૪ માર્ચે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ મંત્રીઓની પ્રેરક ઉપસ્થિતિ: વેણુ-૨ના કિનારે ભકિતનો દરીયો ઘુઘવશે પૂ.લાલબાપુને લાખો ભાવિકો સામુહિક વંદના કરશે: ધર્મસભા સાંજે ૪:૦૦ કલાક થી ૬:૦૦ પૂ.લાલબાપુ સંબોધશે
સંતશ્રી લાલબાપુ તથા પૂજય રાજુભગતના ૨૧ મહિનાનું અનુષ્ઠાન પૂર્ણ થવા પ્રસંગે સંતવાણી તથા ધર્મસભાના આયોજનો પણ કરવામાં આવ્યા છે. મહોત્સવ દરમિયાન તા.૩ માર્ચના શનિવારે વિકલાંગો કેલીપર્સ હાથ-પગનો કેમ્પ યોજાશે. તા.૪ના અંતિમ દિને સાંજે ચાર વાગ્યે મુખ્ય સમારોહ આયોજીત થયો છે. ૪:૦૦ થી ૬:૦૦ વાગ્યા દરમિયાન ધર્મસભાનું આયોજન કરાયું છે. જેમાં ૨૧ મહિનાથી ગહન મંત્ર સાધના બાદ સાધના ખંડમાંથી બહાર પધારીને ધર્મસભામાં આવશે. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, જયેશભાઈ રાદડિયા, આર.સી.ફળદુ તથા પ્રદિપસિંહ જાડેજા ઉપસ્થિત રહેશે.
ગધેથડ ગાયત્રી આશ્રમના પૂ.લાલબાપુ વર્ષોથી એક મંત્રમાં લીન બન્યા છે. તેઓએ ગાયત્રી મંત્રોના કરોડો જાપ અસંખ્ય અનુષ્ઠાનો કર્યા છે. મહોત્સવમાં આ મંત્રનો દિવ્ય પ્રભાવ પથરાશે ૨૧ મહિના દીર્ઘ અનુષ્ઠાનમાંથી તેઓ બહાર પધારવાના છે. પૂ.લાલબાપુના ગુરૂ ઢાંકના મગનલાલ જટાશંકર શાસ્ત્રીજી છે. રાજુ ભગત પૂ.બાપુ સાથે રહે છે અને સાધનામય જીવનનો રોમાંચ માણે છે. ઉપરાંત દોલુ ભગત પણ પૂ.બાપુની સેવામાં અને સાધનામાં વ્યસ્ત રહે છે. પૂ.લાલબાપુ આયુર્વેદ ઔષધિઓના જાણકાર છે. અસંખ્ય લોકોના દુ:ખ દર્દ દુર કર્યા છે. ગધેથડ આશ્રમના સેવકો પાસે અપાર પરચાના લીસ્ટ છે.
સૌરાષ્ટ્રની ધાર્મિક આધ્યાત્મિક પરંપરામાં ગાયત્રી આશ્રમ અને લાલબાપુ સુવર્ણ પૃષ્ઠ સમાન છે. ખૂબ જ સાદગીભર્યુ જીવન, ગહન સાધના અને જીવમાત્રના કલ્યાણનો ભાવ પ્રેરક છે. સાધનાનો પ્રભાવ સતત વહી રહ્યો છે. દેશ-વિદેશથી ભાવિકો અહી પધારે છે. આશ્રમમાં નાત જાત ધર્મ કે ઉંચ-નીચના ભેદભાવ રાખવામાં આવતા નથી. પૂ.લાલબાપુએ જગાવેલી દિવ્ય જયોતથી ભાવિકોના જીવન પ્રકાશિત થઈ રહ્યા છે. ગાયત્રી મંત્રના ગહન ઉપાસક પૂ.લાલબાપુ અને પૂ.રાજુ ભગત ૨૧ મહિનાની ગહન મંત્ર સાધના પૂર્ણ કરીને બહાર પધારી રહ્યા છે. આ મંગલ અવસરે અલૌકિક દ્રશ્ય સર્જાશે. દેશ-વિદેશથી લાખો ભાવિકો ઉમટી પડશે. આગામી ૧ થી ૪ દરમિયાન વિશેષ મહોત્સવનું દિવ્ય આયોજન ગાયત્રી આશ્રમ-ગધેથડ ખાતે થયું છે. ચાર દિવસીય મહોત્સવ માટે તૈયારીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે. અલગ અલગ સમિતિઓ ઉત્સાહભેર કામે લાગી ગઈ છે. ૩૬૦૦ સ્વયંસેવકો સેવા આપનાર છે. ૧૦૦૦ સ્વયંસેવકો સ્ટેન્ડ બાય રખાયા છે.
