જોઈનીંગ રજા ઉપર જતા મુળી પોલીસ સ્ટેશનનો ચાર્જ ફોજદાર જયદેવે જોરાવરનગરના ફોજદારને સોંપેલો સાત દિવસ બાદ રજા ઉપરથી હાજર થતા જોરાવરનગર ફોજદારે એક લૂંટનો ગુન્હો ભારતીય ફોજદારી ધારાની કલમ ૩૯૨ મુજબનો રજા દરમ્યાન દાખલ થયેલ તેની તપાસ જયદેવને સોંપી તેમણે ટુંકમાં જણાવ્યું કે સુરેન્દ્રનગરથી મૂળી ના દરબારો રીક્ષામાં આવતા હતા તે દરમ્યાન રીક્ષા ભાડાની માથાકૂટ થતા દરબારોએ રીક્ષા ડ્રાઈવરને થોડો ઘણો મારેલો જ બાકી કાંઈ નહતુ પરંતુ રીક્ષા વાળો સુરેન્દ્રનગરનો હોય તેણે ત્યાં સીટી પોલીસ સ્ટેશનમાં વધારીને લૂંટની ફરિયાદ નોંધાવી દીધી. હદ મુળીની હોય ગુન્હો દાખલ થવા માટે ઝીરો નંબરથી નોંધી મુળીમાં દાખલ થયો છે. બંને પક્ષે રાજકારણ પડતા છાપાઓમાં બહુ ચકચારી રીતે સમાચાર આવેલા તેથી પૂરાવો ઉપરથી થયેલ સૂચના મુજબ એફ.આઈ.આર. મુજબનો જ લીધો છે. આરોપીને લૂંટના આરોપી તરીકે પકડવા સૂચના છે.
આવી માથાકૂટ હોય મેં આરોપીઓને તમારા આવવા ઉપર પકડવાના બાકી રાખ્યા છે. જયદેવે કહ્યુંં પકડી લેવા હતા ને યાર આમેય મુળીમાં ચારે બાજુ માથાકૂટ જ છે. હવે આ ગુન્હામાં જયદેવે ફકત મુળીના બે આરોપી દરબારો ને પકડવાના હતા. જયદેવ રજા ઉપરથી હાજર થતા બનારાજાના વહીવટદાર બટુકસિંહ જયદેવને મળ્યા તથા ફરિયાદ અને તપાસ બંને ખોટી રીતે થયા હોવાની રજુઆત કરી જયદેવે તેમને કહ્યું તમારી સાચી વાત છે મારે તો હવે ફકત આરોપીઓને પકડવાના જ છે. બીજુ કાંઈ થઈ શકે તેમ નથી આથી બટુકસિંહે બનારાજા જોડે ફોનથી વાત કરી તો બનારાજાએ કહ્યું ‘મને ખબર જ હતી. ‘અપાશરે (ઉપાશ્રયમાં) ઢોકળા ન હોય ! આ ફોજદારને તો લાગ મળી ગયો છે. હજી આરોપીઓના રીમાન્ડ પણ લેશે’ બટુકસિંહે આ વાત જયદેવને ને કરી. જયદેવને તો મનમાં ‘સુરજી‘ વાળા બનાવનો બદલો લેવાની ઈચ્છા થઈ પરંતુ ‘પાડા ના વાંકે’ પખાલીને ડામ ન દેવાય’ આ બંને આરોપીઓ ખરેખર એન.સી.કે.જામીન લાયક ગુન્હાના આરોપીઓ હતા. આ આરોપીઓને તો ‘સુરજી’ વાળા બનાવ અંગે કાંઈ લેવા દેવા હતી જ નહિ આથી જયદેવે મુત્સદીગીરીથી બટુકસિંહને એક જ વાક્યમાં બે વાત કરી દીધી કે ‘તમારા બોસ દ્વારા ભલે ‘સુરજી’વાળુ નાટક થયું પરંતુ હુ તમને બાંહેધરી આપુ છું કે તમે આરોપીઓને મુદામાલની રૂપીયા સો સાથે રજુ કરો તો તેમને કોઈ બોલાવશે પણ નહિ અને રીમાન્ડ પણ નહિ. તમે જલ્દીથી આરોપીઓને કોર્ટમાંથી છોડાવી લેજો. આથી બટુકસિંહ રાજી થઈને ગયા બંને આરોપીઓને રૂપીયા સોની લૂંટના મુદામાલ સાથે રજૂ કર્યા જયદેવે વચન મુજબ આરોપીઓને અટક કરી તેમના જવાબો લખી આંગળાની છાપો ફોટા તથા એમસી આર કાર્ડ (આરોપીનો સંપૂર્ણ બાયો ડેટા) નોંધી કોર્ટમાં રજૂકર્યા. જયદેવ ‘કીડીને કોશનો ડામ’ દેવા માગતો નહતો.
