પ્રાથમિક સુવિધાઓના નામે મીડું: ફલેટધારકો પાણી, લાઈટ, બાંધકામ અને સુરક્ષાના મામલે હેરાન-પરેશાન
રાજકોટ અર્બન ડેપલોપમેન્ટ ઓથોરીટી (રૂડા) દ્વારા મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત કાલાવડ રોડ-અવધ રોડ પર ૧૦૨૦ ફલેટ્સ સાથે વીર સાવરકર નગરનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ આવાસ યોજનાની કામગીરી અને સુવિધા લોટ, પાણીને લાકડા સમાન છે. ફલેટધારકોને લાઈટ-પાણીની પ્રાથમિક સુવિધામાં પણ અગવડ પડે છે. બાંધકામ અને સુરક્ષામાં બેદરકારીના કારણે ફલેટ ધારકો ત્રાહિમામ પોકારી ગયા છે.
આજરોજ અબતકની મુલાકાતે આવેલા જનકસિંહ ઝાલા, મહેન્દ્રસિંહ મકવાણા, પ્રકાશભાઈ ઉનડકટ, શૈલેષભાઈ શુકલ, મિલનભાઈ ત્રિવેદી અને મહેન્દ્રભાઈ ગણાત્રા સહિતના ફલેટ ધારકોએ રૂડાની યોજનામાં ઘડી રહેલી મુશ્કેલીઓની આપવીતિ વર્ણવી હતી. તેમણે કહ્યું હતું કે, આવાસ યોજનામાં રૂડા દ્વારા પૂરતુ પાણી ન અપાતા મહિલાઓ અને દિવ્યાંગોને પણ પાણી માટે ૧ કિલોમીટર દૂર કણકોટ ગામ સુધી જવુ પડે છે. ટેન્કરો ફાળવાયા છે પરંતુ તેમાં ગોલમાલ છે. બાંધકામો પણ ખામીયુકત છે. કેટલાક ફલેટમાં સિડી ઉતરતી વખતે લોકોના માથા દિવાલ સાથે ભટકાય છે.
આ ઉપરાંત વીજ કનેકશનમાં પણ અનેક ક્ષતિઓ જોવા મળી છે. એક સાથે અનેક ટયુબલાઈટનું જોડાણ આપી દેવાતા વિજળીનો વ્યય થાય છે. આંગણવાડી, સ્કૂલ, જનરેટર શોભાના ગાંઠિયા સમાન છે. લીફટના કામની પણ હલકી ગુણવતા છે. બિલ્ડરના કેટલાક માણસો મકાન ભાડે આપતા હોવાની રાવ ઉઠી છે. સફાઈ તેમજ બગીચાઓની જાળવણીમાં અવ્યવસ્થા છે. સિકયોરીટી ગાર્ડ માત્ર કાગળ ઉપર જ છે. પરીણામે ચોરીના બનાવો વધતા જાય છે.
આ મામલે મુખ્યમંત્રી સહિતનાને ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવામાં આવી છે. રજુઆતમાં આક્ષેપ કરાયો છે કે રૂડા આવાસ યોજનાનું સંચાલન ફલેટ ધારકોને સોંપીને પોતે દાખવેલી બેદરકારીમાંથી છટકી જવા માંગે છે અવાર નવાર સુવિધાની મુશ્કેલી પ્રત્યે મુખ્યમંત્રી, જિલ્લા કલેકટર, નર્મદા નિગમ, પાણી પુરવઠા બોર્ડ, મ્યુનિ.કોર્પોરેશન સહિતનાને લેખિત રજુઆત કરવામાં આવી હોવા છતાં યોગ્ય પગલા લેવાયા નથી.