૫૦૦ થી ૬૦૦ વિઘા જમીન પર રોશની ઝળહળશે. આ માટે ૧૦૦ ફૂટની એક એવી ૧૦ હજાર સીરીઝ ગોઠવવામાં આવી છે. માતાજીનું મંદિર ભવ્યતાથી શણગારવામાં આવશે. ૩૦ ફુટ ઉંચા બાવીસ લાઈટ ટાવર્સ ઉભા કરાશે. લાઈટીંગ દર્શનીય બનશે. આ ઉપરાંત સમગ્ર મહોત્સવ ૨૦ બાય ૧૦ની સાઈઝના સાત એલ.ઈ.ડી.સ્ક્રીન પરથી પણ માણવા મળશે. મહોત્સવની ધર્મસભા માટે મુખ્ય ડોમ ૨૫૦૦૦ ફુટ એરિયાનો બનશે. દોઢ લાખ ફુટ જમીન પર લાકડાના મંડપ ગોઠવાશે. ૧૦ લાખ ફૂટ જમીન પર કાર્પેટ બિછાવવામાં આવશે. મહોત્સવમાં લાખો ભાવિકો ઉમટી પડનાર છે. આ માટે સુરક્ષા પણ અદ્ભુત વ્યવસ્થા રહેશે. ૨૫ ફૂટ ઉંચા વોંચ ટાવર નિર્માણ કરાશે. ઉપરાંત સમગ્ર મહોત્સવ સ્થળને સીસીટીવી કેમેરાની નજર તળે આવરી લેવાશે. મહોત્સવમાં પધારનારા ભાવિકોને પાર્કિંગની મુશ્કેલી ન પડે તે માટે અદભુત આયોજન થયું છે. પાર્કિંગ સમિતિએ ૫૦૦ વિઘા જમીન પર આ સુવિધા ગોઠવી છે. નાગવદર, ગધેથડ, કોલકી સાઈડ પાકિર્ંગ સુવિધા ઉભી કરવામાં આવી છે. આ સમિતિમાં તાલીમબદ્ધ ૫૦૦ સ્વયંસેવકો સેવા આપશે. સમગ્ર મહોત્સવ દરમિયાન ૧૧૪ ગામોને ધુમાડાબંધ આમંત્રણ અપાયું છે. મહોત્સવનો ચારેય દિવસે શુદ્ધ ઘીના મિષ્ટાન સહિત ભોજન પ્રસાદ દરેક ભાવિકને પ્રાપ્ત થાય તેવી વ્યવસ્થા ગોઠવાઈ છે.