આરોપીનાં વકીલે દલીલો સાથે જામીન અરજી રજુ કરી. જોગાનું જોગ સરકારી વક્લિ હાજર હોય તેમણે સરકાર તરફે જામીન નહિ આપવા દલીલો કરી. જજ સાહેબે ફોજદાર ને રૂબરૂ બોલાવી પૂછયું કે તમારે કોઈ વાંધો છે? જયદેવે ટુંકમાં જવાબ આપ્યો કે સુલેહભંગ થાય તેમ નથી જેથી કોર્ટે બંને આરોપીઓને જામીન હુકમ તો કર્યો પરંતુ બંનેએ રોકડા રૂપીયા ત્રણ ત્રણ હજાર જામીન પેટે કોર્ટમાં જમા કરાવવાની શરતે હુકમ કર્યો. રૂપીયાની મદદ આપવાનું તો રાજકારણમાં હોય નહિ એટલે બંને આરોપીઓ ગયા સુરેન્દ્રનગર જીલ્લા જેલમાં પરંતુ જયદેવે આરોપીઓના સંબંધીઓને પોલીસ સ્ટેશને આવવા કહ્યું જયદેવને થયું કે આ બીચારા રાજકારણને હિસાબે ખોટા દુ:ખી થાય છે.
જયદેવે જકાત ઈજારદાર મહિપતસિંહને બોલાવ્યા અને કહ્યું કે એક સમાજ સેવા કરવાની છે.એક અઠવાડીયા પૂરતા છ હજાર રૂપીયા ઉછીના દેવાના છે. તેમણે કહ્યું કાંઈ વાંધો નહિ આ લ્યો જયદેવે સમગ્ર બનાવની મહિપતસિંહને વાત કરી. બચાવ પક્ષના વકીલને બોલાવી રોકડા રૂપીયા ભરવાની વિધિ પુરી કરવા કહ્યું અને વધુમાં કહ્યું કે કોર્ટને ફરીથી વિનંતી કરો કે જકાત ઈજારદાર મહિપતસિંહ સધ્ધર જામીન છે. જો હુકમ રીવાઈઝ થઈ શકે તો કરાવો નહિ તો સેશન્સ કોર્ટમાં રીવીઝન દાખલ કરો. પરંતુ ત્યાં સાંજ પડી ગઈ અને બીજે દિવસે શનિ-રવિ હોય આરોપીઓને બે દિવસતોજેલમાં રહેવું જ પડયું. પરંતુ સોમવાર આરોપીઓ છૂટી ગયા અને મુળી આખામાં ચર્ચા થઈ કે ફોજદાર જયદેવને હિસાબે જ છૂટયા તેણે જ તમામ રસ્તા કરી દીધા પરંતુ બનારાજા કાંઈ કરી શકયા નહિ તેની પણ ચર્ચા થવા લાગી.
તે દિવસોમાં વિજળી પ્રશ્ર્ને સરકાર સામે ખેડુતોએ સમગ્ર ગુજરાતમાં રસ્તા રોકો આંદોલનનું એલાન આપેલ હતુ. તેમ મુળી તાલુકામાં બંધનું એલાન હતુ. પરંતુ બંધના આગલા દિવસે સરકાર અને ખેડુતો વચ્ચે સમાધાન થઈ જતા રસ્તા રોકો આંદોલનનું એલાન પાછુ ખેંચાયું હતુ.
મુળીથી હળવદ જતો, મુખ્ય માર્ગ સરા થઈ ને જતો તેમાં ટીકર સરલા ગામો વચ્ચે આવતા. મુળી ગામનાં સીમાડે આવેલ ટીકર ગામમાં આમતો પંચરંગી વસ્તી હતી. પરંતુ અન્ય કોઈ કરતા પરમાર દરબારો અને રજપૂતોની વસ્તી વધારે હતી.
