલા (રીટાયર્ડ પરિક્ષેત્ર વન અધિકારીશ્રી) એ તેમજ મોરબીનાં પરીક્ષેત્ર વન અધિકારી ડી.એલ.કોરીંગાએ બાળકોને પ્રેરક પ્રવચન પુરૂ પાડેલ. તેમજ બાળકોની પશુપક્ષી પ્રત્યેની અનુકંપા જાગે તેવા ઉદાહરણો પુરા પાડીને માર્ગદર્શન આપેલ. ઉપરાંત બાળકોને જૈવ વિવિધતાનું મહત્વ સંમજાવેલ તેમજ ચકલીના માળાઓનું વન વિભાગ તરફથી વિતરણ કરવામાં આવેલ. ઉપરાંત પર્યાવરણ ગીત સંગીત સાથે રજુ કરવામાં આવેલ.
વિવિધ શાળાનાં આચાર્યશ્રીએ તેમજ શિક્ષકોએ પણ આ કાર્યક્રમમાં હાજરી આપીને કાર્યક્રમની શોભા વધારેલ.
આ શિબિર સ્થળનાં વૃક્ષોને તેમજ સ્થળને નિહાળીને શિબિરાર્થીઓએ ધન્યતા અનુભવેલ અને આવા વાવેતર થકી પ્રાકૃતિક ધરોહરને જાળવી રાખવા માટે દરેકે ઓછામાં ઓછા ૧૦ વૃક્ષો વાવીને તેને ઉછેરવાનો સંકલ્પ લીધેલ. આજનાં ઝડપથી આગળ વધી રહેલા સમયમાં પ્રકૃતિનું મહત્વ બાળકો સમજે તેમજ પ્રકૃતિને નજીકથી નિહાળીને તેમની પ્રકૃતિ પ્રત્યેની જીજ્ઞાસા સંતોષાય તેમજ વિવિધ વૃક્ષો અને તેની ઉપયોગીતા તેમજ જૈવ વૈવિધ્યતા વિશે જાણવા માટેની જીજ્ઞાસા સંતોષવાનું કાર્ય આ કાર્યક્રમ થકી સફળતા પૂર્વક થયું.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સામાજિક વનિકરણ વિભાગ, મોરબીનાં તમામ સ્ટાફ મિત્રોએ ખૂબ જ જહેમત ઉઠાવેલ. સામાજિક વનિકરણ વિભાગ,રાજકોટનાં નાયબ વનસંરક્ષક એમ. એમ. મુનીએ કાર્યક્રમની સફળતા બદલ સમગ્ર સ્ટાફને અભિનંદન પાઠવેલ.
આવનાર બાળકો નૈસર્ગિક વાતાવરણનો લાભ લઇને પ્રકૃતિ પ્રત્યેની ફરજ અદા કરવા માટેનો સંકલ્પ લઇને, વન ભોજનનો આનંદ માણીને મીઠી યાદોને વાગોળતા વાગોળતા છુટા પડયા હતા.સામાજિક વનીકરણ યોજના અંતર્ગત વનવિભાગ અને ક્રેન ઇન્ડિયા દ્વારા મોરબીના મકનસરમાં ૧૧૦ એકરમાં સવા લાખ વૃક્ષોનો સફળતા પૂર્વક ઉછેર