રાષ્ટ્રીય સહ મહામંત્રી વી. સતિષ પણ ઉપસ્થિત રહેશે
ભારતીય જનતા પાર્ટીએ થોડા સમય અગાઉ જ નિમેલા પાંચસો જેટલા વિસ્તારકોના અભ્યાસ વર્ગ આગામી સપ્તાહે યોજવાનો નિર્ણય કર્યો છે. તા.૨૭ અને ૨૮ માર્ચ દરમિયાન સારંગપુર ખાતે યોજાનારા આ અભ્યાસ વર્ગમાં રાષ્ટ્રીય સંગઠન સહ મહામંત્રી વી.સતિષ, મુખ્યપ્રધાન વિજય રૂપાણી ઉપસ્થિત રહી કાર્યકરોને માર્ગદર્શન આપશે.
પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, પંડિત દીનદયાળ ઉપાધ્યાય જન્મશતાબ્દી વર્ષની ઉજવણી નિમિત્તે વિસ્તારકોને સોંપાયેલી જવાબદારી સંદર્ભે સારંગપુર સ્વામીનારાયણ સંકુલ ખાતે બે દિવસનો અભ્યાસ વર્ગ યોજાનાર છે. આ અભ્યાસ વર્ગમાં પ્રમુખ આગેવાનો ઉપરાંત પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા કાર્યકરોને ભાજપના વિચાર, કાર્યક્રમો, કેન્દ્ર તેમજ ગુજરાતની ભાજપ સરકારોની કામગીરીને વધુને વધુ લોકો સુધી પહોંચાડવા સંદર્ભે માર્ગદર્શન આપશે.
ભાજપમાં વિસ્તારક માટે એક કવાયત હાથ ધરાતી હોય છે અને તેમાં કાર્યકર ચૂંટણી સંદર્ભે થનારી કામગીરીમાં કેટલો સમય આપી શકે છે તેની યાદી તૈયાર થાય છે. આ અભ્યાસ વર્ગ યોજાવાનો છે તેમાં છ મહિના અને બાર મહિના માટે સમયદાન આપનાર પાંચસો કાર્યકરો હાજર રહેશે. ગયા વર્ષે નવેમ્બરમાં વિસ્તારકોની પ્રથમ બેઠક સોખડા ખાતે યોજાઇ હતી અને તેમાં પણ અગ્રણીઓએ માર્ગદર્શન આપ્યું હતું. વિસ્તારકોએ પોતાને સોંપાયેલી વિવિધ જવાબદારી મુજબ જિલ્લાઓમાં છેક બૂથ સ્તર સુધીનો પ્રવાસ સંપન્ન કર્યો છે. વિસ્તારકોના પ્રવાસની જેમ વાલીઓએ પોતાના મંડલ સ્તરના પ્રવાસનો પ્રથમ રાઉન્ડ પૂરો કર્યો છે. હવે આગામી સમયમાં વાલીઓ ફરીથી બુથ સ્તરે પહોંચશે અને અગાઉ અપાયેલી ચૂચના પ્રમાણે કેટલી કામગીરી થઇ, કયા કાર્યક્રમો પૂરાં થયા તેની વિગતો મેળવશે.