ટીકર ગામની મોટી ઓળખાણ મૂળી તાલુકા પંચાયતની પેટા ચૂંટણી હતી આ ટીકરની તાલુકા પંચાયતની સલામત સીટ ખાલી કરાવીને બનારાજા ફરીથી તાલુકા પંચાયતમાં દાખલ તો થયેલા પરંતુ ફરીથી પ્રમુખ બની શકતા ન હતા. કારણ ગમે તે હોય ટીકર ગામના લોકો તો એલાન મુજબ આંદોલન કરી રસ્તા ઉપર ચકકાજામ કરવાના હતા પરંતુ આ કાર્યક્રમ ખાનગી અને ગુપ્ત હતો.
જયદેવે પણ રાજય સ્તરે આંદોલન પાછુ ખેંચાયું તેથી હવે કોઈ ચિંતા નથી તેમ માની ને બંદોબસ્ત સ્ટેન્ડ ટુ રાખ્યો હતો હોમગાર્ડઝ જવાનોને પણ સ્ટેન્ડ ટુ રાખ્યા મુખ્ય રસ્તા ઉપરના ગામોથી એટલે કે સરા સરલાથી ખેરીયતના અહેવાલ સવારના આઠ વાગ્યે જ આવી ગયા. છતા તકેદારી રૂપે જયદેવ પોતે મુળી ખાતે હાજર રહી જમાદાર ટી.ડી. પરમારને જીપ લઈ સરા સુધી આંટો મારી આવવા કહ્યું જીપ ટીકર સરલા થઈ સરા પહોચી જમાદાર મંગળસિંહે કહ્યું કે થોડીવાર રોકાવ હવે કાંઈ છે નહિ મારે મુળી આવવું છે. તેથી ટી.ડી. પરમાર ચા પાણી પીવા રોકાયા.
પરંતુ કાયમના શાંતિ પ્રિય અને કયારેય કોઈ બબાલમાં નામ નહિ તેવા ટીકર ગામે કોણ જાણે કોને એકઠા થઈ પાઠ ભણાવવો હશે ભગવાન જાણે તમામ કોમના લોકો એકઠા થઈ સુકા ઝાડનું થડ ટીકર મુળી રોડ ઉપર ગામના જ પાદરમાં નાખીને ટોળુ વળી રસ્તો બંધ કર્યો.
મુળીમાં રાહ જોતા જયદેવને થયું કે જીપને શું થયુ કેમ વાર લાગી? પરંતુ વાયરલેસથી સંપર્ક થયો નહિ તેથી વધુ ચિંતા થઈ જયદેવે શું કાંઈ છે કેમતે ખાનગી રાહે તપાસ કરાવી તો ખબર પડી કે ટીકર ગામના પાદરમાં ગામ લોકોએ ઝાડનું થડ આડુ નાખીને રસ્તો બંધ કર્યો છે. અને લોકો ટોળે વળ્યા છે. જયદેવને જીપની ચિંતા હતી તે એકદમ સતર્ક થઈ ગયો.
જયદેવે ટીકર જવા માટે સ્ટેન્ડ ટુમાં રહેલ હોમગાર્ડઝ તથા પોલીસ જવાનોને એલર્ટ કરી એકઠા કર્યા જકાત નાકે જઈ ત્રીકમભાઈ સોનીનો ટ્રક ખાલી ઉભો હતો.તે લઈ આવ્યો. મુળી હોમગાર્ડઝ યુનિટના પ્લાટુન કમાન્ડ પી.પી. પરમાર ઉર્ફે પીપી વ્યવસાયે શિક્ષક હતા. હોમગાર્ડઝ તથા પોલીસને ફોલ ઈન કરી (લાઈનમાં ઉભા રાખી) તેમને બનાવ અંગે ટૂંકમાં કહ્યું કે આંદોલન પાછુ ખેંચાયું છે છતા ટીકર ગામ લોકોએ રસ્તો બંધ કર્યો છે. જરા મકકમતાથી કામ લેવાનું છે. ત્યાં જ ઉભેલા હોમગાર્ડઝમાંથી એક જવાન બોલ્યો ‘સાહેબ મત વિસ્તાર કોનો છે? બનારાજાનો, આટલી હવા અને વાયડાઈતો હોય જને?’ એનો અર્થ એ થયો કે હોમગાર્ડઝના જવાનો પણ મુળીના વિચીત્ર રાજકારણની ચોપાટના જાણકાર હતા. જેથી જયદેવે કહ્યું જોજો સામે પણ ટીકરના પરમારો જ છે, પણ ખાખીની આબ‚ દાવ ઉપર લાગી છે જો જીપ કે પોલીસને આ લોકોએ કાંઈ કર્યું તો સમજો કે તમામ ખાખીની નાલેશી થઈ. પરંતુ કાર્યવાહી સમય સુચકતાથી કાયદેસરની જ કરવાની સૂચના કરી તમામને ટ્રકમાં લાઠી સાથે ચડી જવા સૂચના કરતા હોમગાર્ડઝ તથા પોલીસના જવાનો ટ્રકના ડાલામાં ચડી ગયા અને જયદેવ તથા પી.પી. (પ્લાટુન કમાન્ડર) ટ્રકની કેબીનમાં બેઠા ટ્રકે મૂળી રેલવે ફાટક વટાવ્યું ત્યાં સામે જ ટીકર ગામ દેખાયું દૂરથી જ રોડ ઉપર માણસોનું ટોળુ રસ્તો રોકીને ઉભુ હોય તેમ લાગ્યું.