સમગ્ર મહોત્સવમાં વિવિધ શુદ્ધ સામગ્રી રસોઈ વિભાગ દ્વારા વપરાશે. જે અંગે વિગતો આપતા અગ્રણીઓએ જણાવ્યું હતું કે, અમૂલનું શુદ્ધ ઘી ૪૫૦ ડબ્બા, તેલના કુલ ૭૫૦ ડબ્બા ઉપરાંત ૧૦,૦૦૦ કિલો ચણાનો લોટ, ૮૦૦૦ કિલો ઘઉંનો લોટ, ૧૬૦૦૦ કિલો ખાંડ, ૧૧૦૦૦ કિલો ચોખા, ૫૫૦૦ કિલો તુવેર દાળ, ૬૦૦૦ કિલો અડદનો લોટ, ૨૫૦૦ કિલો મગફાડા, ૨૦૦૦ કિલો ખીચડિયા ચોખા, ૧૪૦૦૦ કિલો શાકભાજી, ૨૫૦ કિલો કાજુ, ૧૫૦ કિલો બદામ, ૩૦૦ કિલો કિસમીસ, ૭૫ કિલો અદડિયાનો મસાલો, ૪૦ કિલો એલચી, ૧૨ કિલો જાવંગી, ૩૦૦૦ કિલો ચાની ભુકી, ૭૦,૦૦૦ લીટર દૂધ વપરાય તેવી ધારણા છે. સમગ્ર મહોત્સવ દરમિયાન લાખો ભાવિકો ભોજન પ્રસાદ લે તેવું અનુમાન છે.
મહોત્સવ દરમિયાન ૨૪ કલાક ચા-પાણી મળશે. છ કેન્ટીન ગોઠવાઈ છે. જયાં અવસરત આ વિતરણ થશે. માત્ર આ માટે ૭૦,૦૦૦ લીટર દૂધ વપરાશે. ૧૫ મિનીટમાં ૪૦,૦૦૦ લોકો ભરપેટ ભોજન લઈ શકે તેવી વ્યવસ્થા ગોઠવાઈ છે. ભોજન ઉપરાંત મહોત્સવની પાણી સમિતિએ મહોત્સવના તમામ સ્થળે પાણી મળે રહે તેવી ગોઠવણ કરવામાં આવી છે. ૬૦૦૦ ફુટ પાઈપ લાઈન ગોઠવવામાં આવી છે. ૩૫ સ્થાને પીવાના પાણીના પરબ ઉભા કરાયા છે. તમામ સ્થાને વોટર સપ્લાય મળી રહે તેવું આયોજન છે. સાથે સાથે હાઈ બોન્ડ સિમેન્ટ રાજકોટના માલિક મનસુખભાઈ પાણ તથા વલ્લભભાઈ વડાલીયા તરફથી વરિયાળી સરબતની વ્યવસ્થા તથા બાન લેબવાળા રાજકોટ મૌલેશભાઈ પટેલ તરફથી સ્વયં સેવકને ટોપી (કેપ) આપવામાં આવશે.
ગધેથડ ખાતે યોજાનાર મહોત્સવમાં આનંદ મેળાનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમોની પણ રમઝટ બોલશે. આ દિવસે પૂ.લાલબાપુ તરફથી ઉપલેટા શહેર તથા તાલુકાના સમસ્ત ગામોમાં ગૌમાતાને નિરણ, કુતરાને લાડવા, પંખીને ચણ, કીડીને કીડિયા‚, માછલીને બુંદીદાણા આપવાનું આયોજન થયું છે. ધર્મસભા બાદ સાંજે ૭:૩૦ વાગ્યે જામનગરની રાજ શકિત રાસ મંડળી દ્વારા ભવ્યાતિભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. તા.૪ના રાત્રે ૧૦ વાગ્યે સંતવાણીની અભૂતપૂર્વ રમઝટ બોલશે. નિરંજન પંડયા, કીર્તિદાન ગઢવી, માયાભાઈ આહીર, ધીરૂભાઈ સરવૈયા, બ્રિજરાજદાન ગઢવી જમાવટ કરશે. નામાંકિત સંગીતકાર પંકજ ભટ્ટ અને તેનું ગ્રુપ ગેબી ધ્વનિ સાઉન્ડ નથુભાઈના સથવારે જમાવટ કરશે. જેનું તમામ સંચાલન દેવરાજ ગઢવી કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરશે. ગાયત્રી આશ્રમ-ગધેથડ ગામે ભાવિકોનો તથા આધ્યાત્મીક આનંદનો દરીયો ઘુઘવશે.