વ્યથાની કથા છે કે કથા ની વ્યથા છે…
સભ્યતાની આડમાં આ કેવી પ્રથા છે ???
પિતાએ પુત્રી પર બળાત્કાર કર્યો, ત્રણ ચાર વર્ષની બાળકી પર બળાત્કાર કરી હત્યા કરી માસૂમ બાળા પર હેવાનોએ આચરેલું પાશવી દુષ્કૃત્ય ભાગ્યેજ એવો કોઈ દિવસ ઊગતો હશે જ્યારે આવા એક બે કિસ્સા ન બનતા હોય..
સ્ત્રી-પુરુષ વચ્ચે વિજાતીય આકર્ષણ હોવું કુદરતી છે. ઉમર થતાં સેક્સના સ્પંદનો જાગવા એ શારીરિક પ્રક્રિયા છે. આમેય કુદરતે જ દરેક જાતિ પ્રજાતિનો વંશવેલો સતત આગળ વધે એ માટે સંવનનના આવેગ અને સંવનન કાળ દરેક પ્રાણી, પશુ, પક્ષી માટે મુકરર કર્યા છે. માત્ર માણસ જાત સિવાય પ્રજોત્પતિ માટેના સેક્સના આ આવેગને મનોરંજનનું સાધન સમજી બેઠેલા માનવીઓ માટે સંવનન કાળ નહીં આખું જીવન અને જિંદગીની દરેક ક્ષણ સંવનન કાળ બની ગઈ છે.
અલબત બુદ્ધિમાં દરેક પ્રજાતિ કરતાં વધારે બળિયા માનવીઓ જો આ મનોરંજન દ્વારા પણ ખુશ રહેતા હોય તો કુદરતનો કોઈ વિરોધ ન જ હોય પણ મનોરંજન વિકૃતિની હદ સુધી પહોચી જાય એ સભ્ય સમાજ માટે લાલબત્તી સમાન છે.
સુદ્રઢ સમાજ વ્યવસ્થામાં કુટુંબ ભાવના ને પોષક માનવીય સંબંધોની દરેકની અલગ લાક્ષણિકતા છે. દરેક સંબંધનું આગવું મહત્વ છે. ભાઈ બહેન, માતા પુત્રી, પિતા પુત્રી, જેવા અરસ પરસના ગાઢ વિશ્વાસના ધ્યોતક સંબંધોની ગરિમા સાચવવી એ સભ્ય સમાજ માટે માત્ર જરૂરી જ નહીં, અનિવાર્ય પણ છે જ.
આજે વાસના ભૂખ્યા હેવાનો જે રીતે આ સંબંધોનો છેદ ઉડાડી સમાજ વ્યવસ્થાને કલૂષીત કરે છે એ ખરેખર ખેદ ની વાત છે.
સ્ત્રી આમેય માત્ર ઉપભોગનું સાધન નથી જ, એમાએ શારીરિક સંબંધ માટે તો સ્ત્રી ની શારીરિક પરિપક્વતા પણ એટલી જ જરૂરી છે. આ સનાતન સત્ય માત્ર શાસ્ત્રોક્ત જ નહીં વૈજ્ઞાનીક પણ છે, તો પછી જેનામાં સેક્સની લાગણીના અંકુર પણ ન ફૂટયા હોય એવી માસૂમ બાળાઓને હવસનો શિકાર બનાવવી એ આપણી સભ્યતા પર નું કલંક નહીં તો બીજું શું ગણાય ??
એક સુસંસ્કૃત અને જાગૃત માનવી તરીકે દરેક ની ફરજ છે – આવી પ્રવૃતિને રોકવી, અટકાવવી અને સ્વચ્છ અને સ્વસ્થ સમાજનું નિર્માણ કરવું.