ટ્રક ટોળાથી એક ખેતરવા દૂર રહ્યો હશે ત્યાં ડાલામાંથી ડ્રાઈવરની કેબીન કોઈકે ઠપઠપાવી અને ટ્રક ઉભો રાખવા સુચના કરી. કોન્સ્ટેબલ પ્રતાપસિંહ પરમારે ટ્રકમાંથી ઉતરી જયદેવને નીચે ઉતરવા ઈશારો કર્યો. જયદેવ નીચે ઉતરતા પ્રતાપસિંહે કહ્યું સાહેબ ઉતાવળ કરતા નહિ મુળી ગામમાં તો તમામને ખબર પડી ગઈ છે રસ્તો રોકવાનું શું કારણ છે એવા સમાચાર છે કે જીપમાં સરાથી જમાદાર મંગળસિંહ પણ આવતા હતા તેઓએ આ ટીકરના લોકોને સમજાવેલ છે કે આંદોલન આખા રાજયમાંથી પાછુ ખેંચાયું છે. કયાંય બંધ પળાયો નથી પરંતુ ટીકર વાળા સમજતા નથી. જેથી જીપ અને જમાદાર તુલસી પરમાર ગામના આથમણે પાદર ઉભા છે. અહી ટોળા સાથે મંગળસિંહ જમાદાર છે જ. એક કામ કરીએ એક વખત હું તા તમામ હોમગાર્ડઝ જવાન વનરાજસિંહ ત્યાં ટોળા પાસે જઈ આવીએ અને તેમને સમજાવીએ તથા મંગળસિંહનું શું કહેવું છે તે જાણતા આવીએ. જેથી જયદેવે કહ્યું ભલે અને બંને જણા ઉપડયા ટોળા પાસે જયદેવે તમામ પોલીસ તથા હોમગાર્ડઝ જવાનોને ટ્રકમાંથી નીચે ઉતારીને લાઈનમાં તૈયાર પોઝીશનમાં રાખ્યા.
દસેક મીનીટમાં જ પ્રતાપસિંહ તથા વનરાજસિહ પાછા આવ્યા. તેમણે વાત કરી કે જમાદાર મંગળસિંહે અગાઉથી જ આ લોકોને સમજાવેલ છે. પરંતુ તેઓ કહે છેકે અમારા નેતાનો હુકમ છે. ભલે રસ્તો રોકો. આથી હોમગાર્ડઝ વનરાજસિંહે ટીકરવાસીઓને સમજાવતા ટીકર વાળાએ તેમને બોલવા જ ન દીધા કે હોમગાર્ડઝને બોલવાનો કોઈ અધિકાર નથી. વનરાજસિંહ ત્યાંજ આકરા થઈ ગયા હતા પરંતુ માંડ માંડ સમજાવીને પાછો લાવ્યો છું ગામ લોકોને મંગળસિંહે કહ્યું પણ ખ‚ કે જુઓ ફોજદાર સાહેબ જાતે પૂરતા પોલીસ ફોર્સ સાથે આવેલ છે. નકામુ ઘર્ષણ થશે. હવે કાર્યક્રમ પૂરો થઈ ગયો સમજીને ચાલ્યા જાવ આથી અમુક લોકો ચાલ્યા ગયા પણ ટીકરના બનારાજાના ટેકેદારો અને અમુક ખણખોદીયા જ માનતા નથી અને ડખ્ખો કરવાના મૂડમાં ઉભા છે.
જયદેવે કહ્યું ભલે આપણે જઈ જવાનો દ્વારા ઝાડનું થડ દૂર કરી દઈએ. અને તે તરફ માર્ચ કરવાનું કહેતા હોમગાર્ડ જવાન વનરાજસિંહે કહ્યું ‘સાહેબ આજે હોમગાર્ડઝ આગળ રહેશે આજે તમે હોમગાર્ડઝની તાકાતનું માપ જોઈ લો’ તેમ કહી તમામ હોમગાર્ડઝ જવાનો આગળ થઈ ગયા અને તેની પાછળ પોલીસ માર્ચ કરતી ચાલવા લાગ્યા જયદેવ તથા પીપી સાથે ચાલ્યા જતા હતા. હોમગાર્ડ વનરાજસિંહનું ટીકર વાળાએ મોઢુ તોડી લીધું તેથી તે ખૂબ ગુસ્સામાં હતા અને જયદેવના ખ્યાલ બહાર જ હામેગાર્ડઝ જવાનોને ઉશ્કેરેલા કે આજે નકકી કરવાનું છે કે મુળી પાછુ પડે છે કે ટીકર થાજો ભાયડા.
આ માર્ચ પાસ્ટ ટોળાથી થોડે જ દૂર હતી અને ટોળા પૈકીના કોઈ નાલાયકે ટોળામાં રહેલ જમાદાર મંગળસિંહની ટોપી હવામાં ઉછાળી અને પછી ટોળાએ ફેંકા ફેંકી કરી. વનરાજસિંહ આમેય ખીજાયેલા સાવજ જેવો જ. હતો.તેમાં આ ટોપીએ ‘Red red to a bull’ માતેલા સાંઢને જેમ લાલકપડુ બતાવી ભડકાવવામા આવે તેમ આ કિસ્સો બન્યો. હોમગાર્ડ વનરાજસિંહે ત્રાડ નાખી ‘હવે થાજો મરદના દીકરા’ આથી તમામ હોમગાર્ડઝ જવાનો એ લાકડીઓ બે હાથે કચકચાવી ઉપાડીને જેમ સિહ મારણના ટોળા ઉપર ત્રાટકે તેમ દોટ મૂકીને ટોળા ઉપર ત્રાટકયા જયદેવે તેમને રોકવા પ્રયત્ન કર્યો પણ આતો રણશીંગું ફૂંકાઈ ગયું હતુ દે ધનાધન કોણ કોનું સાંભળે ટોળાની નાસભાગ થઈ પણ હોમગાર્ડઝના જવાનો બે હાથે જે લાઠીનો ઈસ્તેમાલ કરતા હતા તે જેને એક અડી જાય તે બીજી ખાવા જેવો રહેતો ન હતો. આંદોલન કારીઓ નાઠા પરંતુ હોમગાર્ડઝ અને પોલીસના જવાનોએ તેમનો પીછો કર્યો. આ બાજુ જયદેવે રોકી રાખેલ પોલીસ જવાનોએ રોડ ઉપરથી ઝાડનું થડ ગબડાવી ને રસ્તો ચોખ્ખો કર્યો, હોમગાર્ડઝ જવાનોએ ટીકર વાળાને શોધી શોધીને ‘મુળીપાક’ ચખાડયો તેથી પાંચ જ મીનીટમાં આખુ ટીકર ગામ સુમસામ કોઈ દરવાજા ખૂલા નહિ.
જયદેવે કહ્યું ‘ઉતાવળ કરી નાખી’ પ્રતાપસિંહે કહ્યુંં ‘સાહેબ આ ‘લાતોના ભૂત વાતોથી ન માને’ પરંતુ જયદેવને આ બનાવના પ્રત્યાઘાતની ખબર હતી જયદેવે મંગળસિંહને જે ટીકર ગામના આગેવાનો હતા. તેમના નામનું લીસ્ટ બનાવવા કહ્યું. તે દરમ્યાન આથમણે પાદરથી જીપ લઈ તુલશી જમાદાર આવી ગયા. જયદેવે હોમગાર્ડઝ તથા પોલીસ જવાનોને ટ્રકમાં રવાના કર્યા. બે પોલીસ જવાનોને સીધા સરકારી દવાખાને જવા સુચના કરીને રવાના કર્યા કે ટીકરની કોઈ વ્યકિત સારવારમાં આવે તો તુરંત પોલીસ સ્ટેશને જાણ કરવી.
જયદેવ પોલીસ સ્ટેશન પહોચ્યો ત્યાં ટેલીફોન ચાલુ જ હતા. રાજકારણી બટુકસિંહે રૂબરૂ આવીને કહ્યુંં ‘સાહેબ અતિશયોકિત થઈ નથી?’ જયદેવે સામે પ્રશ્ર્ન પૂછયો ‘કોની ટીકરની કે મૂળીની?’ આ વાતમાં બટુકસિંહ બધુ સમજી ગયા છતા જયદેવે વધુમાં સંભળાવ્યું કે ‘સતાધારી પક્ષના માણસો જ સરકાર સામે જયારે જે મામલે સમાધાન થઈ ગયું હોય છતા હિંસક આંદોલન કરે તો આનો રીપોર્ટ પણ સરકાર સુધી જાય’ આ રીપોર્ટવાળી વાતની અસર સીધી બનારાજા ઉપર થઈ. તેઓ મુંઝાયા હવે શું કરવું તેથી સલાહ માટે નિવૃત્ત ડી.વાય.એસ.પી. પાસે ગયા હવે મારે શું કરવું? નિવૃત ડીવાયએસપીએ કહ્યું આ ફોજદાર તમે આજદીન સુધી જોયેલા ફોજદારો જેવો બાઘો નથી. તેણે તમામ કાયદાકીય પ્રક્રિયા તૈયાર જ રાખી હશે. હોમગાર્ડઝ કે પોલીસ વિ‚ધ્ધ કાંઈ પણ કરવું તમે મોટી ખોટમાં અને ટીકર વાળા જેલમાં જશે તમે પોલીસ એફ.આઈ.આર. નોંધે તે પહેલા સમાધાન કરી લ્યો તે ડહાપણ વાળી વાત છે. તમારે ખાત્રી કરવી હોય તો સરકારી દવાખાને તપાસ ક્રાવી લો ફોજદારે ત્યાં પોલીસ મૂકી જ દીધા હશે. જેવા ટીકરવાળા સારવારમાં આવે એટલે સારવાર કરાવીને સીધા લોકઅપમાં મામાનાઘેર!વળી ફોજદારની બુધ્ધીતીવ્ર છે.એકાદ નિવેદનમાં કોની ‘સુચનાથી’ તો કાવત્રાની કલમ ઉમેરીને ‘આયોજક’ પછી ભલે મૂળીના હોય તો તેને પણ પકડી લેશે બનારાજાએ કહ્યું ‘દવાખાને તો તરત પોલીસ મુદી દીધી સાચી વાત છે!’
બનારાજા પહેલી વખત મૂંઝાયા અને બોલ્યા ‘ફોજદાર પાકો કપટી છે.’ બનારાજાને મામલો ગંભીર બનતો લાગતા અને ધરપકડના ભણકારા વાગવા લાગતા મૂળીના આગેવાન પ્રતિષ્ઠિત વ્યકિત દીલુભા ભગતને સમજાવીને જયદેવ પાસે મોકલ્યા કે ગમે તેમ કરો પોલીસ ફરિયાદ નોંધે નહિ. અમો પણ કાંઈ કરવા માંગતા નથી. દીલુભા ભગત પોલીસ સ્ટેશને જયદેવને મળ્યા અને હવે જે થયું તે થયું વાત પડતી મૂકવા કહ્યું દીલુભા ભગતે ટીકર ગ્રામજનો અને બનારાજા વતી ખાત્રી આપી કે હવે કયારેય આતો શું બીજુ કાંઈ પોલીસ ખાતા સાથે ઘર્ષણ નહિ કરે ભગત વજનદાર વ્યકિત હોય જયદેવને પીપી હોમગાર્ડ કમાન્ડર તથા પોલીસ સ્ટાફ પણ કહેવા લાગ્યો કે સાહેબ છેલ્લી વખત આ એક વખત જવા દો. જયદેવે કહ્યું ભલે. પણ છતા જયદેવે દિવસ પૂરો તા સુધી હોસ્પિટલમાં પોલીસ રાખી. અને સ્ટેશન ડાયરી પોતાના કબ્જામાં રાખી.મામલો પૂરો થઈ ગયો પણ તાલુકામાં તથા જીલ્લા આખાને વાતો વાતથી ખબર પડી કે મૂળીના રાજકારણને બરાબર પાઠ ભણાવે તેવો ફોજદાર મળ્યો છે.બનારાજા ને કુદરતે જ કોર્ટ દ્વારા તથા હોમગાર્ડઝ જવાનો દ્વારા ‘સુરજી’ પ્રકરણનો જડબે સલાક બદલો આપી દીધો!